જાહેરાત
તાજા સમાચાર
બંગાળની ખાડીમાં નવી વેધર સિસ્ટમ સક્રિય, ફરી મૂશળધાર વરસાદની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ. | જામનગરના દિગ્જામ સર્કલ પાસે ખુલ્લી કેનાલ જોખમી બની, તૂટેલી લોખંડની જાળીથી અકસ્માતનો ભય. | જામનગર જિલ્લા જેલની રાજકોટ રેન્જ આઈજી દ્વારા મુલાકાત: સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા. | દેશભક્તિના રંગે રંગાયું અમદાવાદ: એક લાખથી વધુ નગરજનો સાથે ભવ્ય તિરંગા યાત્રા. | તારીખ : ૧૩/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | જામનગરમાં તિરંગાના રંગે ઝળહળ્યાં ઐતિહાસિક ભૂજિયો કોઠો અને રણમલ તળાવ. | બેટ દ્વારકા મંદિરે ધજાની રકમ વધારાતા વિવાદ: સ્થાનિક ટ્રસ્ટી, ગુગળી 505 અને પંડાસભાનો વિરોધ, ટ્રસ્ટે ઠરાવનો બચાવ કર્યો. | 13 ઓગસ્ટ, ગુરુવાર અને શ્રાવણ સુદ એકમનું રાશિફળ. | 13 ઓગસ્ટનો ઇતિહાસ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૧૦ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર દેશભક્તિના રંગે રંગાયું અમદાવાદ: એક લાખથી વધુ નગરજનો સાથે ભવ્ય તિરંગા યાત્રા.

દેશભક્તિના રંગે રંગાયું અમદાવાદ: એક લાખથી વધુ નગરજનો સાથે ભવ્ય તિરંગા યાત્રા.

રાયપુરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો; સારંગપુર ખાતે ભવ્ય આતશબાજી સાથે સમાપન, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

અમદાવાદ શહેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. દેશભક્તિની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદના રાયપુરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવી ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રામાં દેશની સરહદો પર કપરા સંજોગોમાં ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. રાયપુરથી શરૂ થયેલી યાત્રા દરમિયાન માર્ગો પર તિરંગા લહેરાતા જોવા મળ્યા હતા અને ‘ભારત માતા કી જય’ના નારા તથા દેશભક્તિના ગીતોથી સમગ્ર અમદાવાદનો માહોલ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગામડાથી મહાનગર સુધી આજે દેશભક્તિનો એક જ રંગ છે અને તે છે તિરંગાનો રંગ. તેમણે દેશની સરહદો પર ફરજ બજાવતા જવાનોની બહાદુરીને યાદ કરતા જણાવ્યું હતું કે ગરમી હોય કે ધોધમાર વરસાદ, કડકડતી ઠંડી હોય કે કપરા સંજોગો, આપણા વીર જવાનો દેશની સુરક્ષા માટે અડીખમ ઊભા રહે છે. આવા જવાનો અને તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી દરેક નાગરિકની જવાબદારી છે. તેમણે લોકોને આ વીર જવાનોને નમન કરી તેમની બહાદુરીને સલામ કરવા અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારા સાથે દેશભક્તિની ગુંજ દરેક ખૂણે પહોંચાડવા આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી ‘હર ઘર તિરંગા’ અભિયાન આજે દેશવ્યાપી જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે, જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજિત એક લાખથી વધુ નગરજનો જોડાયા હોવાનું જણાવાયું હતું. બિગબજાર-રાયપુર ખાતેથી શરૂ થયેલી યાત્રાના સમગ્ર રૂટને તિરંગાના રંગો અને દેશભક્તિની થીમથી શણગારવામાં આવ્યો હતો. રાયપુર ચાર રસ્તા, ખાડિયા ગેટ અને સારંગપુર ચાર રસ્તા સહિતના વિવિધ વિસ્તારોમાં 11 સ્વાગત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા. અહીં દેશભક્તિના ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી. ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’ અને ‘એ મેરે વતન કે લોગો’ જેવા દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ પ્રબળ બની હતી. અમદાવાદ સ્કૂલ બોર્ડના શિક્ષકો દ્વારા 300 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ પણ યાત્રામાં જોડવામાં આવ્યો હતો, જે લોકો માટે વિશેષ આકર્ષણ બન્યો હતો. પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસઆરપીના જવાનો, પોલીસ બેન્ડ, ફાયર વિભાગ, હોમગાર્ડ, સ્કાઉટ બેન્ડ સાથેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, રમતવીરો તેમજ વિવિધ સમાજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ યાત્રામાં સામેલ થયા હતા.

તિરંગા યાત્રા દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા વિવિધ થીમ આધારિત ટેબ્લો પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા હતા. સ્વચ્છતા, પર્યાવરણ, રાષ્ટ્રભાવના અને અમદાવાદના વિકાસના સંદેશને ઉજાગર કરતા ટેબ્લો દ્વારા નાગરિકોને વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. યાત્રાના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં સમગ્ર રૂટ તિરંગાના રંગોથી છવાઈ ગયો હતો. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગાની પવિત્રતા અને ગૌરવ જાળવવા માટે પણ નાગરિકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તિરંગો હંમેશા ઊંચો લહેરાવવો જોઈએ અને ઉત્સાહમાં કે અજાણતાં પણ રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડે તેની કાળજી રાખવી જોઈએ. યાત્રા પૂર્ણ થયા બાદ તિરંગાને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરીને સન્માનપૂર્વક ઘરે લઈ જઈ યોગ્ય રીતે સાચવવા પણ તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો. તિરંગાની આન, બાન અને શાન જાળવવાની જવાબદારી દરેક નાગરિકની હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

રાયપુરથી પ્રસ્થાન કરેલી આ ભવ્ય તિરંગા યાત્રા અમદાવાદના વિવિધ માર્ગો પરથી પસાર થઈ સારંગપુર ખાતે પહોંચી હતી, જ્યાં ભવ્ય આતશબાજી સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સારંગપુર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યું હતું. મેયર હિતેશભાઈ બારોટે સ્વાગત પ્રવચન કર્યું હતું. યાત્રામાં ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાથમાં લહેરાતા તિરંગા, દેશભક્તિના નારા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય આતશબાજી વચ્ચે પૂર્ણ થયેલી આ તિરંગા યાત્રા અમદાવાદની અખંડ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભવ્ય અભિવ્યક્તિ બની રહી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ