જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૨૬ વાર જોવાયેલ એક કલાક પેહલા

ઈન્ડિયા PM મોદીના 76મા જન્મદિવસે ગુજરાતમાં ભવ્ય ઉજવણી

PM મોદીના 76મા જન્મદિવસે ગુજરાતમાં ભવ્ય ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાતભરમાં વિવિધ સેવાકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગરથી લઈને અમદાવાદ અને સુરત સુધી જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના 20 આઇકોનિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત દીપમાળા યોજાઈ રહી છે, જ્યારે અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે 1.25 લાખ દીવડાઓ પ્રગટાવવાનું આયોજન છે. આ ઉપરાંત રાજ્યભરમાં રક્તદાન શિબિરો સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમની જીવનયાત્રાને રાષ્ટ્રસેવા અને સંકલ્પની યાત્રા તરીકે વર્ણવી છે. તેમણે જણાવ્યું કે વડનગરની પવિત્ર ભૂમિથી શરૂ થયેલી યાત્રા ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધી પહોંચી છે. CMના જણાવ્યા મુજબ, છેલ્લા 25 વર્ષથી જનપ્રતિનિધિ તરીકેની તેમની જાહેર સેવા અને નેતૃત્વમાં સુશાસન, જનકલ્યાણ તથા વિકાસના મુદ્દાઓને મહત્વ મળ્યું છે. તેમણે PMના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે મોદીની જાહેર જીવનની શરૂઆતથી વડાપ્રધાન પદ સુધીની યાત્રાનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રસેવા અને ગરીબ કલ્યાણને તેમના કાર્ય સાથે જોડ્યું હતું. અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે અને વડનગરમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં હાજરી આપ્યા બાદ વડનગરથી વારાણસી સેવા યાત્રા એટલે કે બાઇક રેલીને પ્રસ્થાન કરાવવાના કાર્યક્રમમાં જોડાયા છે.

વડનગર ખાતે પણ જન્મદિવસની વિશેષ ઉજવણી થઈ રહી છે. હાટકેશ્વર મંદિરે સાધુ-સંતો અને મહંતોએ વડાપ્રધાનને શુભકામનાઓ પાઠવી તેમના દીર્ઘાયુ માટે આશીર્વાદ આપ્યા હતા. મહંત નિજાનંદ બાપુએ વડનગરના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનની જાહેર જીવનની યાત્રાને લઈને નિવેદન આપ્યું હતું. બીજી તરફ, વડાપ્રધાનના બાળપણના મિત્ર દશરથભાઈ પટેલે પણ જૂની યાદો વાગોળી હતી અને બાળપણ તથા કોલેજકાળ દરમિયાન સાથે વિતાવેલા સમયના સંસ્મરણો શેર કર્યા હતા.

વડનગરથી વારાણસી સુધીની બાઇક રેલી પણ આજની ઉજવણીનું મહત્વનું આકર્ષણ છે. જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસર સાથે જોડાયેલી આ યાત્રામાં અલગ-અલગ રૂટ પરથી બાઇક સવારો જોડાશે અને અનેક જિલ્લાઓ તથા ગામોમાંથી પસાર થઈ વારાણસી પહોંચશે. યાત્રા દરમિયાન વિવિધ પવિત્ર નદીઓ અને જળાશયોમાંથી જળ એકત્રિત કરી કાશી વિશ્વનાથ મંદિરમાં જળાભિષેક કરવાની યોજના જણાવાઈ છે.

સુરતમાં પણ જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ‘નમો જન સેવા કલ્યાણ સમિતિ’ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, ગંગાસ્વરૂપ મહિલાઓને આર્થિક સહાય, આંખના ઓપરેશન તથા કેન્સરના દર્દીઓ માટે કેર સેન્ટર જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ શહેરમાં ‘આશીર્વાદનો દીવો’ અંતર્ગત લાખો દીવડાઓ પ્રગટાવવાની તૈયારીઓ છે. વિવિધ મંદિરો, તળાવો અને ધાર્મિક સ્થળોએ પણ દીપોત્સવ યોજાશે.

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે 7,600 દીવડાઓ પ્રગટાવી મા ઉમિયાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી. ઓડિશાના પુરીમાં સેન્ડ આર્ટિસ્ટ માનસ કુમાર સાહૂએ પણ રેતીમાંથી વિશેષ કલાકૃતિ તૈયાર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આમ, વડાપ્રધાનના જન્મદિવસે ગુજરાત સહિત વિવિધ સ્થળોએ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દિવસભર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ