જાહેરાત
તાજા સમાચાર
માધુરી હાથણીને કોલ્હાપુર પરત મોકલવાનો આદેશ, વનતારાએ શરૂ કરી પ્રક્રિયા | ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ. | ગુજરાત ભાડા વિધેયક-2026: મકાનમાલિક અને ભાડૂઆત બંને માટે નવા નિયમો | ગુજરાત ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ બિલ 2026: વેપાર-ઉદ્યોગ માટે નિયમોમાં મોટા ફેરફાર | ગુજરાતમાં હવે દુકાન-મોલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે, ગુમાસ્તા ધારામાં મહત્વપૂર્ણ સુધારો. | વિકાસ સાથે દેવું પણ ‘વિકાસ’ પામ્યું! ગુજરાત સરકારનું જાહેર દેવું ₹4.30 લાખ કરોડને પાર. | ત્રિવેણી સંગમે ભક્તિનો રંગ, ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ. | રાષ્ટ્રીય વન શહીદ દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. | શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 120 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,398 પર બંધ. | મોટી પાનેલીમાં ગાય સાથે ક્રૂરતાનો આક્ષેપ, ભાયાવદર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૪ વાર જોવાયેલ 2 કલાક પેહલા

મારું શહેર રાષ્ટ્રીય વન શહીદ દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

રાષ્ટ્રીય વન શહીદ દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

૧૧ સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત વન શહીદ મેમોરિયલ ખાતે પહોંચીને વન અને વન્યજીવોના રક્ષણ માટે શહીદ થયેલા વનકર્મીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવાંજલિ આપી હતી. આ પ્રસંગે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને વન રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

વન અને વન્યજીવોની સુરક્ષા દરમિયાન પોતાના જીવનું બલિદાન આપનારા વનરક્ષક, વનપાલ અને પરિક્ષેત્ર વન અધિકારીઓની શહાદતને યાદ કરવા દર વર્ષે ૧૧ સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વન શહીદોની ફરજપરસ્તી અને બલિદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બને તેમજ નાગરિકોમાં પર્યાવરણ અને વન્યજીવો પ્રત્યે રક્ષણની ભાવના મજબૂત બને તે આ દિવસનો મુખ્ય આશય છે.

 

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વર્ષ ૧૯૮૧થી અત્યાર સુધીમાં વન અને વન્યજીવોના રક્ષણ માટે શહીદ થયેલા આશરે ૧૧ વનકર્મીઓની શહાદતનું સ્મરણ કર્યું હતું. તેમણે વનકર્મીઓની નિષ્ઠા, હિંમત અને ફરજ પ્રત્યેના સમર્પણને બિરદાવતાં જણાવ્યું હતું કે, વન અને વન્યજીવોનું રક્ષણ કરવું અત્યંત જોખમી અને જવાબદારીભર્યું કાર્ય છે.

તાજેતરમાં વ્યારા પરિક્ષેત્રના વન અધિકારી વિકાસભાઈ દેસાઈએ ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવતી વખતે પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ બજાવી શહાદત વહોરી હતી. મુખ્યમંત્રીશ્રીએ તેમના પરિવારજનોને વન શહીદ સ્મારક ખાતે રૂબરૂ મળી સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ પરિવારને આર્થિક સહાયરૂપે ₹૫૦ લાખનું બેનિવોલન્ટ ફંડ અર્પણ કરવામાં આવ્યું હતું.

 

આ ઉપરાંત, ૬ જુલાઈ ૨૦૨૬ના રોજ સિંહ સાથેના ઘર્ષણમાં ઈજાગ્રસ્ત થયેલા વનકર્મી કાળુભાઈ બોઘાભાઈ પરમારનું પણ મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું હતું. તેમની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવતાં તેમને ₹૨ લાખની સહાયનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર સંગઠન પ્રમુખ ડૉ. આશિષભાઈ દવે, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીના, અગ્ર મુખ્ય વન સંરક્ષક તથા હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંહ સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ રાજ્યોના વન વિભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી વન શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિતે વનકર્મીઓના બલિદાનને યાદ કરી રાજ્યમાં વન સંરક્ષણ, વન્યજીવોની સુરક્ષા અને પર્યાવરણ જાળવણી માટે વધુ સંકલ્પબદ્ધ બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ