મારું શહેર ભાટિયાના જાહેર શૌચાલયની હાલત જર્જરિત, અકસ્માતનો ભય......
પોપડા ઉખડતા છતનો ભાગ, તૂટેલા દરવાજા અને સુવિધાના અભાવે ગ્રામજનો પરેશાન; 70 જેટલા લોકોએ નવનીકરણની માંગ સાથે રજૂઆત કરી
ભાટિયા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમાં બસ સ્ટેન્ડ અને મુખ્ય ગેટ નજીક ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ જાહેર શૌચાલયની હાલત અત્યંત જર્જરિત બની હોવાની ફરિયાદો ઉઠી છે. શૌચાલયની છત પરથી પોપડા ઉખડી રહ્યા હોવાથી કોઈ અકસ્માત સર્જાય તેવી ભીતિ ગ્રામજનોમાં જોવા મળી રહી છે. મુખ્ય ગેટ નજીક અને લોકોની સતત અવરજવર રહેતા વિસ્તારમાં આ શૌચાલય આવેલું હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ અથવા નવનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભાટિયા ગામ આસપાસના અંદાજે 30થી 35 ગામડાંઓ માટે વેપાર અને અવરજવરનું કેન્દ્ર હોવાથી અહીં દિવસભર લોકોની મોટી અવરજવર રહે છે. બસ સ્ટેન્ડ તથા મુખ્ય માર્ગ નજીક આવેલા આ જાહેર શૌચાલયનો સ્થાનિકો તેમજ બહારથી આવતા લોકો ઉપયોગ કરે છે. જોકે, હાલ તેની જર્જરિત સ્થિતિને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, શૌચાલયની છતના પોપડા ઉખડી રહ્યા છે અને બાંધકામ પણ જર્જરિત બન્યું છે. અંદરની જરૂરી સુવિધાઓ પૂરતી ઉપલબ્ધ નથી, જ્યારે કેટલાક દરવાજા પણ તૂટેલા અને ફાટેલા હાલતમાં હોવાનું જણાવાયું છે. જેના કારણે જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા લોકો માટે અસુવિધા સાથે અકસ્માતનું જોખમ પણ ઊભું થયું છે.
મોટી દુર્ઘટના પહેલાં કાર્યવાહી કરવાની માંગ
આ મામલે ગામના જાગૃત નાગરિક રમેશભાઈ નાઘેરા સહિત આશરે 70 જેટલા ગ્રામજનોએ ભાટિયા ગ્રામ પંચાયત સહિત તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી છે.
ગ્રામજનોએ હાલનું જર્જરિત બાંધકામ દૂર કરીને તેની જગ્યાએ આધુનિક સુવિધાઓથી સજ્જ નવું જાહેર શૌચાલય બનાવવાની માંગ કરી છે. જો હાલના બાંધકામનું સમારકામ શક્ય હોય તો તાત્કાલિક રિપેરિંગ કરી લોકો માટે સલામત વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી પણ માંગ છે.
ગ્રામજનોનું કહેવું છે કે, જાહેર ઉપયોગની આવી સુવિધાઓની નિયમિત દેખરેખ અને જાળવણી ગ્રામ પંચાયતની જવાબદારી હેઠળ થવી જોઈએ. પરંતુ બાંધકામ અત્યંત જર્જરિત બન્યા બાદ ગ્રામજનોએ લેખિત રજૂઆત કરવાની ફરજ પડી છે.
હવે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે અને જાહેર શૌચાલયનું તાત્કાલિક નવનીકરણ અથવા પુનઃનિર્માણ કરવામાં આવે, તેવી ભાટિયાના ગ્રામજનોની ઉગ્ર માંગ છે.
રિપોર્ટર ભાટીયા અશ્વિન જોશી