જાહેરાત
તાજા સમાચાર
Gen Zમાં જ્યોતિષશાસ્ત્રનો વધતો ક્રેઝ, અમદાવાદમાં 40 ટકા યુવાનો ભવિષ્ય જાણવા પહોંચે છે! | જામનગર ભાજપની પત્રકાર પરિષદમાં બંધારણ દિવસની ઉજવણી, કોંગ્રેસ પર કર્યા પ્રહારો | 2027ના અંતમાં દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન! | સૈફ, અમિતાભ અને અભિષેક બચ્ચનના પરિવારને સુરક્ષા આપવા AICWAની માગ | સુપ્રીમ કોર્ટના જજના બદલે ઓવૈસીને અપાયું ગાર્ડ ઓફ ઓનર! | GTA 6ની પ્રથમ દિવસની કમાણીનો નવો વર્લ્ડ રેકોર્ડ! | ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રીઓની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ | મુકેશ અંબાણી ટોચના પાંચ દાનવીરોમાં સામેલ | કેન્સરના દર્દીઓને મોટી રાહત! 137 દવાઓના ભાવમાં 70 ટકા સુધી ઘટાડાની શક્યતા | દ્વારકાની સરકારી હોસ્પિટલ રેફર સેન્ટર બની! તબીબો અને મશીનરીના અભાવે દર્દીઓ પરેશાન, પ્રાંત અધિકારીને આવેદનપત્ર |
પાછા મુખ્ય સમાચાર પર
રાજકારણ ૫૦ વાર જોવાયેલ • 7 કલાક પેહલા

રાજકારણ જામનગર ભાજપની પત્રકાર પરિષદમાં બંધારણ દિવસની ઉજવણી, કોંગ્રેસ પર કર્યા પ્રહારો

જામનગર ભાજપની પત્રકાર પરિષદમાં બંધારણ દિવસની ઉજવણી, કોંગ્રેસ પર કર્યા પ્રહારો

 

જામનગર, 26 નવેમ્બર 2026: ભારતીય જનતા પાર્ટી દ્વારા 'સંવિધાન ગૌરવ દિવસ' નિમિત્તે જામનગરમાં જિલ્લા કક્ષાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવીએ પત્રકારોને સંબોધિત કરી ભારતીય બંધારણનું મહત્ત્વ, ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને લોકશાહી મૂલ્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે તેમણે પત્રકાર મિત્રોને નૂતન વર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી. પત્રકાર પરિષદમાં બંધારણ દિવસના ઐતિહાસિક મહત્ત્વની સાથે ભાજપ સરકાર દ્વારા બાબાસાહેબના વિચારોને આગળ વધારવા કરવામાં આવેલા પ્રયાસોની વિગતો રજૂ કરવામાં આવી હતી.

પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું. અગાઉ વર્ષ 1979થી આ દિવસને 'કાનૂન દિવસ' તરીકે ઉજવવામાં આવતો હતો. જોકે, વર્ષ 2015માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 26 નવેમ્બરને 'સંવિધાન ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. ભાજપના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, બાબાસાહેબે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાના મૂલ્યોના આધારે દેશના દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ થાય તેવું બંધારણ ઘડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના વિચારો કોઈ એક જ્ઞાતિ કે વર્ગ પૂરતા મર્યાદિત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.

બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્ર સરકાર દ્વારા તેમના જીવન સાથે જોડાયેલા પાંચ મહત્ત્વપૂર્ણ સ્થળો મહૂ, લંડન, નાગપુર, દિલ્હી અને મુંબઈને 'પંચતીર્થ' તરીકે વિકસાવવામાં આવ્યાં હોવાની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હીના 26, અલીપુર રોડ ખાતે રાષ્ટ્રીય સ્મારક, ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના તેમજ ડિજિટલ પેમેન્ટ એપનું નામ 'BHIM' રાખવા સહિતનાં પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ પર પ્રહાર કરતાં ઘનશ્યામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે બંધારણની નકલ હાથમાં લઈને ફરતી કોંગ્રેસના શાસન દરમિયાન 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. 21 મહિના સુધી ચાલેલી કટોકટી દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં અને મીડિયા પર સેન્સરશિપ લાગુ કરવામાં આવી હતી. તેમણે કોંગ્રેસ દ્વારા બાબાસાહેબના રાજકીય જીવનકાળ દરમિયાન કરવામાં આવેલા વર્તન અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

વધુમાં ઘનશ્યામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ના મંત્ર સાથે વંચિત અને શોષિત વર્ગોના ઉત્થાન માટે કાર્યરત છે. જનધન યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓ દ્વારા ગરીબ અને પછાત વર્ગોને લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણ નીતિ અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમો થકી યુવાનો માટે પ્રગતિની નવી તકો ઊભી કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અંતમાં ભાજપે બંધારણના મૂળભૂત માળખા, લોકશાહી સંસ્થાઓ અને નાગરિકોના અધિકારોના રક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પત્રકાર પરિષદમાં ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ગુજરાત પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી, જિલ્લા અધ્યક્ષ ડૉ. વિનોદભાઈ ભંડેરી, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ કાનાણી, કુમારપાળસિંહ રાણા, વિજય પરમાર, ચંદ્રગુપ્ત રાઠોડ તેમજ ભાજપ મીડિયા વિભાગના સહ કન્વીનર નિકુલદાન ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલ કન્વીનર ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ