ક્રાઇમ ભાણવડના કલ્યાણપુરમાં જુગાર અને દારૂ સામે પોલીસની કાર્યવાહી.
જાહેરમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા, રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની 11 બોટલ મળી; કુલ રૂ.66,840નો મુદ્દામાલ જપ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કલ્યાણપુર ગામમાં અલગ-અલગ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે વાડી વિસ્તારમાં રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવતા એક આરોપી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની દેખરેખ હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
જાહેરમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા
ભાણવડ પોલીસ સ્ટેશનના 'એ' બીટના પોલીસ કર્મચારીઓ નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર ગામના ગેટ પાસે લાઇટના અજવાળામાં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે તેમની પાસેથી રૂ.31,500 રોકડ, મોબાઇલ ફોન તથા એક મોટરસાઇકલ સહિત કુલ રૂ.61,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં:
- ડાડુભાઈ મેરામણભાઈ ડાંગર, રહે. કલ્યાણપુર
- વિજયભાઈ ભીમાભાઈ ગોજીયા, રહે. મોડપર
- જેન્તીભાઈ દુદાભાઈ કરંગીયા, રહે. મોડપર
- રાજુભાઈ ઉર્ફે માઇકલ ભીખાભાઈ ચાવડા, રહે. મોડપર
નો સમાવેશ થાય છે.
વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની 11 બોટલ મળી
બીજી કાર્યવાહીમાં કલ્યાણપુર ગામના વાડી વિસ્તારમાં એક આરોપીના કબજા-ભોગવટાવાળા રહેણાક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની 750 ML તથા 180 MLની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 11 બોટલ મળી આવી હતી.
આ દારૂના જથ્થાની કિંમત રૂ.5,340 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે જયદીપભાઈ કિરણભાઈ કછોટ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જોકે દરોડા દરમિયાન તે હાજર મળી આવ્યો ન હતો.
કુલ રૂ.66,840નો મુદ્દામાલ જપ્ત
આમ, કલ્યાણપુર ગામમાં જુગાર અને પ્રોહિબિશન અંગેની અલગ-અલગ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ.66,840નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
આ કાર્યવાહી ભાણવડ પોલીસ સ્ટેશનના PI વી.કે. કોઠિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે બંને કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.