સબરસ પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા બન્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ CEO, ટ્રસ્ટમાં મોટા ફેરફારો.
અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના વહીવટ અને વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પશ્ચિમ એર કમાન્ડનું નેતૃત્વ કરનારા નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. ટ્રસ્ટની બુધવારે યોજાયેલી બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમની નિમણૂક સાથે ટ્રસ્ટમાં અન્ય મહત્વપૂર્ણ પદોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિને મહાસચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે દિલ્હીના મહેશ ભાગચંદાનીને નવા કોષાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
રામ મંદિર ટ્રસ્ટમાં પ્રથમ વખત CEOની નિમણૂક કરવાનો નિર્ણય તાજેતરના વહીવટી પડકારો અને દાન વ્યવસ્થાપન સંબંધિત વિવાદો બાદ લેવામાં આવ્યો હતો. ટ્રસ્ટને વધુ પારદર્શક, વ્યવસ્થિત અને વ્યાવસાયિક રીતે સંચાલિત કરવા માટે આ પદનું સર્જન કરવામાં આવ્યું હતું. આ પદ માટે દેશભરમાંથી અંદાજે 5,500 અરજીઓ મળી હતી. લગભગ બે મહિના સુધી સ્ક્રિનિંગ, મૂલ્યાંકન અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા બાદ નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની પસંદગી કરવામાં આવી હતી.
જિતેન્દ્ર મિશ્રા ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી છે અને તેઓ 6 ડિસેમ્બર, 1986ના રોજ ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. લગભગ 39 વર્ષની લાંબી અને ગૌરવપૂર્ણ કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી. તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન તેઓ પશ્ચિમ એર કમાન્ડના વડા તરીકે કાર્યરત હતા અને સમગ્ર ઓપરેશનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આ ઉપરાંત કારગિલ યુદ્ધ દરમિયાન પણ મિરાજ-2000 વિમાનો દ્વારા લેસર ગાઈડેડ બોમ્બના ઉપયોગ સાથે જોડાયેલી કામગીરીમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.
ટ્રસ્ટની બેઠકમાં માત્ર CEOની જ નહીં પરંતુ ટ્રસ્ટના માળખામાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોષાધ્યક્ષ તરીકે સેવા આપતા ગોવિંદ દેવ ગિરિને હવે ટ્રસ્ટના નવા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ચંપત રાયનું સ્થાન લેશે. બીજી તરફ દિલ્હીના મહેશ ભાગચંદાનીને ટ્રસ્ટના નવા કોષાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રસ્ટમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે અયોધ્યાના વરિષ્ઠ વકીલ મદન મોહન પાંડે અને શિકોહાબાદની ડો. નિર્મલા યાદવને નવા ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મદન મોહન પાંડે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ દરમિયાન રામલલાના પક્ષે વકીલોની ટીમમાં મહત્વપૂર્ણ સભ્ય રહ્યા હતા. જ્યારે ડો. નિર્મલા યાદવ હિન્દી અને સંસ્કૃત વિષયમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું છે અને શૈક્ષણિક તથા સામાજિક ક્ષેત્રે સક્રિય રહી ચૂક્યાં છે. ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા તેમજ વિમલેન્દ્ર મોહનના અવસાન બાદ ટ્રસ્ટમાં સર્જાયેલી ખાલી જગ્યાઓ હવે આ નવી નિમણૂકો દ્વારા ભરવામાં આવી છે.
ટ્રસ્ટના નવા CEO તરીકે જિતેન્દ્ર મિશ્રા હવે રામ મંદિરના વહીવટ, નાણાકીય પારદર્શિતા, વિકાસ કાર્યો, સંચાલન અને ભક્તોને મળતી સુવિધાઓની દેખરેખ રાખશે. તેમની વહીવટી અને સૈન્ય નેતૃત્વની લાંબી કારકિર્દીને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટને વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે આગળ વધારવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રસ્ટના કાર્યવાહક મહાસચિવ ડો. કૃષ્ણ મોહને બેઠક બાદ આ તમામ નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરી હતી. આ નિર્ણયને રામ મંદિર ટ્રસ્ટના વહીવટમાં નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.