ધર્મ ગોંડલમાં જન્માષ્ટમી પર્વે 44 વર્ષથી અવિરત પરંપરા: હિંદુ-મુસ્લિમ એકતાના સંદેશ સાથે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય ઝાંખીઓનું આયોજન.
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગોંડલ શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે વિશેષ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા સતત 44 વર્ષથી અવિરત સેવા આપતા શ્રી બાલ યુવક મિત્ર મંડળ અને આર્ય શેરી મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલના ધારશી પારેખની શેરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ દિવ્ય લીલાઓને જીવંત કરતી આકર્ષક ઝાંખીઓ, ભવ્ય ફ્લોટ્સ અને મનમોહક લાઇટ ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે, જે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો અને નગરજનોને આકર્ષી રહ્યું છે.
દર વર્ષે હજારો લોકો આ ઝાંખીઓના દર્શન કરવા પહોંચે છે અને આ વર્ષે પણ આયોજકોએ વિશેષ આયોજન કર્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના બાળપણથી લઈને વિવિધ લીલાઓને સુંદર રીતે રજૂ કરતી ઝાંખીઓ સાથે આધુનિક લાઇટિંગ અને કલાત્મક સજાવટ સમગ્ર વિસ્તારને ભક્તિમય વાતાવરણથી ઝળહળી ઉઠ્યો છે. ગોંડલ શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ અનોખા આયોજનના દર્શન કરવા ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ આયોજનની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં માત્ર એક સમાજ નહીં પરંતુ હિંદુ અને મુસ્લિમ સમાજના કાર્યકર્તાઓએ પણ ખભેખભા મિલાવીને કામગીરી કરી છે. બંને સમાજના યુવાનો દ્વારા આયોજનને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરવામાં આવી છે, જે સામાજિક સૌહાર્દ અને કોમી એકતાનું સુંદર ઉદાહરણ બની રહ્યું છે. જન્માષ્ટમીના પર્વે ગોંડલમાં હિંદુ-મુસ્લિમ એકતાનું આ દૃશ્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યું છે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી બાલ યુવક મિત્ર મંડળ, વ્રજ પુષ્પમ ગોંડલ તેમજ અનેક સેવાભાવી યુવાનો અને કાર્યકર્તાઓએ નિઃસ્વાર્થ ભાવથી યોગદાન આપ્યું છે. આયોજન સાથે જોડાયેલા તમામ સભ્યો પોતાના તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છે. ઝાંખીઓની તૈયારીઓથી લઈને સજાવટ, વ્યવસ્થા અને ભક્તોની સુવિધા સુધીની દરેક જવાબદારી સ્વયંસેવકો દ્વારા નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવી રહી છે.
આયોજકો દ્વારા ગોંડલ શહેરના તમામ નાગરિકો અને આસપાસના વિસ્તારોના ભક્તોને ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય ઝાંખીઓના દર્શન કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જન્માષ્ટમીના પવિત્ર અવસરે ભક્તિ, સાંસ્કૃતિક વારસા અને કોમી એકતાનો અનોખો સમન્વય રજૂ કરતું આ આયોજન ગોંડલની ગૌરવશાળી પરંપરાને વધુ ઉજાગર કરી રહ્યું છે.
રિપોર્ટર તુષાર વ્યાસ ગોંડલ