આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને વેબ સિરીઝની પાયરસી મુદ્દે ટેલિગ્રામને કેન્દ્ર સરકારનું અલ્ટીમેટમ: 15 દિવસમાં માંગ્યો એક્શન ટેકન રિપોર્ટ.
ફિલ્મો અને વેબ સિરીઝની વધતી જતી ઓનલાઈન પાયરસીને લઈને કેન્દ્ર સરકારે મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ સામે કડક વલણ અપનાવ્યું છે. નીટ પેપર લીક અને યુઝરનેમ ફીચર જેવા અગાઉના વિવાદો બાદ હવે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિગ્રામને સત્તાવાર નોટિસ પાઠવી 15 દિવસની અંદર પાયરસી રોકવા માટે લેવામાં આવેલા પગલાં અંગે એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારનો સ્પષ્ટ મત છે કે માત્ર ફરિયાદ મળ્યા પછી એક-એક ચેનલ અથવા કન્ટેન્ટ દૂર કરવું પૂરતું નથી, પરંતુ પ્લેટફોર્મ સ્તરે પાયરસીને રોકવા માટે અસરકારક અને કાયમી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિગ્રામને નિર્દેશ આપ્યો છે કે ફિલ્મો, વેબ સિરીઝ અને અન્ય કોપીરાઇટેડ કન્ટેન્ટના ગેરકાયદે વિતરણ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. સરકારે માંગેલા રિપોર્ટમાં ટેલિગ્રામે અત્યાર સુધી પાયરસી અટકાવવા માટે શું પગલાં લીધાં છે અને ભવિષ્યમાં શું આયોજન છે તેની વિગતવાર માહિતી આપવા જણાવાયું છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે માત્ર વ્યક્તિગત ફરિયાદોના આધારે કન્ટેન્ટ હટાવવાને બદલે સમગ્ર પ્લેટફોર્મ પર પાયરસી અટકાવવા માટે મજબૂત મિકેનિઝમ વિકસાવવો જરૂરી છે.
નોટિસમાં ટેલિગ્રામને ખાસ કરીને એવા ચેનલ, ગ્રુપ, બોટ, એકાઉન્ટ અને એડમિન સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે, જે વારંવાર પાયરેટેડ ફિલ્મો અને વેબ સિરીઝ શેર કરતા હોય. સરકારે ફિલ્મ નિર્માતાઓ, OTT પ્લેટફોર્મ્સ, બ્રોડકાસ્ટર્સ અને કાયદા અમલવારી એજન્સીઓ માટે ફરિયાદ નોંધાવવાની અને તેનું ઝડપી નિરાકરણ લાવવાની વ્યવસ્થા અંગે પણ માહિતી માગી છે. સરકારનું કહેવું છે કે પ્લેટફોર્મ પર કોપીરાઇટ ભંગ રોકવાની જવાબદારી માત્ર ફરિયાદ કરનારાઓની નહીં, પરંતુ પ્લેટફોર્મની પણ છે.
કેન્દ્ર સરકારે નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે કોપીરાઇટનું ઉલ્લંઘન માત્ર નાગરિક વિવાદ નથી, પરંતુ તે ગંભીર ફોજદારી ગુનો પણ બની શકે છે. કોપીરાઇટ અધિનિયમ, 1957 અને સિનેમેટોગ્રાફ અધિનિયમ, 1952 હેઠળ આવા ગુનાઓ માટે જેલની સજા અને દંડની જોગવાઈ છે. સરકારે ટેલિગ્રામને યાદ અપાવ્યું છે કે જો પ્લેટફોર્મ પર ગેરકાયદે કન્ટેન્ટના પ્રસારને રોકવા માટે પૂરતી તકેદારી લેવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
સરકારે આ નોટિસ એવા સમયે ફટકારી છે જ્યારે અગાઉ ટેલિગ્રામ પર 3,000થી વધુ પાયરેટેડ ચેનલો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં અનેક ચેનલો પર હજુ પણ ફિલ્મો અને વેબ સિરીઝ ગેરકાયદે રીતે શેર થતી હોવાના અહેવાલો સામે આવતા સરકારે વધુ કડક વલણ અપનાવ્યું છે. નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો 15 દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે અથવા પાયરેટેડ કન્ટેન્ટ યથાવત રહેશે તો સરકાર વધુ કડક પગલાં લઈ શકે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ભારતની ઝડપથી વિકસતી ક્રિએટર ઇકોનોમી, ફિલ્મ ઉદ્યોગ, OTT પ્લેટફોર્મ્સ, બ્રોડકાસ્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સના હિતોનું રક્ષણ કરવાનો છે. ગેરકાયદે પાયરસીના કારણે મનોરંજન ઉદ્યોગને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાની ફરિયાદો લાંબા સમયથી થઈ રહી છે. આર્થિક નુકસાન ઉપરાંત સર્જકોના બૌદ્ધિક સંપદા અધિકારોનું પણ ઉલ્લંઘન થતું હોવાથી સરકાર હવે વધુ સક્રિય બની છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર હવે એક-એક પાયરેટેડ લિંક અથવા ચેનલ દૂર કરાવવાના બદલે પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરવાની દિશામાં આગળ વધી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયનું માનવું છે કે આઈટી એક્ટ, 2000 અને આઈટી નિયમો, 2021 હેઠળ ડિજિટલ પ્લેટફોર્મોએ જરૂરી સાવચેતી રાખવી ફરજિયાત છે. તેથી ટેલિગ્રામ માત્ર સરકારની સૂચનાની રાહ જોવાની જગ્યાએ સ્વયંસ્ફૂર્ત રીતે પાયરસી શોધી તેને રોકવા માટે અસરકારક પગલાં ભરે, તેવી સરકારની અપેક્ષા છે. આ મુદ્દે હવે ટેલિગ્રામ 15 દિવસમાં શું જવાબ આપે છે અને સરકાર આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સમગ્ર મનોરંજન ઉદ્યોગની નજર મંડાયેલી છે.