જાહેરાત
તાજા સમાચાર
ભાણવડના વિજયપુર સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો, 7 શખ્સ ઝડપાયા. | સૌરાષ્ટ્રમાં જળસંકટની ભીતિ ઘેરી: 85માંથી 45 ડેમોમાં માત્ર 2થી 20 ટકા પાણી. | ખેડૂત પુત્ર ડૉ. દેવેન્દ્ર કાલરીયાનો અનોખો સંકલ્પ: દાંતની સારવાર બાદ હવે ધરતીની સારવાર. | શ્રાવણમાં સોમનાથ તીર્થે ભક્તોનો નવો કીર્તિમાન, 22.61 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાદેવના દર્શન. | બદલાતી દુનિયાને જૂની સંસ્થાઓથી નહીં ચલાવી શકાય, સુધારા જરૂરી: PM મોદી. | ISROનો ચક્રવાતી અંદાજ: 2026ના અંતિમ ત્રણ મહિનામાં વાવાઝોડાની શક્તિ સરેરાશ કરતાં 83% વધુ રહેવાની શક્યતા. | ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી, રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર. | શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. | ગાંધીનગરમાં વિકાસનો ઉત્સવ: એક જ દિવસમાં રૂ.1,848 કરોડના વિકાસકાર્યોની ભેટ. | PM-કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા વાર્ષિક e-KYC ફરજિયાત. |
પાછા મુખ્ય સમાચાર પર
એજ્યુકેશન ૧૦૩ વાર જોવાયેલ એક મહિનો પેહલા

એજ્યુકેશન ગુજરાતમાં PTC/D.El.Ed પ્રવેશ પ્રક્રિયા પર સવાલ: 70 જેટલી કૉલેજોને લઈને ગેરરીતિના આક્ષેપ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ચિંતા.

ગુજરાતમાં PTC/D.El.Ed પ્રવેશ પ્રક્રિયા પર સવાલ: 70 જેટલી કૉલેજોને લઈને ગેરરીતિના આક્ષેપ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ચિંતા.

 ગુજરાતમાં સરકારી શિક્ષક બનવાનું સપનું જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે PTC/D.El.Ed પ્રવેશ પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. રાજ્યમાં વર્ષ 2025-26 દરમિયાન પ્રવેશ પ્રક્રિયામાં માન્યતા રદ થયેલી હોવાનું જણાવાતી આશરે 70 કૉલેજોને વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની પરીક્ષા લેવાઈ ગઈ હોવા ઉપરાંત પરિણામ અને માર્કશીટ પણ આપવામાં આવી હોવાના દાવાથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

શિક્ષક ભરતીની જાહેરાત બાદ PTCમાં વધ્યો હતો પ્રવેશનો ક્રેઝ

વર્ષ 2024માં રાજ્ય સરકારે આગામી વર્ષોમાં મોટા પાયે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સરકારી શિક્ષક બનવા ઇચ્છતા યુવાનોમાં PTC એટલે કે D.El.Ed કોર્સ પ્રત્યે ફરી રસ વધ્યો હતો.

આ દરમિયાન 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે PTC પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ જ પ્રક્રિયા દરમિયાન કેટલીક કૉલેજોની માન્યતા અને વિદ્યાર્થીઓની ફાળવણીને લઈને વિવાદ સર્જાયો છે.

PAR ન ભરનાર કૉલેજોની માન્યતા 'વિથડ્રો'

પ્રાપ્ત વિગતો મુજબ, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) દ્વારા શિક્ષક તાલીમ આપતી સંસ્થાઓ માટે PAR (Performance Appraisal Report) રજૂ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. જે સંસ્થાઓએ જરૂરી પ્રક્રિયા પૂર્ણ ન કરી, તેમની માન્યતા પોર્ટલ પર ‘વિથડ્રો’ દર્શાવવામાં આવી હતી.

આ નિર્ણય સામે કેટલીક કૉલેજો દ્વારા હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. અદાલતી કાર્યવાહી દરમિયાન કેટલાક અરજદાર સંસ્થાઓને ચોક્કસ પરિસ્થિતિમાં 2025-26 માટે વિદ્યાર્થીઓ ફાળવવાની મંજૂરી મળી હતી.

70 કૉલેજોને વિદ્યાર્થીઓ કેવી રીતે મળ્યા?

આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે અગાઉના વર્ષોમાં જ માન્યતા રદ થયેલી હોવાનું જણાવાતી આશરે 70 કૉલેજો સુધી વિદ્યાર્થીઓ કેવી રીતે પહોંચ્યા?

આક્ષેપ એવો છે કે કોર્ટના વચગાળાના આદેશનો વ્યાપ વધારીને એવી સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા, જેમની માન્યતા અગાઉથી જ રદ થઈ ચૂકી હતી. જો આ આક્ષેપ સાચો સાબિત થાય તો સમગ્ર પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર વહીવટી ગેરરીતિ થયાનું માનવું પડે.

NCTEના પોર્ટલમાં ફેરફારના પણ આક્ષેપ

મામલો અહીં અટકતો નથી. કેટલીક સંસ્થાઓના NCTEના ડિજિટલ પોર્ટલ પરના રેકોર્ડમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કૉલેજનો અગાઉનો ‘વિથડ્રો’ ઓર્ડર દૂર કરીને જૂનો મંજૂરી ઓર્ડર દર્શાવવામાં આવ્યો હોવાના દાવા પણ સામે આવ્યા છે.

સામાન્ય રીતે માન્યતા પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયામાં જરૂરી બેઠકની મિનિટ્સ અને સત્તાવાર મંજૂરી જેવા દસ્તાવેજો મહત્વપૂર્ણ હોય છે. આ 70 જેટલી કૉલેજોને લઈને આવી પ્રક્રિયાના દસ્તાવેજો ઉપલબ્ધ છે કે નહીં તે પણ તપાસનો વિષય બની શકે છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા અને માર્કશીટથી ચિંતા વધી

આ મામલાનો સૌથી ગંભીર પાસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે. આ કૉલેજોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની પરીક્ષા લેવામાં આવી હોવાનો અને માર્કશીટ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હવે જો ભવિષ્યમાં ભરતી પ્રક્રિયા દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તેમની સંસ્થા અથવા ડિગ્રીની માન્યતા અંગે પ્રશ્ન ઊભો થાય, તો તેની સીધી અસર વિદ્યાર્થીઓ પર પડી શકે છે.

વિદ્યાર્થીઓએ ફી ચૂકવીને અભ્યાસ કર્યો, પરીક્ષા આપી અને પરિણામ મેળવ્યું હોય ત્યારે તેમની કોઈ ભૂલ વગર તેમની શૈક્ષણિક લાયકાત સામે સવાલ ઊભો થાય તો જવાબદારી નક્કી કરવી જરૂરી બનશે.

જવાબદારી કોની? તપાસની માંગ

આ મામલે હવે સૌથી મોટો સવાલ એ છે કે જો ખરેખર માન્યતા રદ થયેલી સંસ્થાઓને નિયમવિરુદ્ધ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હોય તો આ નિર્ણય માટે જવાબદાર અધિકારીઓ અને સંસ્થાઓ સામે શું કાર્યવાહી થશે?

માત્ર એકાદ સંસ્થામાં થયેલી ભૂલને વહીવટી ભૂલ ગણાવી શકાય, પરંતુ આશરે 70 સંસ્થાઓને લઈને એકસરખા પ્રકારના આક્ષેપો સામે આવતા સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસની જરૂરિયાત ઊભી થઈ છે.

ખાસ કરીને NCTEના રેકોર્ડ, રાજ્યના પ્રવેશ પોર્ટલ, કોર્ટના આદેશો અને વિદ્યાર્થીઓની ફાળવણીની વિગતોની તપાસ કરવામાં આવે તો વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.

હાલ સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં ચિંતા છે કે જો તેમની કૉલેજની માન્યતા અંગે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભો થશે, તો તેમના અભ્યાસના વર્ષો અને કારકિર્દીનું નુકસાન કોણ ભરપાઈ કરશે? રાજ્ય સરકાર અને સંબંધિત શિક્ષણ તંત્ર સામે હવે આ સમગ્ર પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવાની માગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ