મારું શહેર ધોરણ-12ના પરિણામથી નિરાશ થઈ ઘર છોડનાર વિદ્યાર્થી 12 કલાકમાં હેમખેમ મળ્યો, જામનગર પોલીસની સતર્કતાથી પરિવારને મળ્યો પુત્ર.
જામનગર: ધોરણ-12ના પરિણામમાં અપેક્ષા મુજબ ગુણ ન મળતાં નિરાશ થઈ ઘર છોડી નીકળી ગયેલા જામનગરના એક વિદ્યાર્થીને જામનગર પોલીસની સમયસરની કામગીરી અને સતત શોધખોળના કારણે હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને બેડી મરીન પોલીસની સંયુક્ત કામગીરીના પરિણામે વિદ્યાર્થીને રોજી બંદર નજીકથી સુરક્ષિત મળી આવતાં પરિવારજનોને મોટી રાહત થઈ હતી. પોલીસ મથકે પુત્રને હેમખેમ જોઈ માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના પટેલ કોલોની, શેરી નંબર-5 વિસ્તારમાં રહેતો ધોરણ-12નો વિદ્યાર્થી ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં બેઠો હતો. પરિણામ જાહેર થતાં તેને અપેક્ષા કરતાં ઓછા ગુણ મળ્યા હતા. ત્યારબાદ તેણે પૂરક પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં પણ સંતોષકારક પરિણામ ન મળતાં તે ભારે માનસિક તણાવ અને નિરાશામાં સરી પડ્યો હતો. પરીક્ષાના પરિણામને લઈને તે છેલ્લા કેટલાક દિવસોથી ચિંતિત રહેતો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
શુક્રવારે સાંજના સમયે વિદ્યાર્થી પોતાના પરિવારને બેડી-રોજી બંદર તરફ જઈ રહ્યો હોવાનું કહી સાઇકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો. જોકે રાત સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. સગા-સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસે તપાસ કરવા છતાં કોઈ માહિતી ન મળતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. આખરે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
ફરિયાદ મળતા જ જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી. સિંગલ તથા પરેશભાઈ ખાણધર સહિતની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી દરમિયાન વિદ્યાર્થી બેડી બંદર તરફ જતો હોવાનું જાણવા મળ્યું હતું. આ મહત્વની માહિતી મળતાં જ બેડી મરીન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને સંયુક્ત રીતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પીપરોતરના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ફિરોઝભાઈ દલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ વરૂ, કોન્સ્ટેબલ કેતનભાઈ ગાગલીયા, મુસ્તુફા સોતા સહિતના પોલીસકર્મીઓએ આખી રાત રોજી બંદર વિસ્તાર, દરિયાકિનારો, મીઠાના અગરો તેમજ આસપાસના વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સ્થાનિક લોકો, માછીમારો અને અન્ય વ્યક્તિઓને પણ વિદ્યાર્થી અંગે માહિતી આપી સહયોગ માંગવામાં આવ્યો હતો. પોલીસની સતત મહેનત અને સતર્કતાના કારણે શનિવારે સવારે આશરે સાડા સાત વાગ્યે વિદ્યાર્થી રોજી બંદર નજીકથી હેમખેમ મળી આવ્યો હતો.
વિદ્યાર્થીને મળ્યા બાદ પોલીસે સૌપ્રથમ તેની માનસિક સ્થિતિ અંગે વાતચીત કરી તેને સાંત્વના આપી હતી. ત્યારબાદ તેને બેડી મરીન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને તેના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. પોલીસ મથકે પહોંચેલા પિતા વિકાસસિંહ ભરતસિંહ જાડેજા અને માતાએ પોતાના પુત્રને સુરક્ષિત જોઈ હાશકારો અનુભવ્યો હતો. લાગણીસભર વાતાવરણ વચ્ચે પરિવારજનોએ જામનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પોલીસે વિદ્યાર્થીને સમજાવ્યું હતું કે જીવનમાં પરીક્ષાના પરિણામ કરતાં જીવનનું મહત્વ વધુ છે અને નિષ્ફળતા કે ઓછા ગુણ અંત નથી, પરંતુ નવી શરૂઆત માટેની તક છે. સાથે જ પરિવારજનોને પણ સંતાનો પર અતિશય દબાણ ન લાવવા, તેમની સાથે સતત સંવાદ જાળવવા અને મુશ્કેલ સમયમાં તેમને માનસિક હૂંફ તથા સહકાર આપવાની સલાહ આપવામાં આવી હતી. જામનગર પોલીસની સમયસરની કામગીરી, ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ અને માનવતાભર્યા અભિગમના કારણે એક પરિવારને મોટી દુર્ઘટનામાંથી બચાવી શકાયો હતો, જેને લઈને સમગ્ર ઘટનાની શહેરમાં પ્રશંસા થઈ રહી છે.