જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
રાજકારણ ૨૭ વાર જોવાયેલ • એક કલાક પેહલા

રાજકારણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 11 ઓક્ટોબરના રોજ યોજાનારી ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ખંભાળિયા તાલુકાની ભાડથર જિલ્લા પંચાયત બેઠકની પેટાચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ ઓખા નગરપાલિકામાં 75 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જ્યારે ભાડથર જિલ્લા પંચાયતની એક બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક-એક ઉમેદવાર વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 7 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચી લીધા હતા. પરિણામે હવે 75 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જોકે, આ ચૂંટણીમાં તમામ 9 વોર્ડમાં મતદાન નહીં થાય, કારણ કે એક વોર્ડ સંપૂર્ણપણે બિનહરીફ થઈ ગયો છે.

ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપના ચાર અને કોંગ્રેસના એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા આ વોર્ડની તમામ ચાર બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. આમ, વોર્ડ નંબર 4માં ચૂંટણીની જરૂરિયાત રહી નથી અને અહીં ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

આ સ્થિતિને કારણે હવે 11 ઓક્ટોબરના રોજ ઓખા નગરપાલિકાના બાકીના 8 વોર્ડની કુલ 32 બેઠકો માટે મતદાન યોજાશે. આ 32 બેઠકો માટે કુલ 75 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. પક્ષવાર જોવામાં આવે તો ભાજપના 32, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવાર મેદાનમાં રહ્યો નથી.

બીજી તરફ ખંભાળિયા તાલુકાની ભાડથર જિલ્લા પંચાયતની ખાલી પડેલી એક બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાવાની છે. આ બેઠક માટે શરૂઆતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપરાંત એક અપક્ષ ઉમેદવાર મળી કુલ ચાર ઉમેદવારીપત્રો ભરાયા હતા. જોકે, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા હવે ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

આમ, ભાડથર જિલ્લા પંચાયતની એક બેઠક માટે હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક-એક ઉમેદવાર વચ્ચે સીધો ચૂંટણી મુકાબલો થશે. એક તરફ ઓખા નગરપાલિકાની 32 બેઠકો માટે 75 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે, તો બીજી તરફ ભાડથર બેઠક પર ત્રણેય મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારો આમને-સામને છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 ઓક્ટોબરે યોજાનારી બંને ચૂંટણીઓનું અંતિમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ