મારું શહેર શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવને અનુલક્ષીને પોલીસ ઇન્સ્પેક્ટર એચ. વી. સીસારાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગણેશ મંડળોના આયોજકો, ધાર્મિક તથા સામાજિક સંગઠનોના આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ, અમન અને કોમી સૌહાર્દના વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા તહેવાર પૂર્વે જરૂરી પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બેઠક દરમિયાન તહેવારની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પીઆઈ એચ. વી. સીસારાએ ગણેશ મંડળોના આયોજકો પાસેથી ગણેશ સ્થાપના, વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને વિસર્જન શોભાયાત્રાના રૂટ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત કાર્યક્રમોના સમયપત્રક, સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ તથા જાહેર માર્ગો પર થતી અવરજવર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા આયોજકોને સરકાર અને પોલીસ તંત્ર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને સાઉન્ડ સિસ્ટમનો નિયત મર્યાદામાં ઉપયોગ કરવા, શોભાયાત્રા દરમિયાન શિસ્ત જાળવવા અને કોઈપણ પ્રકારની અશાંતિ કે વિવાદ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં ટ્રાફિક વ્યવસ્થા અંગે પણ ખાસ ચર્ચા થઈ હતી. ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અસર ન થાય અને સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવાની ખાતરી આપવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં પણ પૂરતી તકેદારી રાખવામાં આવશે તેમ જણાવાયું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર એચ. વી. સીસારાએ તમામ મંડળોના આયોજકો અને સમાજના આગેવાનોને તહેવાર દરમિયાન પરસ્પર સહકાર, ભાઈચારો અને શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવ ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપતો પર્વ છે, તેથી સૌએ જવાબદારીપૂર્વક ઉજવણી કરવી જોઈએ.
બેઠકના અંતે ઉપસ્થિત સમાજના આગેવાનો અને ગણેશ મંડળોના આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. શહેરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ, આનંદસભર અને ભાઈચારાભર્યા વાતાવરણમાં ઉજવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોટર પ્રિતેશ દરજી પંચમહાલ