મારું શહેર ગાંધીનગરમાં વિકાસનો ઉત્સવ: એક જ દિવસમાં રૂ.1,848 કરોડના વિકાસકાર્યોની ભેટ.
ગાંધીનગરમાં વિકાસનો ઉત્સવ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં પાટનગર ગાંધીનગરને કુલ રૂ.1,848 કરોડના જનહિતલક્ષી વિકાસકાર્યોની ભેટ આપી હતી. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ.798 કરોડ તથા માર્ગ અને મકાન વિભાગ હેઠળના રૂ.1,050 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સામેલ છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર આજે વૈશ્વિક સ્તરની ઓળખ ધરાવતું શહેર બની રહ્યું છે. ગાંધીનગર અનેક વર્લ્ડ ક્લાસ ઇવેન્ટનું યજમાન બની રહ્યું છે, જ્યારે ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્સિયલ અને ફિનટેક હબ તરીકે ઉભરી આવ્યું છે. વાયબ્રન્ટ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની ઘટનાઓમાં ગાંધીનગરની આગવી ઓળખ વધુ મજબૂત બને તે માટે રૂ.48.26 કરોડના નવા આઇકોનિક અને ટ્રાફિક સંબંધિત વિકાસકાર્યોની જાહેરાત પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસના કેન્દ્રમાં સામાન્ય નાગરિક, ગરીબ અને છેવાડાનો માણસ છે. સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, પરંતુ તેનો લાભ પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે વધુ મહત્વપૂર્ણ છે. આયુષ્માન યોજના, આવાસ યોજના, ઉજ્જવલા યોજના અને નળ દ્વારા પાણીના કનેક્શન જેવી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. સરકાર ‘સેચ્યુરેશન’ અભિગમ હેઠળ દરેક પાત્ર લાભાર્થીને યોજનાઓનો 100 ટકા લાભ મળે તે માટે સક્રિય કામગીરી કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગાંધીનગરના ટ્રાફિક અને શહેરી માળખાને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રીએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર વધતા ટ્રાફિક ભારણને પહોંચી વળવા ભાટ-કોટેશ્વર ક્રોસિંગ ખાતે અંડરપાસ બનાવવા માટે રૂ.20.76 કરોડ ફાળવવામાં આવશે. રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી-શાહપુર તરફ જતા સાબરમતી નદી પરના બ્રિજના મજબૂતીકરણ માટે રૂ.12.80 કરોડ, ગિફ્ટ સિટીથી પીડીપીયુ તરફના જંકશન અને રોડ ડેવલપમેન્ટ માટે રૂ.7.70 કરોડ તથા રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી સર્કલ સુધી રોડ સેફ્ટી અને પેવર કામો માટે રૂ.7 કરોડ ફાળવવાનો નિર્ણય લેવાયો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર અગાઉ માત્ર સચિવાલયના શહેર તરીકે ઓળખાતું હતું, પરંતુ આજે શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, વેપાર, સંસ્કૃતિ અને આધુનિક સુવિધાઓથી ધમધમતું શહેર બની ગયું છે. અગાઉ સાંજ પડતાં શહેરની ગલીઓ સુમસામ બની જતી હતી, જ્યારે આજે ગાંધીનગર મોડી રાત સુધી જીવંત રહેતું શહેર બન્યું છે. તેમણે સરકારના ભ્રષ્ટાચાર વિરોધી અભિગમની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીધા અને ઝડપી નિર્ણયો લઈને વિકાસકાર્યોને ગતિ આપી રહ્યા છે. સાથે જ તેમણે નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકી સ્વચ્છ ગાંધીનગરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જૂના સેક્ટરો સાથે નવા જોડાયેલા ગામોમાં પણ સમાન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. એરપોર્ટ રોડથી રાયસણને જોડતો 80 મીટરનો માર્ગ, રક્ષાશક્તિથી સરગાસણનો સર્વિસ રોડ, ખોરજ, પેથાપુર, રાંધેજા, કોલવડા, વાવોલ, વાસણા હડમતીયા અને આદિવાડામાં નવા સીસી રોડ, રાંધેજામાં ઓવરહેડ ટાંકી તેમજ વિવિધ વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈનો જેવા કામો હાથ ધરાશે. સરગાસણમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, થીમ આધારિત સ્માર્ટ આંગણવાડીઓ, ઝુંડાલ, અમીયાપુર અને સેક્ટર-20માં આધુનિક બગીચાઓ તથા રાયસણ ચોકના વિકાસ જેવા કામો પણ યોજનામાં સામેલ છે.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરને વહીવટી કેન્દ્રથી આગળ વધારી વર્લ્ડ ક્લાસ સ્માર્ટ અને ગ્રીન સિટી બનાવવાનું વિઝન સાકાર થઈ રહ્યું છે. શહેરમાં નવા તળાવો, બગીચાઓ, લાઇબ્રેરીઓ, આરોગ્ય કેન્દ્રો અને છેવાડાના ગામોમાં પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સહયોગથી વિકાસકાર્યોને સતત મંજૂરી અને નાણાકીય સહાય મળી રહી છે. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આશરે 30 નવી ઈ-બસોને લીલી ઝંડી આપી તેમાં મુસાફરી કરી જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું.