જાહેરાત
તાજા સમાચાર
જામનગર લોકમેળામાં 400થી વધુ નિરાધાર બાળકો માટે ખુશીઓનો દિવસ, વિનામૂલ્યે રાઇડ્સ અને ભોજનનું આયોજન. | ગોંડલમાં જન્માષ્ટમી પર્વે કોમી એકતાના દર્શન: 44 વર્ષથી બાળ યુવક મિત્ર મંડળની ભવ્ય કૃષ્ણ લીલા ઝાંખીઓ. | મહાભારતકાળની ગાથા સંભાળતું પાટણનું લોહેશ્વર મહાદેવ ધામ: જ્યાં ભીમે સ્થાપ્યું શિવલિંગ, આજે પણ જીવંત છે પાંડવોની સ્મૃતિ. | ચોમાસાની વિદાય પહેલાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ, 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. | ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલનનો કહેર: પૌડીમાં 6 દુકાનો ખાલી કરાવાઈ, 25 દુકાનો પર જોખમ; યુપીના 3 જિલ્લામાં શાળાઓ બંધ, બિહારમાં 14 જિલ્લામાં પૂર. | કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.144 કરોડની છેતરપિંડી, EOWમાં ફરિયાદ નોંધાઈ. | મોટો આદેશ: હવે તમામ ખાદ્ય પદાર્થો પર ફરજિયાત લેબલ, નિયમ તોડનાર સામે થશે કડક કાર્યવાહી. | ગુજરાતમાં ખાનગી સ્કૂલો માટે કડક કાયદો! મંજૂરી વિના સ્કૂલ બંધ કરશો તો રૂ.20 લાખનો દંડ, વિધાનસભામાં આવશે સુધારા બિલ. | માધવપુર ઘેડમાં જાહેર રસ્તા પર ગેરકાયદે દબાણનો મુદ્દો ગરમાયો, બંદર રોડ અને બાબુળી રોડ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. | કેનેડાનો અમેરિકાને જડબાતોડ જવાબ! 600થી વધુ અમેરિકી વસ્તુઓ પર 50% સુધીનો ટેરિફ, ટ્રેડ વોર વધુ ભડક્યો. |
પાછા મુખ્ય સમાચાર પર
ધર્મ ૧૯ વાર જોવાયેલ 45 મિનિટ પેહલા

ધર્મ મહાભારતકાળની ગાથા સંભાળતું પાટણનું લોહેશ્વર મહાદેવ ધામ: જ્યાં ભીમે સ્થાપ્યું શિવલિંગ, આજે પણ જીવંત છે પાંડવોની સ્મૃતિ.

મહાભારતકાળની ગાથા સંભાળતું પાટણનું લોહેશ્વર મહાદેવ ધામ: જ્યાં ભીમે સ્થાપ્યું શિવલિંગ, આજે પણ જીવંત છે પાંડવોની સ્મૃતિ.

પાંડવકુંડથી પાંડવોના પગલાં સુધી અતૂટ આસ્થા; રૂ. 2 કરોડના ખર્ચે ‘મિની સોમનાથ’ સમાન ભવ્ય મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર

પાટણ: ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક આવેલું શ્રી લોહેશ્વર મહાદેવ ધામ પૌરાણિક આસ્થા, ઐતિહાસિક વારસા અને ધાર્મિક પરંપરાનું અનોખું તીર્થસ્થાન છે. મહાભારતકાળ સાથે જોડાયેલી લોકમાન્યતાઓને આજે પણ જીવંત રાખતું આ ધામ વર્ષભર હજારો શ્રદ્ધાળુઓને આકર્ષે છે.

 

પ્રચલિત માન્યતા અનુસાર, પાંડવો તેમના વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાન તીર્થયાત્રા કરતાં અહીં રોકાયા હતા. તે સમયે આ વિસ્તાર 'ધર્મારણ્ય ક્ષેત્ર' તરીકે ઓળખાતો હતો, જ્યાં મહર્ષિ માર્કંડેય સહિત અનેક ઋષિ-મુનિઓ તપશ્ચર્યા કરતા હતા.

ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શિવની પૂજા કર્યા વિના ભોજન લેતા નહોતા. જંગલમાં શિવલિંગ ન મળતાં ભીમસેને માટીની લોટી ઊંધી વાળી શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યારબાદ યુધિષ્ઠિરે પૂજન કરીને ભોજન લીધું હતું. આ જ સ્થાન આજે શ્રી લોહેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે.

પાંડવકુંડ અને પાંડવોના પગલાં આજે પણ આસ્થાનું કેન્દ્ર

મંદિર પરિસરમાં આવેલા પાંચ પવિત્ર કુંડને પાંડવકુંડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત પાંડવોના પગલાં અને પાંડવકાળનું પ્રાચીન વરખડીનું વૃક્ષ પણ અહીં શ્રદ્ધાનું કેન્દ્ર છે.

સ્થાનિક માન્યતા મુજબ પાંડવકુંડની સફાઈ દરમિયાન કુંડમાંથી શિવલિંગ તેમજ દૂધ જેવા અને નીલવર્ણ પાણીના ઝરણાં ફૂટતા જોવા મળે છે, જે ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જગાવે છે.

 

માતૃશ્રાદ્ધ અને પિતૃશ્રાદ્ધ બંનેનું મહત્વ

લોહેશ્વર મહાદેવ તીર્થનું વિશેષ મહત્વ એ છે કે અહીં માતૃશ્રાદ્ધ અને પિતૃશ્રાદ્ધ બંને કરવાની પરંપરા છે. માન્યતા મુજબ અહીં પિંડદાન અને પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

રૂ. 2 કરોડના ખર્ચે બન્યું ભવ્ય મંદિર

તાજેતરમાં અંદાજે રૂ. 2 કરોડના ખર્ચે બંસીપહાડપુરના લાલ પથ્થરોમાંથી કલાત્મક કોતરણી સાથે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરની પ્રેરણાથી નિર્મિત આ મંદિરને 'મિની સોમનાથ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંદિર પરિસરમાં 12 જ્યોતિર્લિંગના નામ પરથી ઓરડાઓ ધરાવતી ધર્મશાળા યાત્રિકો માટે સુવિધા પૂરી પાડે છે. ઉપરાંત પ.પૂ. મહંત લાલગીરીજી બાપુની જીવંત સમાધિ પણ અહીં આવેલ છે, જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે.

 

શ્રાવણ અને ફાગણી અમાસે ઉમટે છે ભક્તો

શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને શિવધૂનનું આયોજન થાય છે, જ્યારે દર અમાસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

દર વર્ષે ફાગણી વદ અગિયારસથી ફાગણી અમાસ સુધી ભવ્ય પરંપરાગત મેળો યોજાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન ઉપરાંત પિતૃ તર્પણ માટે પણ ઉપસ્થિત રહે છે.

પાંડવો સાથે જોડાયેલી પૌરાણિક ગાથા, ભીમ દ્વારા સ્થાપિત શિવલિંગ, પાંડવકુંડ, પાંડવોના પગલાં, પ્રાચીન વરખડીનું વૃક્ષ અને સોમનાથ સમાન ભવ્ય મંદિરના કારણે લોહેશ્વર મહાદેવ ધામ આજે ઉત્તર ગુજરાતના મહત્વના ધાર્મિક અને ઐતિહાસિક તીર્થસ્થાનોમાં સ્થાન પામ્યું છે.

 

રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ