ધર્મ જન્માષ્ટમી પહેલા જામનગરમાં ‘હર ઘર ભગવા’ અભિયાનનો શુભારંભ, કાન્હાને માખણ ધરાવવા પણ વિશેષ આયોજન.
જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમીની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા આ વર્ષે જન્માષ્ટમીની 20મી સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે શહેરમાં ભક્તિમય માહોલ સર્જવા માટે ‘હર ઘર ભગવા’ અને ‘કાન્હાને મારું માખણ’ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જામનગરના શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રીના સાનિધ્યમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા અને જન્માષ્ટમીની ઉજવણીને ભવ્ય બનાવવાના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આગામી 4 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 8:30 કલાકે ખીજડા મંદિર ખાતેથી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા નીકળશે. છોટી કાશી તરીકે જાણીતા જામનગર શહેરના રાજમાર્ગો પર નીકળનારી આ શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક, સામાજિક અને રાજકીય સંસ્થાઓના આકર્ષક ધાર્મિક ફ્લોટ્સ જોડાશે. શોભાયાત્રાના માર્ગ પર વિવિધ સ્થળોએ મટકી ફોડ, સ્વાગત અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. જન્માષ્ટમીના પર્વને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ધર્મપ્રેમી નાગરિકોને જોડતા બેનરો અને હોર્ડિંગ્સ લગાવવા માટે દાતાઓ, મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓના સહયોગથી સંકલન કામગીરી પણ ચાલી રહી છે.
જન્માષ્ટમીના આગમન પૂર્વે જ 19 ઓગસ્ટ, 2026ના બુધવારે શ્રાવણ સુદ સાતમના રોજ સાંજે 7 વાગ્યે ખીજડા મંદિર ખાતે ‘હર ઘર ભગવા’ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રી તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહેશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ અભિયાન અંતર્ગત જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 5,000થી વધુ ભગવા ધ્વજ તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અભિયાન દ્વારા સનાતન સંસ્કૃતિની ઝાંખી કરાવતું વાતાવરણ સર્જવા માટે લોકો પોતાના ઘર અને પ્રતિષ્ઠાનો પર ભગવો ધ્વજ લગાવે તે માટે સંતો-મહંતો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ સાથે શોભાયાત્રા સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ ડિજિટલ સેલ્ફી માટેની વ્યવસ્થાનું પણ લોકાર્પણ કરવામાં આવશે, જેથી લોકો અભિયાન સાથે જોડાઈને પોતાની ભાગીદારી દર્શાવી શકે.
આ ઉપરાંત જન્માષ્ટમીના એક દિવસ પૂર્વે 3 સપ્ટેમ્બર, 2026ના ગુરુવારે શ્રાવણ વદ સાતમના રોજ ‘કાન્હાને મારું માખણ’ નામનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સતત બીજા વર્ષે યોજાનારા આ કાર્યક્રમ અંતર્ગત ભક્તો, સત્સંગ મંડળો અને ધર્મપ્રેમી નાગરિકોને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા દરમિયાન કાન્હાને માખણ અર્પણ કરવાની તક મળશે. ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ અને માખણ સાથે જોડાયેલી પરંપરાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ દ્વારા ભક્તોને જન્માષ્ટમીના પર્વ સાથે વધુ નજીકથી જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં જન્માષ્ટમી પૂર્વે જ ધાર્મિક કાર્યક્રમોનો માહોલ સર્જાય અને વધુમાં વધુ લોકો શોભાયાત્રામાં જોડાય તે માટે વિવિધ સ્તરે તૈયારીઓ ચાલી રહી છે.
જામનગરમાં સતત 19 વર્ષથી યોજાતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા હવે 20મા વર્ષમાં પ્રવેશી રહી છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈ પીઠિયા, ભરતભાઈ ડાંગરિયા, કિશનભાઈ વસરા સહિતના અગ્રણીઓ દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે. ‘હર ઘર ભગવા’, ‘કાન્હાને મારું માખણ’ અને ભવ્ય સાર્વજનિક શોભાયાત્રા જેવા વિવિધ કાર્યક્રમોને લઈને જામનગરમાં જન્માષ્ટમીની ઉજવણીને ભક્તિ, સંસ્કૃતિ અને ઉત્સાહથી ભરપૂર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.