મારું શહેર જામનગરના વોર્ડ નં. ૨માં રૂ.૩૦ લાખના ખર્ચે ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ’નું લોકાર્પણ.
જામનગરના વોર્ડ નં. ૨ના મચ્છરનગર વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે મહત્વપૂર્ણ શૈક્ષણિક સુવિધાનો પ્રારંભ થયો છે. શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રિવાબા જાડેજાએ રૂ.૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ’નું લોકાર્પણ કર્યું હતું.
લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો સાથે સંવાદ કરીને આ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ કેળવાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને શાંત અને અનુકૂળ વાતાવરણ મળે તેમજ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે અભ્યાસ કરતા યુવાનોને સુવિધા મળી રહે તે હેતુથી આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
લાઇબ્રેરી શરૂ થતાં વોર્ડ નં. ૨ ઉપરાંત આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ, યુવાનો અને વાંચનપ્રેમીઓને એક જ સ્થળે બેસીને અભ્યાસ, વાંચન અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ કરવાની સુવિધા મળશે. ખાસ કરીને સરકારી નોકરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ અભ્યાસની તૈયારી કરતા યુવાનો માટે આ રીડિંગ રૂમ ખૂબ ઉપયોગી સાબિત થશે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે માત્ર શાળાઓ અને કોલેજોની માળખાકીય સુવિધાઓ જ નહીં, પરંતુ અભ્યાસ માટે જરૂરી પૂરક સુવિધાઓ વિકસાવવા પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. લાઇબ્રેરી અને રીડિંગ રૂમ જેવી સુવિધાઓ વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, વાંચનવૃત્તિ અને જ્ઞાનપ્રાપ્તિની ભાવનાને પ્રોત્સાહન આપશે.
આ કાર્યક્રમમાં મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ મંદિર બેડી ગેઈટના સ્વામીશ્રી ચત્રભુજદાસજી મહારાજ, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, કોર્પોરેટરો, અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રૂ.૩૦ લાખના ખર્ચે તૈયાર થયેલી આ લાઇબ્રેરીથી જામનગરના વિદ્યાર્થીઓ અને યુવાનોને અભ્યાસ માટે વધુ સુવિધાસભર અને પ્રેરણાદાયી વાતાવરણ ઉપલબ્ધ બન્યું છે.