મારું ગુજરાત દરિયાકાંઠાના સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને જંગલી ભૂંડ: નવા સંશોધને તોડી વર્ષોથી ચાલતી માન્યતા, ખેડૂતો માટે બન્યા કુદરતી રક્ષક.
ગુજરાતના ગીર જંગલની બહાર દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોને લઈને વર્ષોથી ચાલી આવતી એક લોકપ્રિય માન્યતાને નવા વૈજ્ઞાનિક અભ્યાસે ખોટી સાબિત કરી છે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે ગીરની બહાર રહેતા સિંહો મુખ્યત્વે ગામડાઓમાં રહેલા પાલતુ પશુઓનો શિકાર કરીને જીવન નિર્વાહ કરે છે. પરંતુ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ 'Conservation' માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા સિંહોનો મુખ્ય ખોરાક નીલગાય અને જંગલી ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ છે. સંશોધનમાં જણાવાયું છે કે સિંહોના કુલ શિકારમાંથી લગભગ 70 ટકા હિસ્સો વન્યજીવોનો છે, જ્યારે પાલતુ પશુઓનો હિસ્સો પ્રમાણમાં ઘણો ઓછો છે.
આ સંશોધન માત્ર સિંહોના વર્તનને સમજવા માટે જ નહીં પરંતુ ગુજરાતના સફળ વન્યજીવ સંરક્ષણ મોડલને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ માનવામાં આવી રહ્યું છે. વર્ષ 2025ની 16મી સિંહ વસ્તી ગણતરી મુજબ હાલમાં ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો વસે છે. ગીર ઉપરાંત હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અંદાજે 100થી વધુ સિંહોનો સ્થાયી વસવાટ જોવા મળે છે, જે રાજ્યના લાંબા ગાળાના સંરક્ષણ પ્રયાસોની સફળતા દર્શાવે છે.

જૂનાગઢ વનવર્તુળના વન સંરક્ષક તથા અભ્યાસના સહ-લેખક મોહન રામના જણાવ્યા અનુસાર, માર્ચ અને એપ્રિલ 2024 દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાંથી સિંહોના મળના 160 નમૂનાઓ (Scat Samples) એકત્રિત કરીને તેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું કે સિંહોના ખોરાકમાં લગભગ 64 ટકા હિસ્સો વન્યજીવોનો હતો, જ્યારે માત્ર 31 ટકા હિસ્સો પાલતુ પશુઓનો હતો. બાયોમાસના આધારે જોવામાં આવે તો કુલ શિકારમાંથી આશરે 70 ટકા હિસ્સો કુદરતી વન્ય પ્રાણીઓનો રહ્યો હતો.
અભ્યાસમાં સૌથી મહત્વપૂર્ણ તારણ એ સામે આવ્યું કે નીલગાય સિંહોના ખોરાકનો સૌથી મોટો સ્ત્રોત છે. કુલ ખોરાકમાં તેનો હિસ્સો લગભગ 51 ટકા જેટલો નોંધાયો છે. ત્યારબાદ બીજા ક્રમે જંગલી ભૂંડ આવે છે. પાલતુ પશુઓમાં મુખ્યત્વે ગાય અને ભેંસનો સમાવેશ થાય છે, પરંતુ સંશોધકોના જણાવ્યા મુજબ તેમાં પણ મોટા ભાગના પશુઓ રખડતા, ત્યજી દેવાયેલા અથવા જંગલી બની ગયેલા (Feral) હોય છે. એટલે કે સિંહો નિયમિત રીતે ગામના પાલતુ પશુઓનો શિકાર કરે છે એવી માન્યતા સંપૂર્ણપણે સાચી નથી.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ અભ્યાસ સ્પષ્ટ કરે છે કે ગીર બહાર વસતા સિંહો નીલગાય અને જંગલી ભૂંડ જેવા ખેતીને નુકસાન પહોંચાડતા પ્રાણીઓનો શિકાર કરીને ખેડૂતોને પરોક્ષ રીતે લાભ પહોંચાડે છે. આ પ્રાણીઓની વધતી વસ્તી પર કુદરતી નિયંત્રણ જળવાઈ રહેતાં ખેતીના પાકને થતા નુકસાનમાં ઘટાડો થાય છે. તેથી દરિયાકાંઠાના સિંહો માત્ર વન્યજીવ જ નહીં પરંતુ ખેડૂતોના કુદરતી મિત્ર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે માનવ વસાહતોની નજીક રહેતા હોવા છતાં સિંહો મુખ્યત્વે કુદરતી શિકાર પર જ નિર્ભર રહે છે, જે ગુજરાતના વન્યજીવ સંરક્ષણ મોડલની સફળતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા 'પ્રોજેક્ટ લાયન' અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સિંહોના સંરક્ષણ માટે સતત અસરકારક પગલાં લીધા છે, જેના પરિણામે આજે સિંહોની સંખ્યા અને તેમનો વસવાટ વિસ્તાર બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે.
સંશોધકોનું કહેવું છે કે આ અભ્યાસના પરિણામો તેમની મૂળ ધારણા કરતાં સંપૂર્ણપણે અલગ છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે માનવ વસાહતો ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારોમાં વન્ય શિકારની અછત હોવાથી સિંહો પાલતુ પશુઓ પર વધુ નિર્ભર હશે. પરંતુ અભ્યાસે સાબિત કર્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં નીલગાય અને જંગલી ભૂંડની સારી વસ્તી હોવાથી સિંહો કુદરતી શિકાર પર જ નિર્ભર રહે છે. પરિણામે માનવ-સિંહ સંઘર્ષની શક્યતાઓ પણ ઘટે છે. સંશોધનમાં વધુમાં જણાવાયું છે કે દક્ષિણ-પશ્ચિમ દરિયાઈ પટ્ટી, દક્ષિણ-પૂર્વ દરિયાઈ પટ્ટી અને ભાવનગરનો દરિયાઈ વિસ્તાર હવે એશિયાટિક સિંહોની મહત્વપૂર્ણ સેટેલાઇટ વસાહતો તરીકે વિકસ્યા છે. આ સમગ્ર અભ્યાસ ગુજરાતના વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણ સંતુલન અને કૃષિ હિત વચ્ચેના સફળ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યો છે.