જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
ધર્મ ૧૦ વાર જોવાયેલ 55 મિનિટ પેહલા

ધર્મ મહર્ષિ દધિચી: નિઃસ્વાર્થ ત્યાગ અને પરોપકારની અમર ગાથા.

મહર્ષિ દધિચી: નિઃસ્વાર્થ ત્યાગ અને પરોપકારની અમર ગાથા.

 

ભારતીય સનાતન સંસ્કૃતિ અને પૌરાણિક ગ્રંથોમાં અસંખ્ય ઋષિમુનિઓ,તપસ્વીઓ અને મહાપુરૂષોના ચરિત્રો જોવા મળે છે જેમણે પોતાના જ્ઞાન-તપ અને આચરણથી સમગ્ર માનવજાતને રાહ ચીંધ્યો છે.આ મહાન ઋષિઓમાં મહર્ષિ દધિચીનું સ્થાન સર્વોચ્ચ અને અત્યંત આદરણીય છે.દર વર્ષે ભાદરવા સુદ આઠમના પવિત્ર દિવસે 'મહર્ષિ દધિચી જયંતી' ઉજવવામાં આવે છે.મહર્ષિ દધિચી માત્ર એક ઋષિ નહોતા પરંતુ તેઓ દ્રઢ નિશ્ચય,અદભુત આત્મબળ,નિઃસ્વાર્થ સેવા અને પરોપકારની જીવંત મૂર્તિ હતા,જેમણે લોકકલ્યાણ માટે પોતાના દેહનું પણ દાન કરી દીધું હતું,તેવા આ ઋષિશ્રેષ્ઠનું જીવન ચરિત્ર સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ છે.

 

જન્મ અને વંશપરંપરા..

ધર્મશાસ્ત્રો અને પુરાણો અનુસાર મહર્ષિ દધિચી સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીના માનસપુત્ર અને પ્રજાપતિ અને ઋષિ તથા માતા શાંતિ જે કર્દમ મર્ષિની પુત્રી અને કપિલમુનિની બહેન હતા તેમના સુપુત્ર હતા.આ કારણે તેમને 'આથર્વણ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

શાસ્ત્રોમાં તેમના લગ્ન સુવર્ચા નામના વિદુષી અને ધર્મપરાયણ સ્ત્રી સાથે થયા હોવાનો ઉલ્લેખ મળે છે,તેમને પિપ્પલાદ નામના એક તેજસ્વી પુત્ર હતા,જેમણે આગળ જતાં 'પિપ્પલાદ શાખા' અને અથર્વવેદના પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી,તેમનો મૂળ આશ્રમ નૈમિષારણ્યના પવિત્ર ક્ષેત્રમાં અને ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મહુડી પાસે સાબરમતી નદીના કિનારે દધિમતી ક્ષેત્ર હોવાની લોકવાયકાઓ અને ઐતિહાસિક સંદર્ભો પણ જોવા મળે છે.

 

મહર્ષિ દધિચીના જીવનના મુખ્ય કાર્યો અને પૌરાણિક કથાઓ..

મહર્ષિ દધિચીના જીવન સાથે અનેક રોમાંચક અને પ્રેરણાદાયી કથાઓ જોડાયેલી છે,તેમણે પોતાના જીવનકાળમાં ધર્મ,સત્ય અને દેવતાઓની રક્ષા માટે અનેક મહાન કાર્યો કર્યા હતા.

 

મહર્ષિ દધિચી માત્ર તપસ્વી જ નહીં પરંતુ બ્રહ્મજ્ઞાની અને વેદોના મર્મી હતા,તેમણે દેવરાજ ઇન્દ્રને 'મધુવિદ્યા' કે 'બ્રહ્મવિદ્યા'નું જ્ઞાન આપ્યું હતું.આ જ્ઞાન મેળવવા માટે ઇન્દ્રદેવ ઉત્સુક હતા.જો કે અશ્વિનીકુમારોને આ વિદ્યા શીખવવાની શરતે ઇન્દ્રએ દધિચી મુનિને ચેતવ્યા હતા કે જો તેઓ અન્ય કોઈને આ વિદ્યા શીખવશે તો તેમનું મસ્તક છેદન કરી નાખશે, તેમ છતાં અશ્વિનીકુમારોના આગ્રહ અને તેમની પાત્રતા જોઈને દધિચિએ તેમને આ ગુપ્ત વિદ્યા શીખવી હતી.શરત મુજબ અશ્વિનીકુમારોએ દધિચીનું મસ્તક કાપીને અશ્વનું મસ્તક લગાવી દીધું અને બાદમાં મૂળ મસ્તક પાછું જોડી દીધું હતું.આ ઘટનાથી તેમને 'અશ્વશિરા' કે 'અશ્વમુખ' ઋષિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

વૃત્રાસુર સામે દેવતાઓની રક્ષા અને મહાઅસ્થિદાન..

મહર્ષિ દધિચીના જીવનની સૌથી મહાન અને અદ્વિતીય ઘટના વૃત્રાસુર સાથેના યુદ્ધની છે.વૃત્રાસુર નામના અત્યાચારી રાક્ષસે ત્રણેય લોક પર ત્રાસ મચાવ્યો હતો અને દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા.વૃત્રાસુરને એવું વરદાન હતું કે કોઈપણ સામાન્ય હથિયાર જે ધાતુ કે લાકડાનું બનેલું હોય કે સજીવ-નિર્જીવ વસ્તુથી તેનું મૃત્યુ થઈ શકે નહીં.

 

દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીની પ્રાર્થના કરી ત્યારે તેમને માર્ગદર્શન મળ્યું કે જો મહર્ષિ દધિચી જેવા પરમ તપસ્વી અને બ્રહ્મતેજથી સંપન્ન ઋષિના અસ્થિમાંથી બનેલા 'વજ્ર'થી જ આ અસુરનો વધ થઈ શકે છે.દેવરાજ ઇન્દ્ર જ્યારે મહર્ષિ દધિચી પાસે આવીને પોતાની વ્યથા રજૂ કરી અને તેમની પાસે અસ્થિદાન માંગ્યું ત્યારે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર દધિચી મુનિએ સ્વેચ્છાએ પોતાના પ્રાણ ત્યાગવાનું નક્કી કર્યું, તેમણે કહ્યું કે "જો મારા આશ્વર્યજનક અને નશ્વર દેહના હાડકાંથી દેવોનું રક્ષણ થતું હોય અને ધર્મનો વિજય થતો હોય તો તેનાથી ઉત્તમ ભાગ્ય મારા માટે બીજું શું હોઈ શકે?"

 

યોગબળથી પોતાના પ્રાણ છોડ્યા બાદ દેવશિલ્પી વિશ્વકર્માએ તેમના હાડકાંમાંથી અજેય 'વજ્ર' અસ્ત્રનું નિર્માણ કર્યું હતું.આ વજ્રના પ્રહારથી જ ઇન્દ્રદેવે મહાબલી વૃત્રાસુરનો નાશ કર્યો અને દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું અપાવ્યું હતું.

 

સત્ય અને ધર્મની રક્ષા..

મહર્ષિ દધિચી અડગ સત્યવાદી હતા,તેમણે ક્યારેય અધર્મ કે અસત્ય સામે ઝૂકવું સ્વીકાર્યું ન હતું. સમાજમાં ધર્મની સ્થાપના અને સત્યના માર્ગ પર ચાલવા માટે તેમણે હંમેશાં પોતાના અંગત હિતોનો ત્યાગ કરીને લોકકલ્યાણને સર્વોપરી ગણ્યું હતું.

 

હિન્દુ ધર્મના મહાગ્રંથો જેવા કે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, શિવ મહાપુરાણ, મહાભારતના શલ્યપર્વ અને વનપર્વ તેમજ વિવિધ પુરાણોમાં મહર્ષિ દધિચીના ચરિત્રનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારતમાં દધિચી મુનિના ત્યાગને અનુલક્ષીને કહેવાયું છે કે શરીર તો નશ્વર છે,તે આજે નહીં તો કાલે નાશ પામવાનું જ છે પરંતુ પરોપકાર અને લોકકલ્યાણ માટે આપવામાં આવેલું બલિદાન અમર બની જાય છે.મહર્ષિ દધિચીનું નામ લેતા જ આપણા મનમાં 'નિઃસ્વાર્થ ત્યાગ' ની ભાવના જાગૃત થાય છે.આ જ કારણ છે કે ભારતીય સૈન્ય કે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનો કે પરોપકારી મહાપુરૂષોની સરખામણી ઘણીવાર મહર્ષિ દધિચી સાથે કરવામાં આવે છે.

 

આજના સમયમાં મહર્ષિ દધિચીના આદર્શોની પ્રાસંગિકતા..

આજની આધુનિક અને સ્વાર્થકેન્દ્રી દુનિયામાં મહર્ષિ દધિચીનું જીવન ચરિત્ર આપણને એક નવી દિશા ચીંધે છે. મહર્ષિ દધિચીને આજના સમયમાં 'વિશ્વના પ્રથમ અંગદાતા' તરીકે ગણવામાં આવે છે,જેમણે પોતાના મૃત શરીરના હાડકાં અન્યના જીવન રક્ષણ માટે ધરી દીધા,તે જ પ્રેરણાથી આજે 'દેહદાન મહાદાન' અને 'અંગદાન' ના અભિયાનો ચલાવવામાં આવે છે.

 

"પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ" આ સૂત્રને દધિચી મુનિએ પોતાના જીવન દ્વારા સાબિત કરી બતાવ્યું છે.પોતાના સુખ કે જીવની પરવા કર્યા વગર બીજાના કલ્યાણ માટે કાર્ય કરવું એ જ સાચો ધર્મ છે,એટલું મોટું તપ અને તેજ હોવા છતાં તેમનામાં લેશમાત્ર પણ અહંકાર ન હતો,તેઓ હંમેશાં લોકસેવા માટે તત્પર રહ્યા હતા.

 

ભાદરવા સુદ-૮ ના દિવસે મનાવાતી મહર્ષિ દધિચી જયંતી આપણને આપણા મહાન વારસાને યાદ કરવાનો અને તેમના જીવનમૂલ્યોને આપણા જીવનમાં ઉતારવાનો અવસર પૂરો પાડે છે.મહર્ષિ દધિચીનો ત્યાગ માત્ર એક પૌરાણિક ગાથા નથી પરંતુ તે માનવતાનું એક એવું ઉચ્ચ શિખર છે, જે યુગોયુગો સુધી આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.આ પવિત્ર દિવસે આપણે પણ સંકલ્પ કરીએ કે આપણા જીવનનો ઉપયોગ માત્ર પોતાના માટે નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે કરીશું.

 

ગુજરાતમાં અને ભારતમાં મહર્ષિ દધિચી સાથે જોડાયેલા કેટલાક અત્યંત મહત્વપૂર્ણ અને પૌરાણિક સ્થાન તથા સ્મારકો આવેલા છે જે તેમના ત્યાગ અને તપસ્યાની સાક્ષી પૂરે છે.

 

દધિચી આશ્રમ અને દૂધાધારી મહાદેવ મંદિર,સાબરમતી નદીના કિનારે,ગાંધી આશ્રમની નજીક સુભાષબ્રિજ/વાડજ વિસ્તાર,અમદાવાદમાં આવેલ છે.પૌરાણિક માન્યતાઓ અને શ્રીમદ્ ભાગવત અનુસાર આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં મહર્ષિ દધિચિએ લોકકલ્યાણ અને દેવતાઓની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપીને અસ્થિદાન કર્યું હતું.આ આશ્રમ પરિસરમાં દૂધાધારી મહાદેવ-બાળકેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે જ્યાંનું શિવલિંગ દૂધ જેવા શ્વેત રંગનું છે.મહર્ષિ દધિચી ભગવાન શિવના પરમ ભક્ત હતા અને આ તેમની તપોભૂમિ હતી.અહીં અઘોરી બાબાની જાગૃત સમાધિ પણ આવેલી છે.આ સ્થાનની એક વિશેષ પરંપરા છે કે અહીં ગુરૂવારના દિવસે આવતા શ્રદ્ધાળુઓ વિશેષ પૂજા-અર્ચના અને હોમ-હવન કરે છે.

 

અન્ય મુખ્ય રાષ્ટ્રીય સ્મારકો અને તીર્થસ્થળો પૈકી દધિચી કુંડ અને મિશ્રિખ તીર્થ,સીતાપુર,ઉત્તર પ્રદેશના પ્રખ્યાત નૈમિષારણ્ય તીર્થની નજીક મિશ્રિખ ખાતે 'દધિચી કુંડ' આવેલો છે.ધાર્મિક માન્યતા મુજબ આ એ જ જગ્યા છે જ્યાં મહર્ષિ દધિચિએ તપસ્યા કરી હતી અને દેવતાઓના હિત માટે પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો.આ કુંડમાં સઘળા તીર્થોનું જળ ભગવાને વહાવ્યું હોવાનું મનાય છે.તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ સ્થળને ભવ્ય 'રાજકીય પર્યટન સ્થળ' તરીકે વિકસાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

 

દધિમતી માતા મંદિર,ગોડ માંગલોદ,રાજસ્થાન..

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં દધિચી મુનિના કુળ અને માતા દધિમતી સાથે જોડાયેલું આ એક શક્તિપીઠ મંદિર આવેલું છે જે દાધીચ બ્રાહ્મણ સમાજ અનેક શ્રદ્ધાળુઓનું મુખ્ય આસ્થા કેન્દ્ર છે.આ તમામ સ્થાનો આપણને મહર્ષિ દધિચીના પરોપકાર,સાદગી અને મહાન બલિદાનની યાદ અપાવે છે.

 

ભાદરવા સુદ આઠમ 'ધરો આઠમતરીકે ઓળખાય છે.'ધરો આઠમ' નામ પડવા પાછળનું કારણ એ છે કે આ દિવસે દૂર્વા-ધરોનું વિશેષ મહત્વ છે.ભગવાન શિવ અને ગણપતિની પૂજામાં દૂર્વા-ઘાસ/ધરોનું અદ્ભુત મહાત્મય રહેલું છે.ગણપતિ દાદાને વિશેષ રૂપે ધરો-દૂર્વા અર્પણ કરવામાં આવે છે.આથી આ પવિત્ર તિથિને 'ધરો આઠમકહેવામાં આવે છે.આ દિવસે સ્નાન કરી શુદ્ધ થઈને ભગવાન શિવ,માતા પાર્વતી અને શ્રીગણેશની પૂજાનો સંકલ્પ કરવામાં આવે છે.દૂર્વાની જુડી બનાવીને વિધિવત મંત્રો સાથે ભગવાનને અર્પણ કરવામાં આવે છે.હિન્દુ ધર્મમાં દૂર્વાને અમૃત સમાન પવિત્ર માનવામાં આવી છે,એવું માનવામાં આવે છે કે દૂર્વામાં દેવત્વનો વાસ હોય છે અને તે તમામ પ્રકારના પાપોનો નાશ કરનાર છે.શાસ્ત્રો અનુસાર ધરો આઠમના દિવસે જે ભક્તો દૂર્વા દ્વારા દેવતાઓનું પૂજન કરે છે,તેમને લાંબુ આયુષ્ય,ઉત્તમ સ્વાસ્થ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.દૂર્વા શીતળતા અને પવિત્રતાનું પ્રતીક છે.તેની પૂજા કરવાથી મનની ચંચળતા શાંત થાય છે અને આધ્યાત્મિક ઊર્જામાં વધારો થાય છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ