ક્રાઇમ SMC કર્મચારી બની ટ્રાફિક સિગ્નલની બેટરીઓ ચોરતી ટોળકી ઝડપાઈ.
સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલની મોંઘી બેટરીઓ ચોરી કરતી ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. SMCના કર્મચારી હોવાનો દાવો કરીને ટ્રાફિક સિગ્નલના બેટરી બોક્સ ખોલી બેટરીઓ ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડે તરીકે થઈ છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સુરતમાં વીજ પુરવઠો બંધ થાય ત્યારે પણ ટ્રાફિક સિગ્નલ કાર્યરત રહે તે માટે યુપીએસ અને બેટરી બેકઅપની વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેટલાક સમયથી ટ્રાફિક સિગ્નલ બંધ રહેવાની ફરિયાદો સામે આવી રહી હતી. તપાસ દરમિયાન બેટરીઓ ગુમ થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આરોપીઓ બપોરે 12થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન સિગ્નલ બંધ અથવા ઓછા ઉપયોગમાં રહેતા સમયનો લાભ લેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેઓ SMCના ડ્રેસમાં સ્થળ પર પહોંચતા અને કોઈ પૂછપરછ કરે તો પોતાને મેન્ટેનન્સ સ્ટાફ તરીકે ઓળખાવી બેટરી રિપેરિંગ માટે લઈ જવાનું બહાનું કરતા હતા.
આ મામલે ટ્રાફિક સિગ્નલના મેન્ટેનન્સની જવાબદારી સંભાળતી એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 55 જંકશન પરથી 155 બેટરીઓ ગુમ થયેલી હોવાનું સામે આવ્યું હતું. આ ચોરીઓને લઈને શહેરના અલગ-અલગ 15 પોલીસ મથક વિસ્તારોમાં ફરિયાદો નોંધાઈ હતી. એક જ પ્રકારની ચોરીની ઘટનાઓ અનેક વિસ્તારોમાં બનતી હોવાનું ધ્યાનમાં આવતા તપાસ ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચી હતી. પોલીસે ત્યારબાદ CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે ચોરીની કડીઓ જોડવાનું શરૂ કર્યું હતું.
પોલીસ તપાસમાં બંને આરોપીઓની ભૂમિકા સામે આવી હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરા વિસ્તારમાં ‘લક્ષ્ય બેટરી ઇન્વેટર’ નામની દુકાન ભાડે રાખીને વેપાર કરતો હતો. બંને આરોપીઓ ધોરણ 12 સુધી ભણેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ટૂંકા સમયમાં પૈસા કમાવવાના ઇરાદે બંનેએ ટ્રાફિક સિગ્નલની બેટરીઓ ચોરી કરવાનો રસ્તો અપનાવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, જુલાઈ 2026થી આરોપીઓ આ પ્રકારની ચોરીઓ કરતા હોવાની કબૂલાત સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે રાજેશકુમાર બપોરના સમયે એક્ટિવા લઈને અલગ-અલગ ટ્રાફિક સિગ્નલ પર પહોંચતો હતો. ત્યારબાદ સિગ્નલના પોલ સાથે જોડાયેલી પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને બેટરી બહાર કાઢવામાં આવતી હતી. ચોરી કરેલી બેટરી લાલમણીને આશરે ₹1,000માં વેચવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે. ત્યારબાદ લાલમણી આ બેટરીઓને ભંગારમાં વેચીને નફો મેળવતો હોવાનો પણ પોલીસનો દાવો છે.
આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા, ગોડાદરા સહિતના વિસ્તારોમાં આવેલા વિવિધ ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી કુલ 155 બેટરી ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે બંને પાસેથી હાલમાં 6 નંગ બેટરી, ડુપ્લિકેટ ચાવી, એક્ટિવા અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 55 જંકશન અને 15 પોલીસ મથક વિસ્તારો સાથે જોડાયેલી આ ચોરીઓને કારણે શહેરના ટ્રાફિક સિગ્નલની કામગીરી પર પણ અસર પડી હોવાનું સામે આવ્યું છે.
હાલ બંને આરોપીઓની ધરપકડ બાદ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હવે ચોરી કરાયેલી બાકીની બેટરીઓ ક્યાં વેચવામાં આવી હતી, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને અગાઉ પણ આવી જ રીતે ચોરી કરવામાં આવી હતી કે નહીં તે સહિતના મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. જાહેર રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ એવા સિગ્નલની બેટરીઓની ચોરીનો આ મામલો સામે આવતા મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ આગળ વધતા આ કેસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.