મારું ગુજરાત ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રીઓની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની બે દિવસીય ‘ચિંતન શિબિર’નો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરાંદજે, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની શ્રમ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શક અને શ્રમિકોના હિતમાં બનાવવાના મુદ્દે સામૂહિક ચર્ચા અને વિચારવિમર્શ કરવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ચિંતન શિબિરો ગુડ ગવર્નન્સ માટેનું ‘ટેક-ઓફ પ્લેટફોર્મ’ બની રહી છે. આવી શિબિરોમાં વિવિધ રાજ્યોના અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાનપ્રદાનથી નીતિ ઘડતર અને અમલીકરણને નવી દિશા મળે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ બે દિવસીય શિબિરમાં થનારા સામૂહિક મંથનથી દેશની શ્રમ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે ઉપયોગી માર્ગદર્શન મળશે. શ્રમિકોના અધિકારો, તેમની સુરક્ષા અને કલ્યાણને કેન્દ્રમાં રાખીને નીતિઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ શિબિર મહત્વપૂર્ણ સાબિત થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના શાસનમાં ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’નો મંત્ર આપીને અનેક સુધારાત્મક પહેલો કરી છે. તેના ભાગરૂપે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અગાઉના 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓનું એકત્રીકરણ કરીને ચાર નવી શ્રમ સંહિતાઓ તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ પહેલને શ્રમિકોની સામાજિક સુરક્ષા મજબૂત કરવાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બદલાતા સમય અને રોજગાર ક્ષેત્રની નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શ્રમ કાયદાઓમાં કરવામાં આવેલા સુધારા શ્રમિકો અને ઉદ્યોગો બંને માટે ઉપયોગી બની શકે છે. શ્રમ ક્ષેત્રમાં સરળતા, પારદર્શિતા અને શ્રમિક કલ્યાણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.
મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓની પણ વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં લેબર કોડ લાગુ થવાની પ્રક્રિયા સાથે ગુજરાતે પણ પોતાના સંબંધિત નિયમોને અંતિમ સ્વરૂપ આપીને અમલી બનાવ્યા છે. રાજ્ય સરકાર શ્રમિકોને સામાજિક સુરક્ષા, કલ્યાણકારી યોજનાઓ અને રોજગારલક્ષી સુવિધાઓનો લાભ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. શ્રમિકો રાજ્ય અને દેશના આર્થિક વિકાસના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, ત્યારે તેમના જીવનધોરણમાં સુધારો થાય અને તેમને સુરક્ષિત તથા સન્માનજનક કાર્યપરિસ્થિતિ મળે તે દિશામાં સરકારની કામગીરી મહત્વપૂર્ણ બની રહે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની વિકાસયાત્રામાં શ્રમશક્તિના યોગદાનને મહત્ત્વ આપીને ‘શ્રમેવ જયતે’નો મંત્ર આપ્યો છે. આ મંત્રને સાકાર કરવા માટે શ્રમિકોના પરિશ્રમ, કૌશલ્ય અને યોગદાનને યોગ્ય માન-સન્માન આપવું જરૂરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સિદ્ધ કરવામાં દેશની શ્રમશક્તિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગાંધીનગરમાં યોજાયેલી આ ચિંતન શિબિર શ્રમ ક્ષેત્રની નીતિઓ, સુધારાઓ અને શ્રમિક કલ્યાણ અંગે નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે શિબિરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.