સબરસ સૈફ, અમિતાભ અને અભિષેક બચ્ચનના પરિવારને સુરક્ષા આપવા AICWAની માગ
બોલિવૂડના દિગ્ગજ કલાકારોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાના અહેવાલો સામે આવ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કલાકારો અને તેમના પરિવારજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) મેદાનમાં આવ્યું છે. એસોસિએશને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર પોલીસને પત્ર લખીને ફિલ્મી હસ્તીઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની માગ કરી છે. ખાસ કરીને સૈફ અલી ખાન, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના પરિવારને કડક સુરક્ષા પૂરી પાડવા માટે રજૂઆત કરવામાં આવી છે.
AICWA દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે બોલિવૂડના જાણીતા કલાકારોને મળતી ધમકીઓને સામાન્ય બાબત ગણી શકાય નહીં. આવી ઘટનાઓ કલાકારોની વ્યક્તિગત સુરક્ષા ઉપરાંત સમગ્ર ફિલ્મ ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે. કલાકારોના ઘરો, પરિવારજનો અને જાહેર કાર્યક્રમોમાં તેમની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. એસોસિએશને સરકાર અને પોલીસ તંત્રને આ મામલે ગંભીરતાથી ધ્યાન આપવા અપીલ કરી છે.
એસોસિએશને પોતાના પત્રમાં ગેંગસ્ટરો અને તેમની સાથે જોડાયેલા નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. ફિલ્મી હસ્તીઓને ધમકીઓ આપીને ડરાવવાનો પ્રયાસ કરનાર તત્ત્વો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે અને આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. AICWAનું માનવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવી ઘટનાઓનું પ્રમાણ વધી શકે છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોમાં અસુરક્ષાની લાગણી ઊભી થઈ શકે છે.
આ મામલે એસોસિએશને ફિલ્મોના શૂટિંગ અને સમગ્ર મનોરંજન ઉદ્યોગ પર થનારી અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. બોલિવૂડમાં એક ફિલ્મના નિર્માણ સાથે અભિનેતાઓ, ટેક્નિશિયનો, કેમેરામેન, લાઇટમેન, સ્પોટબોય, મેકઅપ આર્ટિસ્ટ સહિત હજારો લોકો સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોય છે. જો કલાકારોની સુરક્ષાને લઈને ભયનું વાતાવરણ સર્જાય અને શૂટિંગ અટકાવવાની સ્થિતિ ઊભી થાય તો તેની અસર માત્ર નિર્માતાઓ કે કલાકારો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સામાન્ય કામદારોની રોજગારી પર પણ પડી શકે છે.
AICWAએ મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ વિભાગને અપીલ કરી છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે. ખાસ કરીને ધમકીઓ આપતા ગેંગસ્ટરો અને તેમના નેટવર્કની તપાસ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે આ રજૂઆત બાદ મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નજર રહેશે. કલાકારોની સુરક્ષાની સાથે હજારો કામદારોની રોજગારી સાથે જોડાયેલો આ મુદ્દો પણ મહત્ત્વનો બની રહ્યો છે.