મારું શહેર જામનગરના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સઘન ચેકિંગથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત.
જામનગર જિલ્લાના સંવેદનશીલ સાગરકાંઠા વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ મેગા પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રોઝી બંદર, નવા-જૂના બેડી બંદર, માધાપર ભુંગા, જોડિયા ભુંગા સહિતના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન કમાન્ડોની ટીમોએ પગપાળા પેટ્રોલિંગ કરી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી. વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય સ્થિતિને પગલે દરિયાઈ સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે.
એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને મરીન ટાસ્ક ફોર્સ, હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પારેખના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.એમ. બોપલિયા સહિતની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ કરી હતી.
પેટ્રોલિંગ દરમિયાન ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો તેમજ અવાવરું અને નિર્જન વિસ્તારોમાં વિશેષ ચકાસણી કરવામાં આવી હતી. દરિયાકાંઠા નજીક અજાણી વ્યક્તિઓ, શંકાસ્પદ બોટો અથવા અન્ય કોઈ અસામાન્ય પ્રવૃત્તિ જોવા મળે છે કે કેમ તે અંગે મરીન કમાન્ડોની ટીમોએ ચાંપતી નજર રાખી હતી. દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી, હથિયારો કે નશીલા પદાર્થોની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની ટીમોએ માછીમારી વસાહતો અને ફિશિંગ સેન્ટરોની મુલાકાત લઈ માછીમારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. દરિયામાં કે દરિયાકાંઠે કોઈ અજાણી બોટ, અજાણી વ્યક્તિ અથવા શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસ અને સુરક્ષા તંત્રને જાણ કરવા માછીમારોને અપીલ કરવામાં આવી હતી. જામનગરનો દરિયાકાંઠો બંદરો, જેટીઓ અને વ્યૂહાત્મક તથા ઔદ્યોગિક મહત્વ ધરાવતા સ્થળોને કારણે સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ પેટ્રોલિંગ અને દેખરેખની કામગીરી ચાલુ રહેશે. આ મેગા પેટ્રોલિંગથી જામનગરના સાગરકાંઠે સુરક્ષા તંત્રની સતર્કતા વધુ મજબૂત બની હોવાનું સ્પષ્ટ થયું છે.