ક્રાઇમ જામનગરના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર બે આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા
જામનગર: જામનગર જિલ્લાના પંચકોષી એ.ડીવી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા બે આરોપીઓને રાજકોટ રેન્જની વિશેષ ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે જામનગર પંચકોષી એ.ડીવી. પોલીસને સોંપવામાં આવ્યા છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ વિસ્તારમાં તથા અન્ય જિલ્લાઓમાં ગુના આચરીને ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રેન્જની વિશેષ ટીમ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ માટે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસનો ઉપયોગ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા સહિતની ટીમ દ્વારા પંચકોષી એ.ડીવી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓ અંગે સતત માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી.
દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર બે આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના ગંધવાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયેલા છે. મળેલી માહિતીના આધારે રાજકોટ રેન્જની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એ. ચૌહાણ, સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ તથા ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાની વિસ્તારમાં પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાંથી બંને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
પકડાયેલા આરોપીઓમાં અજય સુરપાલ અજનાર (રહે. ગામ સાતઉમરી, તા. ગંધવાની, જી. ધાર, મધ્યપ્રદેશ) તથા વિજય બચકાભાઈ વાસ્કેલ (રહે. ગામ મોહનપુર, તા. ગંધવાની, જી. ધાર, મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં બંને આરોપીઓ જામનગર જિલ્લાના પંચકોષી એ.ડીવી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી માટે જામનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.
હાલ પંચકોષી એ.ડીવી. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. ચોરીના ગુનામાં તેમની ભૂમિકા, અન્ય કોઈ સાગરીતોની સંડોવણી તેમજ અગાઉના ગુનાહિત રેકોર્ડ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જ પોલીસની આ કામગીરીથી ફરાર આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.