જાહેરાત
તાજા સમાચાર
3,300થી વધુ ચાઈલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડીઓ માટે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો. | રાંચીમાં રણસંગ્રામ: વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, CBI તપાસની માંગે આંદોલન ઉગ્ર. | મનરેગાની જગ્યાએ આવેલી VB-G RAM G યોજનાને પ્રથમ જ મહિને ઝટકો, ગ્રામીણ રોજગારમાં 50%નો ઘટાડો. | જામનગર LCBની મોટી કાર્યવાહીઃ ભલસાણગામની સીમમાંથી રૂ.1.39 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો. | મોંઘવારીનો ‘રાઉન્ડ ટુ’: બિસ્કિટથી લઈને સાબુ સુધી ફરી મોંઘવારીનો માર. | રાંચીમાં ‘Gen-Z’નું વિધાનસભા ઘેરાવ આંદોલન, સુરક્ષા વ્યવસ્થા સઘન. | શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો. | સુરત નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત મામલે સરકાર હરકતમાં. | ચાર મહિનાથી વણઉકેલાયેલા હત્યા કેસનો ભેદ ઉકેલાયો, છ આરોપીઓ ઝડપાયા. | તારીખ : ૧૦/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. |
પાછા મુખ્ય સમાચાર પર
એજ્યુકેશન ૧૦ વાર જોવાયેલ 48 મિનિટ પેહલા

એજ્યુકેશન 3,300થી વધુ ચાઈલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડીઓ માટે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો.

3,300થી વધુ ચાઈલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડીઓ માટે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો.

રાજ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને આંગણવાડી વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ‘3,300+ ચાઈલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી અને પોષણ સંગમ હેલ્થ કેમ્પ’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં આંગણવાડીઓના માળખાકીય વિકાસ સાથે બાળકો માટે સલામત અને પ્રવૃત્તિમય વાતાવરણ ઊભું કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે આંગણવાડી માત્ર બાળકોને પોષણ પૂરું પાડવાનું કેન્દ્ર નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ માટેનું પ્રથમ પગથિયું અને શિક્ષણનું મહત્વનું સ્થળ છે. બાળકના જીવનના પ્રથમ છ વર્ષ દરમિયાન મગજના વિકાસની પ્રક્રિયા ખૂબ ઝડપથી થતી હોવાથી આંગણવાડીનું વાતાવરણ બાળકને અનુકૂળ, સુરક્ષિત અને રમત-ગમત તથા વિવિધ પ્રવૃત્તિઓથી ભરપૂર હોવું જરૂરી છે. આ દિશામાં રાજ્યમાં નવી આંગણવાડીઓ વિકસાવવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવી બની રહેલી 600થી 900 ચોરસ ફૂટની આંગણવાડીઓમાં ચાઈલ્ડ-ફ્રેન્ડલી સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સને પણ આધુનિક પદ્ધતિઓથી તાલીમ આપી વધુ સક્રિય બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. બાળકો માટે ફ્લોર ગેમ્સ, ચિત્રકામ, બાલગીતો અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓને દૈનિક કામગીરીનો ભાગ બનાવવા સૂચના આપવામાં આવી હતી, જેથી બાળકોને શીખવાની સાથે રમવાની અને પોતાની પ્રતિભા વિકસાવવાની તક મળે.

 

કુપોષણ સામેની લડાઈને વધુ અસરકારક બનાવવા માટે આંગણવાડી સ્તરે વિશેષ ‘પોષણ સંગમ હેલ્થ કેમ્પ’ યોજવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે માત્ર કુપોષિત બાળકની તપાસ કરી દવા કે સારવાર આપવાથી કામગીરી પૂર્ણ માનવી નહીં. બાળક સંપૂર્ણપણે કુપોષણમાંથી બહાર આવે ત્યાં સુધી નિયમિત ફોલો-અપ કરવામાં આવે અને તેના માતા-પિતાને પણ યોગ્ય પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

મમતા દિવસની કામગીરી દરમિયાન આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો વચ્ચે વધુ સારા સંકલન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સગર્ભા મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના વજન તથા ઊંચાઈ માપવાની સાથે રસીકરણ જેવી આરોગ્યલક્ષી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ બને તેવું આયોજન કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. આરોગ્ય વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સંકલનથી યોજાનારા પોષણ સંગમ હેલ્થ કેમ્પને રાજ્યવ્યાપી સ્તરે અસરકારક રીતે અમલમાં મૂકવા માટે માર્ગદર્શિકા અંગે પણ ચર્ચા થઈ હતી.

મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ ડૉ. રાકેશ શંકરે વિભાગની વિવિધ કામગીરી અને ભવિષ્યના આયોજન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ICDS અને માર્ગ તથા મકાન વિભાગ વચ્ચેના સંકલનથી 3,300થી વધુ નવી આંગણવાડીઓના નિર્માણનું કામ આગળ વધી રહ્યું છે, જ્યારે R&B વિભાગ દ્વારા ટેન્ડર કરવામાં આવેલી આશરે 1,507 આંગણવાડીઓના બાંધકામની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. આંગણવાડીઓનું બાંધકામ ગુણવત્તાયુક્ત અને ટેકનિકલ ધોરણો અનુસાર થાય તે માટે IIT ગાંધીનગરના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

 

વર્કશોપ દરમિયાન UNICEF દ્વારા બાળકો માટે સુરક્ષિત, પર્યાવરણને અનુકૂળ અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી સ્માર્ટ આંગણવાડીઓના ટાઇપ ડિઝાઇન તથા 3D લે-આઉટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. IIT ગાંધીનગરના નિષ્ણાતોએ બાંધકામની ગુણવત્તા જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ટીમોને સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત બાંધકામ અંગે તકનીકી સૂચનાઓ આપવામાં આવી હતી. આંગણવાડી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વર્કશોપમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ICDS કમિશનર, જિલ્લા કક્ષાના એન્જિનિયરો, પ્રોગ્રામ ઓફિસર્સ, IIT ગાંધીનગર તથા UNICEFના પ્રતિનિધિઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ