ક્રાઇમ લાલપુરના સણોસરી સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મેગા દરોડો: ₹77 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો.
જામનગર: રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી દરમિયાન અંદાજે ₹77 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે. આ કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અનેક શખ્સો ફરાર થઈ જતા તેમને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલને સણોસરી ગામની સીમમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડતાં મોટી માત્રામાં વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે નગા ડાંગર, હેંમત નગા અને સુરજ પ્રકાશ જાટ નામના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ગોવિંદ ડાંગર, જીતેન્દ્રસિંહ સહિતના અન્ય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી તેની કુલ કિંમત અંદાજે ₹77 લાખ હોવાનું પ્રાથમિક રીતે જણાવ્યું છે. ઉપરાંત અન્ય મુદ્દામાલ અંગે પણ તપાસ ચાલી રહી છે.
આ સમગ્ર મામલે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના માટે સંગ્રહ કરવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ મોટું બુટલેગિંગ નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી લેવા વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.