મારું ગુજરાત ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ.
રાજ્યમાં આગામી ગણેશોત્સવનો પાવન પર્વ શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડાઓ સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ગણેશોત્સવ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર અને જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ભીડ નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા કરવા, ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં મૂકવા અને રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવા આદેશ આપવામાં આવ્યા છે.
ગણેશ સ્થાપના અને વિસર્જનના મુખ્ય માર્ગો પર કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત નજર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં CCTV કેમેરા અને ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ સ્થાનિક શાંતિ સમિતિઓ અને ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક યોજી પરસ્પર સહયોગથી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખવામાં આવશે. અફવા ફેલાવનારા, ઉશ્કેરણીજનક સંદેશા પ્રસારિત કરનારા અથવા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ કોઈપણ અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવા અને તેને ફોરવર્ડ કરતા પહેલાં તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી છે.

સુરક્ષાના ભાગરૂપે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ટીયર ગેસ ટીમો તેમજ રાયોટ કંટ્રોલ સાધનો સાથે પોલીસ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવશે. મોટા પાયે ભેગી થતી ભીડને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવશે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
વિસર્જનના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા સરળ રહે અને કોઈ અવરોધ ઊભો ન થાય તે માટે પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ અને અન્ય ઇમરજન્સી સેવાઓ વચ્ચે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી છે. જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ વિભાગોએ સંયુક્ત રીતે કામગીરી કરવાની રહેશે.
રાજ્ય પોલીસ વડાએ ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક ભાવના, પરસ્પર ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. સાથે જ નાગરિકો, ગણેશ મંડળો અને આયોજકોને પોલીસ તંત્ર સાથે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે, જેથી ગણેશોત્સવનો પવિત્ર પર્વ સમગ્ર ગુજરાતમાં આનંદ, શ્રદ્ધા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવી શકાય.