જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૭ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર લાલપુરમાં ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો, 14 NSS સ્વયંસેવકો બન્યા ‘નિ-ક્ષય મિત્ર’

લાલપુરમાં ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો, 14 NSS સ્વયંસેવકો બન્યા ‘નિ-ક્ષય મિત્ર’

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ શાળામાં દેશને ટીબી મુક્ત બનાવવાના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત ટીબી જાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવની ભાવના વિકસાવવાનો હતો. આ કાર્યક્રમમાં નેશનલ સર્વિસ સ્કીમ (NSS) સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ વાત એ રહી કે શાળાના કુલ 14 NSS સ્વયંસેવકોએ આગળ આવી ટીબીના દર્દીઓને સહાય અને માર્ગદર્શન આપવા માટે ‘નિ-ક્ષય મિત્ર’ તરીકે નોંધણી કરાવી હતી.

કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો, રોગનું નિદાન, સારવાર અને રોગથી બચવા માટેની સાવચેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સતત બે અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ખાંસી રહેવી, ગળફામાં લોહી આવવું, ભૂખ ન લાગવી, વજનમાં સતત ઘટાડો થવો, સાંજના સમયે હળવો તાવ આવવો તેમજ રાત્રે વધુ પડતો પરસેવો થવો જેવા લક્ષણોને ગંભીરતાથી લેવા જણાવાયું હતું. આવા લક્ષણો જણાય તો સમય બગાડ્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. ટીબીના વહેલા નિદાન માટે સરકારી આરોગ્ય કેન્દ્રોમાં છાતીનો એક્સ-રે, ગળફાની તપાસ અને સીબીનાટ મશીન દ્વારા ટેસ્ટ મફતમાં કરવામાં આવતો હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું.

આરોગ્ય ટીમે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ટીબી ચેપી રોગ હોવા છતાં યોગ્ય સમયે નિદાન અને નિયમિત સારવારથી તે સંપૂર્ણપણે મટી શકે છે. સરકારી આરોગ્ય વ્યવસ્થા હેઠળ ડોટ્સ પદ્ધતિથી ટીબીની જરૂરી દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત ‘નિ-ક્ષય પોષણ યોજના’ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જણાવાયું હતું કે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે આપવામાં આવતી નાણાકીય સહાય હવે દર મહિને રૂ. 500થી વધારીને રૂ. 1,000 કરવામાં આવી છે અને આ રકમ સીધી દર્દીના બેંક ખાતામાં જમા થાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પણ આરોગ્ય વિભાગમાં નોંધણી કરાવી આ યોજનાનો લાભ મેળવી શકે છે.

 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ અને લાલપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા PPM ચિરાગ પરમાર તથા લાલપુર ICTCના કાઉન્સેલર ધર્મેશભાઈએ વિદ્યાર્થીઓ સાથે ટીબી અંગે માર્ગદર્શન અને ચર્ચા કરી હતી. તેમણે ટીબી અંગે સમાજમાં રહેલા ભય અને સામાજિક દૂષણો દૂર કરવા માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા અને તેમને સમયસર સારવાર મળે તે માટે સહયોગ આપવા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે 14 NSS સ્વયંસેવકોએ પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં ટીબીના લક્ષણો અંગે લોકોને જાગૃત કરવા, વહેલી તકે નિદાન કરાવવા અને સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો. યુવાનો દ્વારા ‘નિ-ક્ષય મિત્ર’ તરીકે નોંધણી કરાવવી એ ટીબી મુક્ત સમાજના નિર્માણ તરફ મહત્વપૂર્ણ સામાજિક પહેલ તરીકે જોવામાં આવી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી બીનાબેન કાસ્ટા સહિત સમગ્ર શાળા પરિવારે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. શૈક્ષણિક સંકુલમાં યોજાયેલ આ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ સાથે સેવાભાવ અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાને પણ પ્રોત્સાહન મળ્યું હતું.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ