ક્રાઇમ દ્વારકાના ધ્રાસણવેલ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ એલસીબીનો દરોડો: દારૂ, કાચો આથો અને સાધનો સહિત રૂ.૨૧ હજારનો મુદ્દામાલ કબજે, સંચાલક ફરાર
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી છે.
પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામની સીમ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. જેના આધારે પોલીસ ટીમે મગદેરની સામે જતા રોડ પર આવેલા સરકારી તળાવની પાળ પાસે વોચ ગોઠવી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો, દારૂ બનાવવા માટેનો કાચો આથો તેમજ દારૂ ઉકાળવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કુલ રૂ.૨૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસની કાર્યવાહી દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હરભમભા ગમલાભા માણેક નામનો શખ્સ સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો અને પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.
આ અંગે એલસીબી પોલીસે હરભમભા ગમલાભા માણેક વિરુદ્ધ ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી અને ઉત્પાદન સામે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.