જાહેરાત
તાજા સમાચાર
દક્ષિણ એશિયામાં પ્રથમવાર ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026. | જુનાગઢ માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. | ઋષિ પંચમી અને સામા પાંચમ: ઋષિ સંસ્કૃતિ, ગુરૂઋણ અને પ્રકૃતિપૂજનનું પાવન પર્વ. | જામનગરમાં મહાગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય મોદક સ્પર્ધાનું આયોજન. | અમદાવાદના અમરાઈવાડીમાં ગેસ બિલના નામે વૃદ્ધ સાથે ₹1.40 લાખની સાયબર ઠગાઈ. | જામનગરમાં ગણપતિ બાપ્પાનું હર્ષોલ્લાસ સાથે આગમન. | સૌને આવાસ, સૌનો વિકાસ: જામનગરમાં પોતાના ઘરનું સપનું થશે સાકાર. | હરિયાળું જામનગર, સ્માર્ટ પરિવહન તરફ વધુ એક પગલું. | હરિયાળું જામનગર, સ્માર્ટ પરિવહન તરફ વધુ એક પગલું. | ગણેશ ચતુર્થી પૂર્વે સપડા સિદ્ધિ વિનાયક મંદિર તરફ ભક્તોની પદયાત્રા. |
પાછા મુખ્ય સમાચાર પર
ધર્મ ૧૨ વાર જોવાયેલ 50 મિનિટ પેહલા

ધર્મ ઋષિ પંચમી અને સામા પાંચમ: ઋષિ સંસ્કૃતિ, ગુરૂઋણ અને પ્રકૃતિપૂજનનું પાવન પર્વ.

ઋષિ પંચમી અને સામા પાંચમ: ઋષિ સંસ્કૃતિ, ગુરૂઋણ અને પ્રકૃતિપૂજનનું પાવન પર્વ.

સનાતન વૈદિક પરંપરામાં ભાદરવા સુદ પંચમીની તિથિ અત્યંત પવિત્ર અને મંગલકારી માનવામાં આવે છે. આ દિવસને ઋષિ પંચમી તેમજ ગુજરાતમાં લોકપ્રિય નામ ‘સામા પાંચમ’ તરીકે ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થીના બીજા દિવસે આવતો આ પર્વ આધ્યાત્મિક શુદ્ધિ, આત્મસંયમ, પ્રકૃતિપ્રેમ, ગુરૂઋણ અને ઋષિમુનિઓ પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતીક છે. આ દિવસે વૈદિક જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના સંવાહક એવા સપ્તર્ષિઓ તથા માતા અરૂંધતીનું પૂજન કરવામાં આવે છે. ઋષિ પંચમી માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ જીવનમાં સદાચાર, જ્ઞાન અને સંસ્કારોને ઉતારવાનો સંકલ્પ કરાવતું પર્વ છે.

ધર્મશાસ્ત્રોમાં ઋષિ પંચમીના વ્રતને કાયિક, વાચિક અને માનસિક ભૂલોના પ્રાયશ્ચિત સાથે જોડવામાં આવ્યું છે. માનવજીવનમાં અજાણતાં થયેલી ભૂલો, અશુદ્ધિઓ અને નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મેળવવા માટે આ વ્રતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર દરેક મનુષ્ય પર દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણ એમ ત્રણ પ્રકારના ઋણ હોય છે. દેવઋણ પૂજન અને યજ્ઞથી, પિતૃઋણ સેવા અને કુટુંબધર્મથી તથા ઋષિઋણ સ્વાધ્યાય, જ્ઞાનના પ્રસાર અને સંસ્કૃતિના જતનથી ચૂકવાય છે. સપ્તર્ષિઓનું પૂજન કરીને મનુષ્ય પોતાના જ્ઞાનદાતાઓ અને માર્ગદર્શકો પ્રત્યે આભાર વ્યક્ત કરે છે.

ઋષિ પંચમી સાથે જોડાયેલી પરંપરામાં રજસ્વલા અવસ્થા અને શુચિતાના નિયમોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ભૂતકાળમાં અજાણતાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન ન થયું હોય તો તેના પ્રાયશ્ચિતરૂપે મહિલાઓ આ વ્રત કરતી હતી. જોકે આ વ્રત માત્ર સ્ત્રીઓ પૂરતું મર્યાદિત નથી. પુરુષો પણ પોતાના કાયિક અને માનસિક દોષોના નિવારણ, આત્મશુદ્ધિ અને સંયમ માટે આ વ્રત કરી શકે છે. આધુનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ પરંપરાનો મુખ્ય સંદેશ સ્વચ્છતા, આરોગ્ય, શારીરિક વિશ્રામ અને આત્મનિરીક્ષણ સાથે જોડાયેલો છે. નારીને હીન દર્શાવવાનો નહીં, પરંતુ નારીશક્તિ અને તેના સ્વાસ્થ્ય પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો આ પર્વ છે.

ઋષિ પંચમીના દિવસે કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ એમ સપ્તર્ષિઓનું પૂજન કરવામાં આવે છે. કશ્યપ ઋષિ સૃષ્ટિના પિતામહ સમાન, અત્રિ ઋષિ તપસ્યાના પ્રતીક, ભરદ્વાજ ઋષિ જ્ઞાન-વિજ્ઞાન અને આયુર્વેદના પ્રણેતા, વિશ્વામિત્ર ઋષિ ગાયત્રી મંત્રના દ્રષ્ટા, ગૌતમ ઋષિ ન્યાયશાસ્ત્રના પ્રણેતા, જમદગ્નિ ઋષિ સત્ય અને તપના ઉપાસક તથા વસિષ્ઠ ઋષિ ભગવાન શ્રીરામના કુળગુરુ તરીકે પૂજનીય છે. તેમની સાથે માતા અરૂંધતીનું પણ પૂજન થાય છે. સાચું ઋષિપૂજન માત્ર ચંદન-અક્ષત અર્પણ કરવાથી પૂર્ણ થતું નથી, પરંતુ ઋષિઓના વિચારોને જીવનમાં ઉતારવાથી થાય છે.

‘સામા પાંચમ’ નામ પાછળ પણ પ્રકૃતિ અને આહારવિજ્ઞાનનું ઊંડું રહસ્ય છુપાયેલું છે. આ દિવસે ખેડેલી જમીનમાં ઉગતા ઘઉં, ચોખા, બાજરી અને અન્ય અનાજનો ત્યાગ કરીને કુદરતી રીતે ઉગતા સામા, મોરૈયા, રાજગરા તથા તાંદળજો, સુવા અને ધાણા જેવી ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષમાં એક દિવસ જમીનને ખેડાણથી આરામ આપવો અને ખેતીમાં ઉપયોગી બળદોને પણ વિશ્રામ આપવો એ પરંપરામાં રહેલી પ્રાણીદયા અને પર્યાવરણ સંરક્ષણની ભાવનાને દર્શાવે છે. સામો અને મોરૈયો પાચનમાં હલકા તથા સુપાચ્ય હોવાથી ઉપવાસ દરમિયાન શરીરને અનુકૂળ આહાર પૂરું પાડે છે.

ભવિષ્ય પુરાણમાં ઋષિ પંચમીના મહાત્મ્ય સાથે જોડાયેલી એક પ્રેરણાદાયી કથા પણ મળે છે. વિદર્ભ દેશમાં સુમિત્ર નામના બ્રાહ્મણની પુત્રી પૂર્વજન્મમાં થયેલી અજાણતી ભૂલના કારણે કષ્ટ ભોગવતી હતી. પિતાને ધ્યાનમાં આ વાતનું જ્ઞાન થયું અને તેમણે પુત્રીને ભાદરવા સુદ પંચમના દિવસે સપ્તર્ષિઓનું વ્રત અને પૂજન કરવાની સલાહ આપી. પુત્રીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને ઋષિઓના આશીર્વાદથી તેના કષ્ટો દૂર થયા. આ કથા પ્રાયશ્ચિત, શ્રદ્ધા અને સદાચારના મહત્વનો સંદેશ આપે છે.

ઋષિ પંચમીના દિવસે વહેલી સવારે સ્નાન કરી અપામર્ગ એટલે કે અઘાડા છોડની ડાળીથી શુદ્ધિકરણ કરવાની પરંપરા છે. ત્યારબાદ પૂજા સ્થળે સપ્તર્ષિઓ અને માતા અરૂંધતીની સ્થાપના કરીને જળ, ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. સામા, મોરૈયા અને ફળાહારથી વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આધુનિક યુગમાં આ પર્વનો સંદેશ વધુ પ્રાસંગિક બની રહ્યો છે. ઋષિઓના જ્ઞાન, યોગ, આયુર્વેદ, ખગોળશાસ્ત્ર અને ગણિત જેવા ક્ષેત્રોમાં યોગદાનને યાદ કરી સ્વાધ્યાય, પર્યાવરણપ્રેમ, સ્વચ્છતા અને સદવિચારોનો સંકલ્પ લેવો એ જ ઋષિ પંચમીનું સાચું સાર્થક ઉજવણું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ