ક્રાઇમ શહેરા તાલુકામાં ખનીજ માફિયાઓ સામે પ્રાંત અધિકારીની લાલ આંખ.
શહેરા તાલુકામાં ગેરકાયદે ખનીજ ચોરી અને રેતીની હેરાફેરી સામે પ્રાંત અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરા પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરીને વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. મોર ઊંડારા, ડેમલી અને ઝોઝ પાટિયા સહિતના વિસ્તારોમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં એક જેસીબી તેમજ કુલ સાત ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદે રેતીનો સંગ્રહ અને હેરાફેરી થતી હોવાની માહિતીના આધારે તંત્ર દ્વારા અચાનક તપાસ કરવામાં આવતા સ્થળ પરથી બિનઅધિકૃત રેતીનો જથ્થો પણ મળી આવ્યો હતો. પકડાયેલા તમામ વાહનોને સીઝ કરીને નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શહેરા પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમને મળેલી બાતમીના આધારે મોર ઊંડારા ગામમાં એક ખાનગી સર્વે નંબરની જમીન પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા જમીનમાંથી બિનઅધિકૃત રીતે રેતીનો સ્ટોક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી રેતી ભરેલા બે ટ્રેક્ટર અને એક જેસીબી મળી આવ્યા હતા. ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ માટે આ વાહનોનો ઉપયોગ થતો હોવાની પ્રાથમિક માહિતીના આધારે ટીમ દ્વારા વાહનોને કબજે લેવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સ્થળની તપાસ કરી જરૂરી વિગતો એકત્ર કરી હતી અને ત્યારબાદ જેસીબી સહિતના વાહનોને સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મોર ઊંડારા ગામ તરફના રસ્તા પર પણ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રેતી ખાલી કરી રહેલા બે ટ્રેક્ટરો ટીમની નજરે ચડ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને બંને વાહનોને પકડી પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન એક ટ્રેક્ટર ચાલક વાહન લઈને સ્થળ પરથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમગ્ર મામલે પોલીસ તંત્રને જાણ કરવામાં આવતા ભાગી ગયેલા ટ્રેક્ટરને પણ શોધી કાઢવામાં આવ્યું હતું. બાદમાં આ ટ્રેક્ટરને ઝડપી લઈને તાલુકા સેવા સદન કચેરી ખાતે મૂકવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીમાં મહેસૂલ અને પોલીસ તંત્ર વચ્ચે સંકલન જોવા મળ્યું હતું અને ગેરકાયદે ખનીજ હેરાફેરી સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ડેમલી તરફના રસ્તા પરથી ગેરકાયદે રેતી ભરીને જતા વધુ ટ્રેક્ટરો ઝડપાયા હતા. ત્યારબાદ ઝોઝ પાટિયા નજીકથી પસાર થતા હાઇવે પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી પણ ગેરકાયદે રેતી ભરેલા ટ્રેક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ અલગ-અલગ સ્થળોએ હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ સાત ટ્રેક્ટર અને એક જેસીબી કબજે કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. તમામ વાહનોને સીઝ કરીને તેમની સામે નિયમ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા લોકોમાં ચકચાર ફેલાઈ છે.
શહેરા તાલુકામાં ગેરકાયદે ખનીજ ચોરી સામેની કાર્યવાહીમાં સૌથી ગંભીર બાબત તરીકે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ સામે આવી રહ્યો છે. ગેરકાયદે રેતી અને અન્ય ખનીજની હેરાફેરી કરતા કેટલાક વાહનો પર નંબર પ્લેટ ન હોવાના કારણે વાહનની ઓળખ કરવી મુશ્કેલ બને છે. આવા વાહનોનો ઉપયોગ કરનારા લોકો દ્વારા ઓળખ છુપાવવાના હેતુથી નંબર પ્લેટ લગાવવામાં ન આવતી હોવાની રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. નંબર પ્લેટ વગરના વાહનો જાહેર રસ્તાઓ અને હાઇવે પર દોડતા હોવા અંગે સ્થાનિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આવા વાહનો સામે માત્ર મહેસૂલ તંત્ર જ નહીં, પરંતુ પોલીસ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા પણ નિયમિત તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
ખનીજ ચોરી અને ગેરકાયદે હેરાફેરીને કારણે કુદરતી સંસાધનોને નુકસાન થવાની સાથે સરકારી આવકને પણ અસર થઈ શકે છે. રેતી સહિતના ખનીજનું નિયમ વિરુદ્ધ ખનન, સંગ્રહ અથવા પરિવહન રોકવા માટે તંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે. શહેરામાં તાજેતરની કાર્યવાહીમાં પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે બાતમીના આધારે સરપ્રાઈઝ ચેકિંગ કરીને સ્થળ પર જ કાર્યવાહી હાથ ધરી હતી. આવી તપાસથી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો સામે કાયદાનો અમલ થતો રહે છે અને જાહેર માર્ગો પર નિયમ વિરુદ્ધ દોડતા વાહનો અંગે પણ તંત્રનું ધ્યાન કેન્દ્રિત થાય છે. આગામી સમયમાં પણ આવી કામગીરી ચાલુ રહે તેવી સ્થાનિક લોકોમાં અપેક્ષા છે.
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી અને હેરાફેરી સામે તંત્ર વધુ સક્રિય બને તેવી માંગ ઉઠી રહી છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના ટ્રેક્ટર, ડમ્પર અને અન્ય વાહનો સામે નિયમિત ચેકિંગ કરવામાં આવે તો વાહનની ઓળખ અને માલિક સુધી પહોંચવામાં સરળતા રહે તેવી રજૂઆતો થઈ રહી છે. તાજેતરની કાર્યવાહીમાં એક જેસીબી અને સાત ટ્રેક્ટર સીઝ કરવામાં આવ્યા છે, જેના કારણે ગેરકાયદે ખનીજ હેરાફેરી સામે તંત્રના કડક વલણનો સંદેશ ગયો છે. હવે સીઝ કરાયેલા વાહનો અને જપ્ત કરાયેલા ખનીજ અંગે નિયમ મુજબની આગળની કાર્યવાહી હાથ ધરાશે. શહેરા તાલુકામાં હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ ખનીજ હેરાફેરી પર કેટલો અંકુશ આવે છે અને નંબર પ્લેટ વગરના વાહનો સામે પોલીસ તથા સંબંધિત વિભાગો શું પગલાં લે છે તેના પર સ્થાનિક લોકોની નજર રહેશે.
રિપોટર પ્રિતેશ દરજી પંચમહાલ