ટેક્નોલોજી ગુજરાતના બંદરો અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં રોકાણની નવી તકો, મુંબઈમાં GMBની સ્ટેકહોલ્ડર મીટ.
મુંબઈ, 19 ઓગસ્ટ 2026: ગુજરાતને વૈશ્વિક મેરીટાઇમ પાવરહાઉસ તરીકે વિકસાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા મુંબઈના તાજ સાંતાક્રુઝ ખાતે **“Stakeholder Meet – Ports and Shipyards Development in Gujarat”**નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના પોર્ટ, શિપબિલ્ડિંગ, શિપ રિપેર અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રહેલી રોકાણની નવી તકોને દેશ-વિદેશના રોકાણકારો અને ઉદ્યોગજગત સમક્ષ રજૂ કરવા યોજાયેલી આ બેઠકમાં આશરે 200 જેટલા હિતધારકો જોડાયા હતા.
રાજ્ય સરકારે વર્ષ 2047 સુધીમાં ગુજરાતની પોર્ટ ક્ષમતા 3,000 MMTPAથી વધુ કરવાની મહત્વાકાંક્ષી દિશા રજૂ કરી છે. આ લક્ષ્યાંકને સાકાર કરવા માટે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ સાથે શિપબિલ્ડિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાની દિશામાં પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
6 ગ્રીનફિલ્ડ પોર્ટ અને 4 શિપબિલ્ડિંગ યાર્ડમાં રોકાણની તક

સ્ટેકહોલ્ડર મીટ દરમિયાન ગુજરાત મેરીટાઇમ બોર્ડે EOI (Expression of Interest) આધારિત રોકાણની વિવિધ તકો રજૂ કરી હતી. તેમાં રાજ્યમાં 6 નવા ગ્રીનફિલ્ડ પોર્ટ્સ અને 4 શિપબિલ્ડિંગ યાર્ડ્સના વિકાસની તકોનો સમાવેશ થાય છે.
ખાસ કરીને કુચડી ખાતે પ્રસ્તાવિત મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર બેઠકનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. આ પ્રકારના સંકલિત પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતમાં પોર્ટ, શિપબિલ્ડિંગ, શિપ રિપેર તથા મરીન મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલું વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પણ હાજરી
ગુજરાતના મેરીટાઇમ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા રસનો અંદાજ એ વાત પરથી પણ આવી શકે છે કે કાર્યક્રમમાં 15થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ દેશોના ડિપ્લોમેટ્સ, પોર્ટ ઓપરેટર્સ, શિપબિલ્ડર્સ, રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, ડેવલપર્સ અને મેરીટાઇમ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઇન્ડોનેશિયા, ઇટાલી અને નોર્વેના કોન્સલ જનરલ, તેમજ સિંગાપોર, પોર્ટ ઓફ રોટરડેમ અને રિપબ્લિક ઓફ કોરિયાના વરિષ્ઠ પ્રતિનિધિઓની હાજરી રહી હતી. ગુજરાતના પોર્ટ આધારિત વિકાસ અને મેરીટાઇમ ઇકોસિસ્ટમમાં વૈશ્વિક રોકાણકારોની વધતી રુચિ તરીકે આ સહભાગિતાને જોવામાં આવી રહી છે.
નીતિની સાતત્યતા અને રોકાણકારોના વિશ્વાસ પર ભાર
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને CEO ડૉ. અજય કુમાર, IASએ ગુજરાતના મેરીટાઇમ ક્ષેત્રના વિકાસ અને આગામી વિસ્તરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત સરકારના પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ હરીત શુક્લા, IASએ નીતિની સાતત્યતા, રોકાણકારોના વિશ્વાસ અને PPP આધારિત મેરીટાઇમ ડેવલપમેન્ટ મોડલ પર ભાર મૂક્યો હતો. જ્યારે ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ શ્યામ જગન્નાથન, IASએ પણ ગુજરાતના મેરીટાઇમ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
પોર્ટ વિકાસ પર ઉદ્યોગજગતનું મંથન
“Investing in Gujarat’s Next Generation Ports” વિષયક સત્રમાં ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, શિપબિલ્ડિંગ ઇકોસિસ્ટમ અને પોર્ટ સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ સત્રમાં Allcargo Groupના ચેરમેન શશી કિરણ શેટ્ટી, JM Baxi Groupના મેનેજિંગ ડિરેક્ટર ધ્રુવ કોટક, Gujarat Pipavav Port Limited (APM Terminals)ના COO ક્લિન્ટ કાર્માઇકલ અને DP World Indiaના CEO – Ports & Terminals, Nava Sheva જીબુ કુરિયન ઇટ્ટી સહિતના ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
શિપબિલ્ડિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ માટે નવી દિશા
બીજા સત્રમાં “Investing in Gujarat’s Emerging Shipbuilding & Marine Manufacturing Ecosystem” વિષય પર ચર્ચા યોજાઈ હતી. ગુજરાતમાં શિપબિલ્ડિંગ, શિપ રિપેર અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઊભી થઈ રહેલી નવી તકો પર નિષ્ણાતોએ મંથન કર્યું હતું.
આ સત્રમાં SBI Venturesના Maritime Investment Fundના Principal Investment Officer રજત ગોયલ, Cochin Shipyard Limitedના Director (Shipbuilding) ડૉ. હરિ કૃષ્ણન એસ., Swan Defence and Heavy Industries Limitedના CEO રિયર એડમિરલ વિપિન કુમાર સક્સેના (નિવૃત્ત) અને Garden Reach Shipbuilders & Engineers Limitedના **Cmde PR Hari, IN (Ret.)**એ ભાગ લીધો હતો.
રોકાણકારો સાથે સીધો સંવાદ
સ્ટેકહોલ્ડર મીટ દરમિયાન સંભવિત રોકાણકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓને EOI હેઠળ રજૂ કરાયેલી વિવિધ તકો અંગે પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કરવાની તક આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે નેટવર્કિંગ, B2G અને રોકાણકારો સાથે સીધા સંવાદ માટેના સત્રો યોજાયા હતા. આ દરમિયાન રોકાણકારોએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને સંબંધિત હિતધારકો સાથે સીધી ચર્ચા કરી અને વિવિધ પ્રોજેક્ટ્સ, રોકાણની તકો તથા આગળની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી.
ગુજરાત માટે રોજગાર અને ઔદ્યોગિક વિકાસની સંભાવનાઓ
ગુજરાતની લાંબી દરિયાકાંઠાની ભૌગોલિક સ્થિતિ, મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગલક્ષી નીતિઓને કારણે રાજ્ય પહેલેથી જ દેશના અગ્રણી મેરીટાઇમ હબ તરીકે ઓળખાય છે. હવે ગ્રીનફિલ્ડ પોર્ટ્સ અને શિપબિલ્ડિંગ યાર્ડ્સના વિકાસ સાથે પોર્ટ આધારિત ઉદ્યોગો, લોજિસ્ટિક્સ, શિપ રિપેર, મરીન સાધનોનું ઉત્પાદન અને સંબંધિત સેવાઓમાં પણ નવી તકો ઊભી થવાની શક્યતા છે.
આ પ્રકારના મોટા પ્રોજેક્ટ્સથી સીધા રોકાણ ઉપરાંત સ્થાનિક રોજગારી, કુશળ માનવબળની માંગ, સહાયક ઉદ્યોગો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના વિકાસને પણ વેગ મળી શકે છે.
ગુજરાત મેરીટાઇમ બોર્ડની આ સ્ટેકહોલ્ડર મીટ દ્વારા રાજ્યએ આગામી વર્ષોમાં પોતાના મેરીટાઇમ ક્ષેત્રના વિસ્તરણ માટેની દિશા સ્પષ્ટ કરી છે. 2047 સુધીમાં 3,000 MMTPAથી વધુ પોર્ટ ક્ષમતાનું લક્ષ્યાંક, 6 ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, 4 શિપબિલ્ડિંગ યાર્ડ્સ અને કુચડી ખાતેનું મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર ગુજરાતને દેશના મહત્વપૂર્ણ પોર્ટ અને શિપબિલ્ડિંગ કેન્દ્રોમાં વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.