મારું શહેર જૂનાગઢના બરવાળા ગામે સરકારી જમીન પર દબાણના આક્ષેપ, કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ.
જૂનાગઢ: જિલ્લાના ભેસાણ તાલુકાના બરવાળા ગામમાં સરકારી ખરાબાની જમીન અને જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ થયાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કડિયાવાડ (જૂનાગઢ)ના મનોજ કે. ચુડાસમા દ્વારા રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે બરવાળા ગ્રામ પંચાયતે 2 ડિસેમ્બર, 2025ના રોજ ઠરાવ નં. 04 દ્વારા સરકારી ખરાબાની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની ભલામણ કરી હતી. ઉપરાંત સ્થળ તપાસનું રોજકામ પણ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતાં આજદિન સુધી અસરકારક કાર્યવાહી ન થતાં અરજદારે વાંધો ઉઠાવ્યો છે.
અરજી મુજબ, સર્વે નંબર-7ની સરકારી જમીન પર વિવિધ વ્યક્તિઓ દ્વારા કથિત રીતે ગેરકાયદેસર કબજો કરીને ખેતી, આંબાનો બગીચો, બાંધકામ, કૂવો સહિતના ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. કેટલાક દબાણકારોએ સરકારી જમીન પર વીજ જોડાણ પણ મેળવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં ભેસાણ મામલતદારની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતના ઠરાવ અને સ્થળ તપાસની માહિતી હોવા છતાં દબાણ દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ દબાણકારોને પરોક્ષ મદદ અથવા મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરી મામલતદારની ભૂમિકાની તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
અરજદારે જિલ્લા કલેક્ટરને બરવાળા ગામની સરકારી જમીન અને જાહેર રસ્તા પર થયેલા તમામ કથિત દબાણોની તાત્કાલિક સ્થળ તપાસ કરાવી ગેરકાયદેસર કબજા દૂર કરીને જમીન સરકારના કબજામાં પરત મેળવવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી તેમજ નિષ્ક્રિયતા દાખવનાર અધિકારીઓ સામે પણ તપાસ સમિતિ રચી જરૂરી શિસ્તાત્મક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ રજૂઆતમાં કરવામાં આવેલા દાવા અને આક્ષેપો અરજદારના જણાવ્યા અનુસાર છે. સંબંધિત સરકારી વિભાગો દ્વારા આ મુદ્દે તપાસ અને સત્તાવાર કાર્યવાહી બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.