જાહેરાત
તાજા સમાચાર
પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 29 જૂન સુધી ડાઉનલોડ કરવાની તક | વરસાદ ખેંચાતા ખેડૂતોને મોટી રાહત: હવે 8 નહીં, 10 કલાક મળશે ખેતી માટે વીજ પુરવઠો | જામનગરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ : લાલ બંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન, સરકાર સામે સૂત્રોચ્ચાર. | ઈન્ડિગો વિમાન પર વીજળી પડતા અફરાતફરી: 141 મુસાફરોનો આબાદ બચાવ, સુરક્ષા તપાસ બાદ અન્ય ફ્લાઇટની વ્યવસ્થા | લોકરક્ષક દળ ભરતી પરીક્ષાની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર : ઉમેદવારોને વાંધા-સૂચનો આપવા તક. | 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં CID ક્રાઇમનો મોટો ઘા: ભાજપના સ્થાનિક નેતા સહિત વધુ 3 આરોપીઓ ઝડપાયા, કુલ ધરપકડનો આંકડો 40 પર પહોંચ્યો | રામ મંદિરના ચઢાવામાં 80% સુધીનો ઘટાડો? દાનની ગેરરીતિના આરોપો બાદ ભક્તોમાં અવિશ્વાસ, તપાસ પર સૌની નજર | નંદાણા નજીક હાઇવે પર ટ્રક ઉંધો વળતા ચાલકનું કરુણ મોત: હેન્ડલ પરનો કાબૂ ગુમાવતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત. | પાકિસ્તાનમાં ડબલ બ્લાસ્ટથી હાહાકાર: બન્નુ જિલ્લામાં આતંકીઓના બેક-ટુ-બેક વિસ્ફોટ, 7નાં મોત, અનેક ઘાયલ | વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર હવે સ્પીડનો ખેલ પડશે ભારે: પહેલા જ દિવસે 178 વાહનચાલકોને ઈ-ચલણ, 150 કેમેરાથી 24 કલાક નજર |
પાછા મુખ્ય સમાચાર પર
રાજકારણ ૧૪ વાર જોવાયેલ એક કલાક પેહલા

રાજકારણ બેટ દ્વારકાની ગૌચર જમીન પરના દબાણને અપાયેલા વીજ જોડાણનો વિવાદ ગરમાયોઃ જાગૃત નાગરિકે PGVCLને કાનૂની નોટિસ ફટકારી.

બેટ દ્વારકાની ગૌચર જમીન પરના દબાણને અપાયેલા વીજ જોડાણનો વિવાદ ગરમાયોઃ જાગૃત નાગરિકે PGVCLને કાનૂની નોટિસ ફટકારી.

ગૌચર અને સરકારી જમીન પરના દબાણકારોને અપાયેલા વીજ જોડાણો રદ કરવાની માંગ, 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો કાનૂની લડતની ચીમકી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં ગૌચર અને સરકારી જમીન પર થયેલા કથિત દબાણોને અપાયેલા વીજ જોડાણોના મુદ્દે વિવાદ વધુ ઘેરો બન્યો છે. દ્વારકાના રહેવાસી અને જાગૃત નાગરિક તરીકે ઓળખાતા ભગવતપ્રસાદ જેન્તીલાલ પાઢ દ્વારા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર, દ્વારકા અને નાયબ ઇજનેર, ઓખાને કાનૂની નોટિસ પાઠવી ગૌચર જમીન પરના દબાણને અપાયેલ વીજ જોડાણ તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે.

એડવોકેટ પી.એમ. ઠાકર મારફતે પાઠવવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર દ્વારા બેટ દ્વારકાને મુખ્ય ભૂમિ સાથે જોડતો સિગ્નેચર બ્રિજ બન્યા બાદ અને સરકારની વિવિધ વિકાસ યોજનાઓના કારણે બેટ દ્વારકાનું મહત્વ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારી અને ગૌચર જમીનો પરના દબાણો વિકાસ માટે અવરોધરૂપ બની રહ્યા હોવાનું રજૂ કરવામાં આવ્યું છે.

નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે થોડા સમય પહેલાં જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર, પોલીસ તંત્ર તથા પીજીવીસીએલની ટીમની હાજરીમાં બેટ દ્વારકામાં સરકારી જમીન પરના કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આવા દબાણોને અપાયેલા વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ પણ કેટલાક પ્રભાવશાળી લોકો દ્વારા ગૌચર અને સરકારી જમીન પર કબજો જાળવી રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખાસ કરીને બેટ દ્વારકાના રેવન્યુ સર્વે નંબર 59ની ગૌચર જમીન પર થયેલા કથિત દબાણનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે દબાણકારને પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણ આપવામાં આવ્યું છે. અરજદારના જણાવ્યા મુજબ ગૌચર જમીન પરના દબાણને વીજ પુરવઠો આપવો એ ગેરકાયદેસર કબજાઓને પ્રોત્સાહન આપવા સમાન છે.

નોટિસમાં રાજ્ય સરકારના 19 જુલાઈ 2022ના પરિપત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કલેક્ટરોને સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણકારોના વીજ, પાણી અને અન્ય જાહેર સેવાઓના જોડાણો રદ કરવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

ભગવતપ્રસાદ પાઢે આ મુદ્દે અગાઉ પણ પીજીવીસીએલ ઓખા કચેરીમાં લેખિત અરજી કરી હતી. ત્યારબાદ માહિતી અધિકાર હેઠળ માહિતી પણ માંગવામાં આવી હતી. અરજદારના જણાવ્યા અનુસાર પીજીવીસીએલે સંબંધિત જોડાણધારક પાસેથી દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ ત્યારબાદ જોડાણ રદ કરવા અંગે કોઈ અંતિમ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ મુદ્દે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીએ પીજીવીસીએલને નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરીને અરજદારને જવાબ આપવા સૂચના આપી હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ છે. તેમ છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતાં અંતે કાનૂની નોટિસ પાઠવવાની ફરજ પડી હોવાનું જણાવાયું છે.

નોટિસમાં પીજીવીસીએલને 15 દિવસની અંદર કાયદેસર કાર્યવાહી કરીને ગૌચર જમીન પરના કથિત દબાણને અપાયેલ વીજ જોડાણ રદ કરવાની માંગ કરવામાં આવી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

આ સમગ્ર મામલો હવે બેટ દ્વારકામાં ગૌચર અને સરકારી જમીનના સંરક્ષણ, દબાણો સામેની કાર્યવાહી અને જાહેર સેવાઓના ગેરકાયદેસર ઉપયોગ જેવા મુદ્દાઓને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી રહ્યો છે. આગામી દિવસોમાં પીજીવીસીએલ અને જિલ્લા તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ