મારું ગુજરાત PM-કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા વાર્ષિક e-KYC ફરજિયાત.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આગામી હપ્તાની ચુકવણી પહેલાં હવે દર વર્ષે e-KYC કરાવવું ફરજિયાત રહેશે. કૃષિ વિભાગની યાદી મુજબ, દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલાં લાભાર્થી ખેડૂતોએ નિયત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
યોજનાનો લાભ યોગ્ય અને પાત્ર ખેડૂતોને સમયસર મળી રહે તે હેતુથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે 31 માર્ચ, 2026 પછી e-KYC કરાવેલ ન હોય, પરંતુ પોર્ટલ પર સ્ટેટસમાં “eKYC: Yes” દર્શાવાતું હોય તેવા લાભાર્થીઓએ પણ ફરીથી e-KYC કરાવવું પડશે.
ખેડૂતોની સુવિધા માટે e-KYC પૂર્ણ કરવા ચાર સરળ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ હેઠળ ખેડૂત પોતે PM-Kisan મોબાઇલ એપ્લિકેશનમાં “Login” બાદ “Beneficiary” વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યારબાદ આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને ફેસ ઓથેન્ટિકેશન મારફતે પોતાનું e-KYC પૂર્ણ કરી શકશે.
આ ઉપરાંત, PM-Kisan એપમાં “e-KYC for other beneficiaries” વિકલ્પનો ઉપયોગ કરીને એક લાભાર્થી અન્ય 100 લાભાર્થીઓનું પણ e-KYC કરી શકે છે. આ સુવિધા ખાસ કરીને ગામડાઓમાં ખેડૂતોને એકબીજાની મદદથી પ્રક્રિયા પૂર્ણ કરવામાં ઉપયોગી બની શકે છે.
બીજા વિકલ્પ તરીકે ખેડૂત ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરી ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી e-KYC કરાવી શકે છે. ત્રીજા વિકલ્પ હેઠળ ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC ખાતે જઈને પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.
ચોથા વિકલ્પ તરીકે ખેડૂત તાલુકા અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરી બાયોમેટ્રિક e-KYC કરાવી શકે છે. અન્ય ગામ કે શહેરમાં સ્થળાંતરિત થયેલા ખેડૂત લાભાર્થીઓ હાલ જ્યાં રહે છે ત્યાંથી પણ ઉપરોક્ત ચાર પૈકી કોઈપણ અનુકૂળ પદ્ધતિ દ્વારા e-KYC પૂર્ણ કરી શકશે.
સરકાર દ્વારા તમામ ખેડૂત લાભાર્થીઓને e-KYCની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી આગામી નાણાકીય સહાયનો હપ્તો મેળવવામાં કોઈ અવરોધ ઊભો ન થાય. ખેડૂતોએ પોતાના PM-Kisan પોર્ટલ પર e-KYCનું સ્ટેટસ તપાસી જરૂરી કાર્યવાહી સમયસર કરવી જરૂરી છે.