ઈન્ડિયા પદ્મ વિભૂષણ પંડવાણી ગાયિકા તીજન બાઈનું નિધન: લોકકલાની એક યુગપ્રવર્તક અવાજને દેશે ગુમાવ્યો.
છત્તીસગઢની લોકકલા અને પંડવાણી ગાયન પરંપરાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ અપાવનાર પદ્મ વિભૂષણ સન્માનિત પંડવાણી ગાયિકા તીજન બાઈનું લાંબી બીમારી બાદ 70 વર્ષની વયે રાયપુર સ્થિત AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના અવસાનથી લોકસંગીત અને ભારતીય સાંસ્કૃતિક જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
તીજન બાઈ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા અને તેમની સારવાર રાયપુર AIIMSમાં ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન સાથે ભારતીય લોકસંસ્કૃતિએ એક અદ્વિતીય કલાકાર ગુમાવ્યો છે.
પંડવાણી ગાયનની પરંપરાને પોતાના શક્તિશાળી સ્વર, અભિવ્યક્તિ અને અનોખી રજૂઆતથી વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં તીજન બાઈનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે મહાભારતની કથાઓને લોકભાષા અને લોકશૈલીમાં રજૂ કરીને લાખો શ્રોતાઓના દિલ જીતી લીધા હતા.
તેમના કલા ક્ષેત્રેના અસાધારણ યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને બાદમાં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમના અવસાન પર દેશભરના કલાકારો, સાંસ્કૃતિક સંસ્થાઓ અને તેમના ચાહકોએ ઊંડી શોકભાવના વ્યક્ત કરી છે.