સબરસ જામનગર મહાનગરપાલિકામાં રાષ્ટ્રધ્વજના સન્માનને લઈને સવાલો, ગેલેરીમાં તિરંગો પડ્યો હોવાનો આક્ષેપ.
જામનગર: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની વોર્ડ નં. 9-Aની સફાઈ કર્મચારીઓની ઓફિસની ગેલેરીમાં રાષ્ટ્રધ્વજ કચરાની જેમ પડ્યો હોવાનો આક્ષેપ સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. એક તરફ શહેરમાં તિરંગા યાત્રાઓ અને વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તો બીજી તરફ સરકારી કચેરીના પરિસરમાં જ રાષ્ટ્રધ્વજની આવી સ્થિતિ જોવા મળતા જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ, વોર્ડ નં. 9-Aની સફાઈ કર્મચારીઓની ઓફિસની ગેલેરીમાં તિરંગો નીચે પડેલી હાલતમાં જોવા મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ તિરંગા યાત્રા માટે બનાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ રીતે રાષ્ટ્રધ્વજને જમીન પર કે અવ્યવસ્થિત સ્થિતિમાં રાખવામાં આવ્યો હોવાનો મુદ્દો સામે આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. રાષ્ટ્રધ્વજ દેશની આન, બાન અને શાનનું પ્રતિક હોવાથી તેની જાળવણી અને સન્માન અંગે વિશેષ કાળજી રાખવાની અપેક્ષા રહે છે.

આ સમગ્ર મુદ્દો જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર નિમેષભાઈ સીમરીયા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે દેશના તિરંગા માટે સૈનિકો સરહદો પર પોતાનું જીવન બલિદાન આપે છે, ત્યારે એક સરકારી કચેરીમાં જ રાષ્ટ્રધ્વજની કથિત અવગણના થાય તે અત્યંત ગંભીર બાબત છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના માહોલ વચ્ચે જ રાષ્ટ્રધ્વજની આવી સ્થિતિ સામે આવતા તેમણે જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
સામાજિક કાર્યકર નિમેષભાઈ સીમરીયાએ આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રધ્વજના સન્માન અને નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સરકારી તંત્રની છે. જો કોઈ અધિકારી અથવા કર્મચારીની બેદરકારીને કારણે રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોય તો જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે સમગ્ર મામલે તપાસ કરાવી જવાબદાર અધિકારી સામે તાત્કાલિક સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજને યોગ્ય રીતે રાખવામાં આવે અને તેના સન્માન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે.
હાલ આ મામલે મહાનગરપાલિકા તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. રાષ્ટ્રધ્વજ ખરેખર કઈ પરિસ્થિતિમાં ગેલેરીમાં પડ્યો હતો, તે અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવી શકે છે. આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. પરંતુ ઘટનાએ સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યેની જવાબદારી અને સન્માન અંગે ગંભીર ચર્ચા જગાવી છે. બાઈટ: નિમેષભાઈ સીમરીયા, સામાજિક કાર્યકર, જામનગર.