મારું શહેર અમદાવાદમાં સાયબર ઠગાઈના ત્રણ બનાવોથી ચકચાર, કુલ ₹31.77 લાખની છેતરપિંડી.
અમદાવાદ શહેરમાં સાયબર છેતરપિંડીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે, જેમાં ઓનલાઈન પોર્ટલ, APK ફાઈલ અને KYC અપડેટના નામે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. શહેરમાં સામે આવેલા ત્રણ અલગ-અલગ બનાવોમાં કુલ ₹31.77 લાખથી વધુની રકમની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. નારોલના તેલના વેપારી સાથે બોગસ કંપનીના નામે ડિસ્ટિલેટ ઓઇલ સપ્લાય કરવાના બહાને ₹20 લાખ, પાલડીના ઈન્ટિરિયર ડિઝાઈનર પાસેથી અદાણી ગેસ બિલ અપડેટ કરવાના નામે ₹7.73 લાખથી વધુ અને નિવૃત્ત બેંક કર્મચારી પાસેથી KYC વેરિફિકેશનના બહાને ₹4.03 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. ત્રણેય મામલે પીડિતોએ સાયબર હેલ્પલાઈન 1930 અને પોલીસનો સંપર્ક કરતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં નારોલ ખાતે ‘શ્રીજી પેટ્રોકેમ કંપની’ નામની તેલ વેપારની પેઢી ધરાવતા અને ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા ધર્મિક સુરેશભાઈ પટેલ સાથે ₹20 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, 28 મેના રોજ તેમને એક ગ્રાહક તરફથી ડિસ્ટિલેટ ઓઇલનો ઓર્ડર મળ્યો હતો. ત્યારબાદ તેમણે સપ્લાયરની શોધખોળ શરૂ કરી હતી અને ઓનલાઈન બિઝનેસ પોર્ટલ પર ‘આરા ફ્યુઅલ્સ’ નામની કંપનીની માહિતી મળી હતી. શ્રીનિવાસ નામના શખ્સે પોતે કંપનીના પ્રતિનિધિ હોવાનું જણાવી 30,230 લિટર જેટલું ડિસ્ટિલેટ ઓઇલ ઉપલબ્ધ હોવાનું કહ્યું હતું. તેની કિંમત ₹33.25 લાખ હોવાનું જણાવી આરોપીએ વેપારી પાસે એડવાન્સ રકમની માંગણી કરી હતી.
વેપારીને ઓનલાઈન મળેલી કંપની અને તેની ઓફર સાચી હોવાનું માનીને તેમણે RTGS મારફતે બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ ₹20 લાખ ચૂકવ્યા હતા. જોકે ત્યારબાદ GST નંબર, ઈ-વે બિલ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરતાં વેપારીને તેમાં શંકાસ્પદ બાબતો જણાઈ આવી હતી. ઓઇલની સપ્લાય અંગે પણ યોગ્ય પ્રતિક્રિયા ન મળતાં આખરે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર મામલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ઓનલાઈન પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી, બેંક ટ્રાન્ઝેક્શન અને આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા સંપર્ક સાધનો સહિતની વિગતોના આધારે તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં પાલડી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય ઈન્ટિરિયર ડિઝાઈનર રિકીનભાઈ મહેતા સાયબર ઠગાઈનો ભોગ બન્યા હતા. આરોપીઓએ વોટ્સએપ પર અદાણી ગેસનો લોગો રાખીને સંપર્ક કર્યો હતો અને ગેસ બિલ અપડેટ નહીં કરવામાં આવે તો રાત્રે કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી વાત કરી હતી. બિલ અપડેટ કરવાના બહાને આરોપીઓએ “Adani Gas Bill Update.apk” નામની ફાઈલ મોબાઈલમાં ડાઉનલોડ કરાવી હતી. આ ફાઈલ ઇન્સ્ટોલ કરાવ્યા બાદ ઠગોએ બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ અને CVV સહિતની માહિતી મેળવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ અલગ-અલગ ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹7.73 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ત્રીજા બનાવમાં કર્ણાવતીનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારી જગાભાઈ મકવાણા સાથે KYC વેરિફિકેશનના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સે ફોન કરીને પોતે બેંક ઓફ ઇન્ડિયાની હેડ ઓફિસમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. ખાતામાં શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ હોવાનું કહી KYC વેરિફિકેશન કરવાની જરૂર હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ વોટ્સએપ મારફતે એક ફાઈલ મોકલી તેને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ફાઈલ ખોલ્યા બાદ મકવાણા અને તેમની પત્નીના બેંક ખાતામાંથી કુલ ₹4.03 લાખ ઉપડી ગયા હતા. ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક બેંક ખાતા બ્લોક કરાવ્યા અને સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કર્યો હતો.
આ ત્રણેય બનાવો સાયબર ઠગાઈમાં અપનાવવામાં આવતી અલગ-અલગ રીતો તરફ ધ્યાન દોરે છે. ક્યાંક બોગસ બિઝનેસ કંપની બનાવીને વેપારીને માલ સપ્લાય કરવાની લાલચ આપવામાં આવી, તો ક્યાંક જાણીતી ગેસ કંપનીના નામ અને લોગોનો ઉપયોગ કરીને APK ફાઈલ ડાઉનલોડ કરાવવામાં આવી. અન્ય બનાવમાં બેંક અધિકારી હોવાની ખોટી ઓળખ આપી KYC વેરિફિકેશનના નામે ફાઈલ ઇન્સ્ટોલ કરાવવામાં આવી હતી. આ બનાવોમાં ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને પીડિતોના નાણાકીય વ્યવહાર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ ફરિયાદોના આધારે બેંક ખાતા, ટ્રાન્ઝેક્શન, મોબાઈલ નંબર અને ડિજિટલ પુરાવાઓની તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં સામે આવેલા આ બનાવો બાદ સાયબર સુરક્ષાને લઈને વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત પણ સામે આવી છે. અજાણ્યા નંબર પરથી આવતા ફોન, વોટ્સએપ મેસેજ, ઓનલાઈન બિઝનેસ ઓફર અથવા KYC અપડેટના નામે મોકલાતી કોઈપણ APK કે અજાણી ફાઈલ ડાઉનલોડ કરતા પહેલાં તેની ખરાઈ કરવી જરૂરી છે. બેંક, ગેસ કંપની કે અન્ય કોઈ સંસ્થા ક્યારેય શંકાસ્પદ એપ ઇન્સ્ટોલ કરાવીને ગુપ્ત બેંકિંગ માહિતી મેળવતી હોવાનો દાવો કરવામાં આવે તો તેની સત્તાવાર માધ્યમથી ચકાસણી કરવી જરૂરી છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સાયબર સેલ અને સંબંધિત પોલીસ દ્વારા ત્રણેય મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે ડિજિટલ તથા નાણાકીય કડીઓની તપાસ કરવામાં આવી રહી છે.