ધર્મ શિવપુરાણની કથા શ્રવણથી ચંચુલા અને બિદુંકનો પાપના ભય અને સંસારથી વૈરાગ્ય થયો.
શ્રી શિવમહાપુરાણ માહાત્મ્યમાં પરમ પવિત્ર શિવકથાની મહિમાનું અત્યંત અદભૂત અને શ્રદ્ધામય વર્ણન કરવામાં આવ્યું છે.શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવો દ્વારા પીવામાં આવતા અમૃતથી માત્ર અમરત્વ કે સ્વર્ગીય ભોગ સુખ પ્રાપ્ત થાય છે,તેનાથી નિત્ય મુક્તિ મળતી નથી પરંતુ ભગવાન સદાશિવની કથામૃતનું પાન કરવાથી મનુષ્યને પ્રત્યક્ષ મોક્ષની પ્રાપ્તિ થાય છે.સદાશિવની પાવન કથાનું નિષ્કામભાવે શ્રવણ કરવાથી જીવ પરમ ધામ એવા શિવલોકને પ્રાપ્ત કરે છે.શિવકથા એ ઉત્કૃષ્ટ જ્ઞાનયજ્ઞ છે,જે સંસારી જીવોને આ લોકમાં ધર્મ,અર્થ અને કામના ભોગ આપવાની સાથે સાથે અંતકાળે પરમ મોક્ષ પણ પ્રદાન કરે છે.આ પાવન મહિમાને સ્પષ્ટ કરતી એક અત્યંત પ્રાચીન કથા શિવપુરાણના માહાત્મ્યમાં પ્રાપ્ત થાય છે.
બાષ્કલ ગામ અને અધર્મીજનોનું ચરિત્ર..
સમુદ્રના સમીપના પ્રદેશમાં 'બાષ્કલ' નામનું એક સમૃદ્ધ પરંતુ અત્યંત પાપપૂર્ણ ગામ હતું.તે ગામમાં રહેતા દ્વિજો અને અન્ય લોકો વૈદિક ધર્મથી સંપૂર્ણપણે વિમુખ થઈ ચૂક્યા હતા.તેઓ મહાપાપી,દુષ્ટ,કૂટિલ અને અસત્ય ભાષણ કરનારા હતા.તેમનું મન નિરંતર દૂષિત વિષયભોગોમાં જ પરોવાયેલું રહેતું હતું.તે ગામના લોકોને ભગવાન,ધર્મ,શાસ્ત્ર કે પોતાના પ્રારબ્ધ ઉપર સહેજ પણ વિશ્વાસ નહોતો.તેઓ ખેતીવાડી તથા અન્ય વ્યાપાર કરતા હતા પરંતુ સાથે સાથે અત્યંત ઘાતક શસ્ત્રો ધારણ કરીને હિંસક પ્રવૃત્તિઓમાં પણ લીન રહેતા હતા.
આ ગામના પુરૂષો પરસ્ત્રીગામી હતા અને જ્ઞાન,વૈરાગ્ય કે સતધર્મના મર્મને બિલકુલ જાણતા નહોતા.તેઓ પશુ સમાન બુદ્ધિ ધરાવતા હતા અને નિરંતર પરનિંદા તથા દૂષિત વાતોમાં જ મગ્ન રહેતા હતા.જ્યારે ગામના દ્વિજો જ આવા ધર્મભ્રષ્ટ હોય ત્યારે અન્ય વર્ણોના લોકોનું તો કહેવું જ શું? ગામના તમામ વર્ણોના સ્ત્રી-પુરૂષો કુત્સિત વિચારોવાળા,કુકર્મોમાં ડૂબેલા અને સ્વેચ્છાચારી હતા.સ્ત્રીઓ પણ પોતાના સાચા પતિવ્રત ધર્મનો ત્યાગ કરીને કામવાસના અને વ્યભિચારમાં ડૂબેલી રહેતી હતી.
બિંદુક અને ચંચુલાનું પતન..
આ જ બાષ્કલ ગામમાં 'બિંદુક' બિંદુગ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો,તે બ્રાહ્મણ હોવા છતાં અત્યંત અધમ,પાપી,દુરાત્મા અને દૂષિત આચરણવાળો હતો,તેની પત્નીનું નામ 'ચંચુલા' હતું.ચંચુલા અત્યંત રૂપવતી,નવયૌવના અને શરૂઆતમાં ઉત્તમ ધર્મનું પાલન કરનારી સ્ત્રી હતી પરંતુ દુષ્ટ બિંદુક પોતાની સુશીલ અને રૂપવતી પત્નીનો અનાદર કરીને કામવાસનાને વશ થઈ વેશ્યાઓ સાથે રમણ કરવા લાગ્યો. તે પોતાના ઘરની તમામ સંપત્તિ વેશ્યાઓ પાછળ લૂંટાવવા લાગ્યો અને કુકર્મમાં વર્ષો વિતાવવા લાગ્યો.
ચંચુલાએ શરૂઆતમાં થોડા વર્ષો સુધી પોતાના પતિવ્રત ધર્મને ટકાવી રાખ્યો પરંતુ પતિના આચરણ,ઉપેક્ષા અને સતત કામપીડાથી વ્યથિત થઈને કાળક્રમે તેનું મન પણ ભ્રષ્ટ થઈ ગયું. દુરાચારી પતિના આચરણની તેના પર ઊંડી દૂષિત અસર પડી.પતિથી છૂપી રીતે ચંચુલા પણ પારકા પુરૂષો સાથે રમણ કરવા લાગી અને ધર્મભ્રષ્ટ થઈ ગઈ.
એક દિવસ બિંદુક બ્રાહ્મણે પોતાની પત્ની ચંચુલાને કામાસક્ત બનીને અન્ય પુરૂષ સાથે ભોગ ભોગવતાં રંગેહાથ ઝડપી લીધી.ક્રોધમાં આવીને તેણે ચંચુલાના વાળ પકડીને તેને અત્યંત માર મારવા માંડ્યો ત્યારે ચંચુલાએ સાહસ કરીને પોતાના પતિને કહ્યું કે.. "હે સ્વામી ! મારા જેવી સુંદર,યુવાન અને પતિવ્રતા પત્ની ઘરમાં હોવા છતાં આપ કુબુદ્ધિને વશ થઈને દરરોજ વેશ્યાગામી બનો છો.તમે જ વિચાર કરો કે રૂપવતી અને કામપીડિત પત્નીને જ્યારે પતિનો સંગ ન મળે ત્યારે તેની શું ગતિ થાય? આપના અનાદર અને વિયોગથી વ્યથિત થઈને હું કામજન્ય દુઃખ સહન ન કરી શકી અને આ માર્ગે દોરાઈ છું."
ચંચુલાના આ વચનો સાંભળીને મૂઢબુદ્ધિ બિંદુકનો ક્રોધ શાંત થયો અને તેણે નિર્લજ્જ થઈને કહ્યું કે "તારી વાત સત્ય છે.હવે તું સહેજ પણ ડર રાખ્યા વિના નિર્ભય બનીને દરરોજ પારકા પુરૂષોને સંતુષ્ટ કર અને તેમની પાસેથી પ્રચૂર ધન ખેંચી લાવ,એ ધન મને આપજે જેથી આપણા બંનેનો સ્વાર્થ સિદ્ધ થાય."
પતિના આવા નિકૃષ્ટ વચનો સાંભળી ચંચુલા પ્રસન્ન થઈ, ત્યારબાદ બંને પતિ-પત્ની કોઈપણ ભય વિના ખુલ્લેઆમ પાપકર્મ અને કુકર્મમાં સંલગ્ન થઈ ગયાં.આ રીતે પાપ આચરતાં આચરતાં તેમનાં ઘણાં વર્ષો વીતી ગયાં.
બિંદુકનું ભયંકર મરણ અને પિશાચ જન્મ..
સમય પાકતાં વેશ્યાગામી અને દૂષિત બુદ્ધિવાળા બ્રાહ્મણ બિંદુકનું મૃત્યુ થયું.મૃત્યુ પછી યમદૂતો તેને બળપૂર્વક બાંધીને યમલોક લઈ ગયા,ત્યાં તેને અનેક યુગો સુધી નરકની ઘોર યાતનાઓ અને તપ્ત લોહ-દંડની પીડાઓ ભોગવવી પડી.નરકના અસહ્ય દુઃખો ભોગવ્યા પછી બાકી રહેલા ઘોર પાપોના ફળસ્વરૂપે તે પાપાત્મા વિંધ્ય પર્વત ઉપર એક અત્યંત ભયંકર,ભૂખ-તરસથી પીડાતો પિશાચ-પ્રેત બન્યો. બીજી તરફ બિંદુકના મૃત્યુ પછી ચંચુલા થોડો સમય પોતાના પુત્રો સાથે ઘરમાં રહી.કાળક્રમે તે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ.
ગોકર્ણ તીર્થમાં શિવકથા શ્રવણ અને તીવ્ર વૈરાગ્ય..
એકવાર દૈવયોગથી અને પૂર્વના કોઈ પુણ્ય પ્રભાવથી,વિજયા દશમી કે શિવરાત્રિ જેવા પવિત્ર પર્વ નિમિત્તે ચંચુલા પોતાના ભાઈ-બંધુઓ સાથે 'ગોકર્ણ તીર્થ'માં ગઈ.તીર્થયાત્રીઓની સાથે તેણે પણ તીર્થના પવિત્ર જળમાં સ્નાન કર્યું અને ઉત્સવ જોવાની ઈચ્છાથી અહીં-તહીં ફરવા લાગી.ફરતાં ફરતાં તે એક શિવમંદિરમાં પહોંચી,જ્યાં એક પરમ જ્ઞાની અને સતચરીત્ર બ્રાહ્મણ વ્યાસપીઠ પર બેસીને ભગવાન શિવની પરમ પવિત્ર તથા મંગલમય પૌરાણિક કથા સંભળાવી રહ્યા હતા.ચંચુલા ત્યાં બેસીને કથા સાંભળવા લાગી, તે જ સમયે કથાકાર બ્રાહ્મણ વર્ણન કરી રહ્યા હતા કે..
"જે સ્ત્રીઓ કે પુરૂષો પોતાના સાચા ધર્મનો ત્યાગ કરીને પરસ્ત્રી કે પરપુરૂષ સાથે વ્યભિચાર કરે છે તેઓ મર્યા પછી યમલોકમાં જાય છે.ત્યાં યમદૂતો તેમના શિશ્ન અને યોનિમાં લોખંડના લાલચોળ તપાવેલા સળિયા નાખે છે અને કાલચક્રમાં પીસે છે." આ ભયાનક વર્ણન સાંભળીને ચંચુલાનું હૃદય ધ્રૂજી ઊઠ્યું, તેને પોતાના સમગ્ર જીવન દરમિયાન કરેલા ઘોર પાપો યાદ આવી ગયાં,તે ભયથી વ્યાકુળ બનીને કાંપવા લાગી. કથા પૂર્ણ થઈ અને તમામ શ્રોતાઓ પોતપોતાના સ્થાને ગયા ત્યારે તે ભયભીત નારી એકાંતમાં કથાકાર બ્રાહ્મણના ચરણોમાં પડી ગઈ અને રડતાં રડતાં બોલી કે..
"હે બ્રહ્મન ! હું અજ્ઞાનતા અને કામવાસનાને વશ થઈને મારા ધર્મથી વિમુખ થઈ ગઈ હતી. મેં યુવાનીમાં અત્યંત ઘોર વ્યભિચાર અને પાપ કર્યા છે.આજે આપના વૈરાગ્યરસથી સભર વચનો સાંભળીને મને મારા પાપોનો તીવ્ર ભય લાગ્યો છે અને આ ક્ષણભંગુર સંસારથી વૈરાગ્ય થયો છે. હું મૂઢ બુદ્ધિવાળી પાપિણી છું. મેં ક્ષણિક સુખ માટે મારા આત્માનું અહિત કર્યું છે. મૃત્યુ પછી યમદૂતો મને યમલોકમાં જે કષ્ટ આપશે તે હું કેવી રીતે સહન કરીશ? હે પ્રભુ ! આપ જ મારા ગુરૂ અને રક્ષક છો. હું આપના શરણમાં આવી છું, મારો ઉદ્ધાર કરવાનો કોઈ માર્ગ બતાવો !"
ચંચુલાને અત્યંત પશ્ચાત્તાપ કરતી અને શરણાગત થયેલી જોઈને દયાળુ બ્રાહ્મણદેવે કહ્યું કે "હે દેવી ! ભયભીત ન થાઓ.ભગવાન શિવની અનુકંપાથી સમયસર તારૂં અંતઃકરણ જાગૃત થઈ ગયું છે.સાચો પશ્ચાત્તાપ એ જ પાપમુક્તિનું પ્રથમ દ્વાર છે.સંતોએ તમામ પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત અને ભક્તિનો માર્ગ દર્શાવ્યો છે.તું હવે વિષયભોગોનો સંપૂર્ણ ત્યાગ કરીને એકાગ્ર ચિત્તે અને ભક્તિભાવથી ભગવાન શંકરની આ પરમ પાવન શિવપુરાણ કથાનું શ્રવણ કર. શિવનામ અને શિવકથાના પ્રભાવથી તારા સમસ્ત જન્મોના પાપ ભસ્મીભૂત થઈ જશે." ત્યારબાદ તે શુદ્ધ બુદ્ધિવાળા બ્રાહ્મણે ચંચુલાને શ્રદ્ધાપૂર્વક સંપૂર્ણ શિવપુરાણની કથા સંભળાવી.શિવકથામૃતનું પાન કરવાથી ચંચુલાનું ચિત્ત સંપૂર્ણપણે શુદ્ધ,પવિત્ર અને જ્ઞાનયુક્ત થઈ ગયું.
ચંચુલાનું શિવલોક ગમન અને પાર્વતીજીની સખી બનવું..
કથા શ્રવણ બાદ ચંચુલા નિરંતર ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન રહેવા લાગી.સમય પાકતાં ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત ચંચુલાએ પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કર્યો. તત્કાલ ભગવાન શિવના દિવ્ય પાર્ષદો રત્નજડિત વિમાન લઈને આવ્યા.ચંચુલા દિવ્ય રૂપ ધારણ કરીને વિમાનમાં બેસીને પરમ ધામ શિવલોક-કૈલાસ પહોંચી, ત્યાં તેણે પરમ જ્યોતિસ્વરૂપ ભગવાન સદાશિવ અને જગતજનની માતા પાર્વતીના દર્શન કર્યા, જેમની સેવા ગણેશ,કાર્તિકેય,નંદી,ભૃંગી અને વીરભદ્રાદિ ગણો કરી રહ્યા હતા. માતા પાર્વતીજી ચંચુલાની અનન્ય ભક્તિ અને શિવપુરાણના શ્રવણથી અત્યંત પ્રસન્ન થયાં અને તેને પોતાની નિત્ય સખી બનાવી લીધી.ચંચુલા ત્યાં પરમાનંદમાં રહેવા લાગી.
બિંદુકના ઉદ્ધાર માટે ચંચુલાની પ્રાર્થના..
એક દિવસ પરમાનંદમાં નિમગ્ન ચંચુલાએ ભગવતી ઉમાદેવી પાસે જઈ પ્રણામ કર્યા અને અત્યંત મધુર વાણીમાં સ્તુતિ કરી.સ્તુતિથી પ્રસન્ન થઈને માતા પાર્વતીએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ચંચુલાએ વિનમ્રભાવે પૂછ્યું કે "હે જગદંબા ! હે કરૂણામયી માતે ! મારા પૂર્વ જન્મના પતિ બિંદુક અત્યારે ક્યાં છે અને તેમની શું ગતિ થઈ છે તે જાણવાની મારી તીવ્ર ઈચ્છા છે." માતા પાર્વતીજીએ દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું કે "હે સખી ! તારો પતિ બિંદુક અત્યંત પાપી અને દૂષિત અંતઃકરણવાળો હતો.વેશ્યાગામી અને અધમી હોવાથી મૃત્યુ બાદ તે ઘોર નરકમાં પડ્યો હતો.નરકની અસહ્ય યાતનાઓ ભોગવ્યા પછી બાકી રહેલા પાપો ભોગવવા માટે તે હાલ વિંધ્ય પર્વત પર એક ભયંકર અને વિકરાળ પિશાચ બનીને ભટકી રહ્યો છે."
પતિની આવી દુર્દશા સાંભળીને દયાળુ ચંચુલાનું હૃદય દ્રવી ઊઠ્યું. તેણે માતા પાર્વતીના ચરણોમાં શીશ નમાવીને પ્રાર્થના કરી કે "હે માતે ! આપ દીનદયાળુ છો.કૃપા કરીને મારા તે દુરાચારી પતિનો પણ આ સંસારચક્ર અને પિશાચ યોનિમાંથી ઉદ્ધાર કરો." ત્યારે ભગવતી ગૌરીએ કહ્યું કે "જો તારો પતિ વિંધ્ય પર્વત પર રહેતાં શિવપુરાણની પુણ્યમય કથાનું શ્રવણ કરે તો તે તત્કાલ સર્વ પાપોથી મુક્ત થઈને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી શકે છે."
ગંધર્વરાજ તુમ્બુરૂનું વિંધ્ય પર્વત ગમન અને કથા યજ્ઞ..
ચંચુલાની વારંવારની કરૂણ પ્રાર્થનાથી શિવપ્રિયા પાર્વતીજીને અત્યંત દયા આવી,તેમણે ભગવાન શિવની કીર્તિનું ગાન કરનારા ગંધર્વરાજ તુમ્બુરૂને બોલાવ્યા અને આદેશ આપ્યો કે "હે તુમ્બુરૂ ! તમે મારી સખી ચંચુલાને સાથે લઈને વિંધ્ય પર્વત પર જાઓ.ત્યાં એક મહાઘોર અને વિકરાળ પિશાચ રહે છે,જે પૂર્વજન્મમાં ચંચુલાનો પતિ હતો.તમે તેની સમક્ષ શિવમહાપુરાણની પાવન કથાનું ગાન કરો. શિવપુરાણના શ્રવણથી તેના સમસ્ત પાપો ધોવાઈ જશે,ત્યારબાદ મારી આજ્ઞાથી તેને દિવ્ય વિમાનમાં બેસાડીને મારી સમક્ષ શિવલોકમાં લઈ આવો."
જગતજનની ઉમાનો આદેશ શિરોધાર્ય કરીને નારદજીના પરમ મિત્ર ગંધર્વરાજ તુમ્બુરૂ ચંચુલા સાથે વિમાનમાં બેસીને વિંધ્ય પર્વત પર ગયા,ત્યાં જઈને તેમણે ભૂખ-તરસથી વ્યાકુલ અને ચીસો પાડતા ભયંકર પિશાચને જોયો.મહાબલી તુમ્બુરૂએ તે પિશાચને બળપૂર્વક પાશ વડે બાંધી લીધો. આ વાત વાયુવેગે સમસ્ત લોકમાં પ્રસરી ગઈ કે દેવી પાર્વતીની આજ્ઞાથી એક પિશાચના ઉદ્ધાર અર્થે તુમ્બુરૂજી વિંધ્ય પર્વત પર શિવપુરાણની કથા કરી રહ્યા છે.આ દિવ્ય પ્રસંગ જોવા અને કથામૃતનો લાભ લેવા માટે અસંખ્ય ઋષિમુનિઓ,સિદ્ધો,ગંધર્વો અને દેવતાઓ વિંધ્ય પર્વત પર એકત્રિત થઈ ગયા.
બિંદુકનો દિવ્ય ઉદ્ધાર અને શિવધામ પ્રાપ્તિ..
ગંધર્વરાજ તુમ્બુરૂએ પિશાચને આસન પર બેસાડી,હાથમાં વીણા ધારણ કરીને મધુર સ્વરે શિવપુરાણની કથાનો પ્રારંભ કર્યો.તેમણે માહાત્મ્ય સહિત પ્રથમ 'વિધ્વેશ્વર સંહિતા'થી શરૂ કરીને 'રૂદ્ર સંહિતા', 'શતરૂદ્ર સંહિતા', 'કોટિરૂદ્ર સંહિતા', 'ઉમા સંહિતા', 'કૈલાસ સંહિતા' અને 'વાયુ સંહિતા' એમ સાતેય સંહિતાઓનું ક્રમબદ્ધ વર્ણન કર્યું.
જેમ જેમ શિવકથાના પાવન શ્લોકો પિશાચના કાને પડતા ગયા તેમ તેમ તેના અનાદિ કાળના પાપો ભસ્મીભૂત થવા લાગ્યા.સાતમી સંહિતા પૂર્ણ થતાં સુધીમાં તો તે પિશાચના સમસ્ત દુષ્કૃત્યો નાશ પામ્યા.તેણે તત્કાલ પિશાચના વિકરાળ શરીરનો ત્યાગ કર્યો અને દિવ્ય વસ્ત્રો,આભૂષણોથી સુશોભિત દિવ્ય રૂપ ધારણ કરી લીધું.પોતાની પત્ની ચંચુલા અને ગંધર્વરાજ તુમ્બુરૂ સાથે તે બિંદુક શિવજીના ગુણગાન કરતો કરતો દિવ્ય વિમાનમાં બેસીને શિવધામ (કૈલાસ) પહોંચ્યો.ભગવાન સદાશિવ અને માતા પાર્વતીએ તેના પર કરૂણા કરી તેને પોતાના ગણોમાં સ્થાન આપ્યું.આ રીતે એક મહાપાપી પિશાચ પણ શિવપુરાણના શ્રવણ માત્રથી પરમ ગતિને પ્રાપ્ત થયો.
શિવપુરાણ કથાનું મહાત્મ્ય અને નિષ્કર્ષ..
શિવમહાપુરાણની આ પાવન કથા એ વાતની સાક્ષી પૂરે છે કે ગમે તેવો ઘોર પાપી,ધર્મભ્રષ્ટ કે પિશાચ યોનિમાં પડેલો જીવ પણ જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શિવપુરાણનું શ્રવણ કે પાઠ કરે તો તેના જન્મોજન્મના પાપો નષ્ટ થઈ જાય છે.શિવકથા સંસારી જીવોને આ લોકમાં સર્વ સુખો આપે છે અને અંતકાળે અક્ષય મોક્ષ પ્રદાન કરે છે.