જાહેરાત
તાજા સમાચાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ભવ્ય ટેલેન્ટ શો યોજાયો. | શેરબજારમાં ઘટાડા સાથે કારોબારનો અંતઃ સેન્સેક્સ ૧૨૫ અંક ઘટ્યો. | સુરત ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી. | જામનગરમાં બજરંગ ફ્રૂટની દુકાનમાં થયેલી ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. | જામનગરમાં જપ્ત કરાયેલા દારૂનો કરાયો નાશ. | શેરબજારમાં તેજીની શરૂઆતઃ સેન્સેક્સ ૩૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | દિવાળી પહેલાં વાહનચાલકોને મોંઘવારીનો મોટો ઝટકો. | આણંદના આંકલાવ પોલીસ સ્ટેશનના PI રૂ. ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયા. | જામનગરના મોટીખાવડીમાં ગાંજાના મોટા જથ્થાનો પર્દાફાશ. | શુક્રવાર, 23 ઓક્ટોબર 2026: આસો સુદ બારસનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૪ વાર જોવાયેલ • એક કલાક પેહલા

મારું ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ભવ્ય ટેલેન્ટ શો યોજાયો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ભવ્ય ટેલેન્ટ શો યોજાયો.

આસો માસની શરદ ઋતુ અને આરાધનાના પવિત્ર દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા સોસાયટીના બાળકો માટે ભવ્ય ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા, તેમનો આત્મવિશ્વાસ વધારવા અને તેમની કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સોસાયટીના પરિવારો, વડીલો, વાલીઓ અને સ્નેહીજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોની વિવિધ રજૂઆતો અને ઉપસ્થિત લોકોના ઉત્સાહથી આનંદમય વાતાવરણ સર્જાયું હતું. આ આયોજન માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત ન રહેતાં બાળકોના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક મૂલ્યો અને પારિવારિક એકતાને પ્રોત્સાહન આપતું સુંદર માધ્યમ બન્યું હતું.

 

કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન પ્રો. મનોજભાઈ પુરોહિત, પ્રમુખશ્રી, ભારત વિકાસ પરિષદની નટરાજનગર શાખાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ રમેશભાઈ સાકરીયા, રાધિકા સિલ્વર, સોસાયટીના પ્રમુખ ડૉ. જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ સજી મેથ્યુ સહિત મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ સોસાયટીના પ્રમુખ ડૉ. જયદીપસિંહ ડોડિયાએ સ્વાગત પ્રવચન કરીને મહેમાનોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહેમાનો અને નિર્ણાયક તરીકે ઉપસ્થિત બહેનોનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભથી જ ઉપસ્થિત સૌમાં બાળકોની પ્રતિભા નિહાળવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

આ ટેલેન્ટ શોમાં સોસાયટીના નાના-મોટા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની વિવિધ કલાઓ રજૂ કરી હતી. બાળકોએ નૃત્ય દ્વારા માતાજીની ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને ઉત્સવનો ઉમંગ વ્યક્ત કર્યો હતો. કેટલાક બાળકોએ પોતાની વાક્છટા અને વક્તૃત્વ કળાથી ઉપસ્થિત શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા, જ્યારે નાના ભૂલકાઓએ પોતાની કાલી-ઘેલી ભાષામાં કાવ્યપઠન કરીને સૌનાં દિલ જીતી લીધાં હતાં. દરેક બાળકે મંચ પર આવીને પોતાની આવડત રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ વાત એ રહી કે અનેક બાળકોએ સ્ટેજ પર આવતાં અનુભવાતો સંકોચ દૂર કરીને આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રતિભા રજૂ કરી હતી. વાલીઓ અને વડીલોએ તાળીઓના ગડગડાટથી દરેક રજૂઆતને વધાવી લઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

 

કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની પ્રતિભાને ન્યાય આપવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજવી શાહ, સ્મિતા પારેખ અને ડૉ. મીના જેઠવા નિર્ણાયક તરીકે જોડાયાં હતાં. નિર્ણાયકોએ બાળકોની રજૂઆતોનું મૂલ્યાંકન કરીને તેમની કળા અને પ્રસ્તુતિને ધ્યાનમાં રાખી વિજેતાઓની પસંદગી કરી હતી. વિવિધ ટેલેન્ટમાંથી ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભરતનાટ્યમ નૃત્યની સુંદર રજૂઆત કરનાર મલર સુજિત નાયર પ્રથમ વિજેતા બન્યાં હતાં. ગરબા-રાસ થીમ પર નૃત્ય રજૂ કરનાર આર્ના દર્શિત ખેરડિયા દ્વિતીય વિજેતા જાહેર થયાં હતાં, જ્યારે વક્તૃત્વ કળા રજૂ કરનાર શૌર્ય માર્મિક આહ્યા તૃતીય વિજેતા બન્યાં હતાં. વિજેતાઓની જાહેરાત થતાં ઉપસ્થિત સૌએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ ભાગ લેનાર તમામ બાળકોની મહેનત અને હિંમતને પણ બિરદાવવામાં આવી હતી.

 

કાર્યક્રમના અંતિમ તબક્કામાં વિજેતા બનેલા બાળકો સહિત ભાગ લેનાર તમામ બાળકોને ઉપસ્થિત મહાનુભાવો અને સોસાયટીના પરિવારજનોના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પ્રોફે. અનામિક શાહ, સોસાયટીના પૂર્વ પ્રમુખ પ્રોફે. પી. એચ. પરસાણીયા, ડી. પી. ત્રિવેદી, અજયસિંહ પરમાર, રમેશ સભાયા, ડૉ. દર્શન ભટ્ટ, ઉદ્યોગપતિ શૈલેષ પટેલ, જીતેશ પંડિત, શ્રીજીથ નાયર, સિનિયર ઈ.એન.ટી. સર્જન ડૉ. સેજલબેન ભટ્ટ, ફીટલ મેડિસિન નિષ્ણાત ડૉ. કુંતલબા જાડેજા, ચંપાબેન ગરાળા, પ્રોફે. કુસુમબા જાડેજા, પારૂલબેન ત્રિવેદી, વિજયાબેન પરસાણીયા અને ધીરજબા ડોડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઇનામ વિતરણ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. ઉપસ્થિત સૌએ સોસાયટીની કારોબારી ટીમને ભવિષ્યમાં પણ આવા સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજતી રહેવા શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્ય મહેમાન પ્રો. મનોજભાઈ પુરોહિતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોઈપણ સમાજ કે સોસાયટી માત્ર ઈંટો અને સિમેન્ટનાં મકાનોથી બનતી નથી, પરંતુ એકબીજાના સુખ-દુઃખમાં સાથ આપતા પરિવારોના સ્નેહ અને સહકારથી બને છે. ભારતીય સંસ્કૃતિમાં પરિવારનું વિશેષ મહત્વ છે અને સોસાયટીમાં આ પારિવારિક ભાવનાને જીવંત રાખવા માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે. બાળકોને પોતાની પ્રતિભા રજૂ કરવા સુંદર મંચ પૂરો પાડવા બદલ તેમણે પ્રમુખ ડૉ. જયદીપસિંહ ડોડિયા, માનદ મંત્રી અજયભાઈ જોષી, ઉપપ્રમુખ સજી મેથ્યુ અને તમામ કારોબારી સભ્યોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું કે આ ટેલેન્ટ શોમાં ભાગ લેનાર દરેક બાળક વિજેતા છે, કારણ કે સંકોચ છોડીને મંચ પર પોતાની કળા રજૂ કરવી એ જ સૌથી મોટી સિદ્ધિ છે. તેમણે વાલીઓને બાળકોની દરેક રજૂઆતને દિલ ખોલીને તાળીઓથી વધાવવા અપીલ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતેશ પંડિત દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સોસાયટીના પ્રમુખ ડૉ. જયદીપસિંહ ડોડિયાએ ઉપસ્થિત વડીલો, વાલીઓ, મહેમાનો, ઇનામોના દાતાશ્રીઓ અને કમિટીના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બાળકોને પ્રોત્સાહન આપવા માટે સૌએ આપેલા સહકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. આ ટેલેન્ટ શો દ્વારા બાળકોને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળી હતી, સાથે જ સોસાયટીના પરિવારો વચ્ચે સ્નેહ, એકતા અને સાંસ્કૃતિક જોડાણ વધુ મજબૂત બન્યું હતું. બાળકોના ઉત્સાહ અને વડીલોના આશીર્વાદથી આ આયોજન યાદગાર બન્યું હતું. ઉપસ્થિત સૌએ ભવિષ્યમાં પણ આવાં કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ