મારું શહેર કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.144 કરોડની છેતરપિંડી, EOWમાં ફરિયાદ નોંધાઈ.
રાજકોટમાં અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ઇન્ડોનેશિયન કોલસાના વેપારમાં ભારે નફો અને પાંચ વર્ષમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવનાર ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય હર્ષદભાઈ ચોટલીયા અને તેના બે ભાગીદારો સામે રૂ.144.19 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલાની તપાસ હવે આર્થિક ગુના શાખા (EOW)ને સોંપવામાં આવી છે.
ફરિયાદ મુજબ રાજકોટના સાંઈનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત જયેન્દ્રભાઈ મૂળજીભાઈ અકબરીને તેમના મિત્ર અરવિંદભાઈ રામાણી દ્વારા ટર્નરેસ્ટ રિસોર્સિસ કંપનીમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી હતી. કંપની ઇન્ડોનેશિયામાંથી કોલસો આયાત કરીને ભારતમાં વેચવાનો ધંધો કરતી હોવાનું જણાવાયું હતું. કંપનીમાં પહેલેથી જ અનેક લોકોએ રોકાણ કર્યું હોવાનું કહી વિશ્વાસ અપાયો હતો અને પાંચ વર્ષ બાદ ખૂબ જ ઊંચું વળતર મળવાની ખાતરી આપવામાં આવી હતી.
જયેન્દ્રભાઈએ વર્ષ 2021 દરમિયાન અમદાવાદ સ્થિત કંપનીની ઓફિસમાં જય ચોટલીયા, મિતેશ સંઘવી અને મનિષ ડાંગી સાથે બેઠક કરી હતી. આ દરમિયાન ત્રણ પ્રકારની રોકાણ યોજનાઓ રજૂ કરવામાં આવી હતી. પ્રથમ યોજના હેઠળ બેંક મારફતે ડિપોઝિટ, બીજી યોજના હેઠળ કંપનીના શેર ખરીદવા અને ત્રીજી યોજના હેઠળ પોતાની મિલકત બેંકમાં ગીરો મૂકી કંપની માટે લોન મેળવવાની વ્યવસ્થા સમજાવવામાં આવી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે આ મૂડીના આધારે કંપની આગામી પાંચ વર્ષમાં હજારો કરોડનું ટર્નઓવર કરશે અને તમામ રોકાણકારોને આકર્ષક નફો મળશે.
આ વિશ્વાસના આધારે ફરિયાદીએ પોતાની લોધિકા તાલુકાના વડવાજળી ગામે આવેલી બિનખેતીની જમીન બેંકમાં ગીરો મૂકી હતી. ત્યારબાદ અન્ય રોકાણકારોએ પણ પોતાની કિંમતી મિલકતો જામીનગીરી તરીકે આપી હતી, જેના આધારે કંપનીએ વિવિધ બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન અને કેશ ક્રેડિટ સુવિધા મેળવી હતી. માત્ર ફરિયાદી અને અન્ય એક રોકાણકારની મિલકતોના આધારે જ ધી કોઓપરેટિવ બેંક ઓફ રાજકોટમાંથી અંદાજે રૂ.40 કરોડની લોન મેળવવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
તપાસમાં સામે આવ્યું છે કે ટર્નરેસ્ટ રિસોર્સિસ ઉપરાંત મિરેકલ એન્ટરપ્રાઇઝ નામની અન્ય ભાગીદારી કંપની મારફતે પણ રોકાણકારો પાસેથી મોટી રકમ એકત્રિત કરવામાં આવી હતી. પરંતુ નક્કી કરાયેલા સમયગાળા બાદ રોકાણકારોને ન તો વચન મુજબનું વળતર આપવામાં આવ્યું અને ન જ તેમની મૂળ મૂડી પરત કરવામાં આવી. ઉપરાંત બેંકમાં ગીરો રાખેલી મિલકતો પણ મુક્ત કરાવવામાં આવી નહોતી, જેના કારણે રોકાણકારોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું.
ફરિયાદ અનુસાર આરોપીઓએ અનેક રોકાણકારોનો વિશ્વાસ જીતી કુલ રૂ.144 કરોડ 19 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. આ કેસને રાજકોટના ઇતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડીમાંનો એક માનવામાં આવી રહ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ EOWએ નાણાકીય વ્યવહારો, બેંક લોન, કંપનીના દસ્તાવેજો અને રોકાણકારોના નિવેદનોના આધારે તપાસ શરૂ કરી છે.
હાલ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આરોપીઓએ એકત્રિત કરેલી કરોડો રૂપિયાની રકમ ક્યાં વાપરી, કંપનીનો વાસ્તવિક વેપાર કેટલો હતો અને અન્ય કેટલા રોકાણકારો આ કૌભાંડનો ભોગ બન્યા છે. તપાસ દરમિયાન વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ રોકાણકારોને પણ અપીલ કરી છે કે ઊંચા અને અસામાન્ય વળતરના વચનો આપતી યોજનાઓમાં રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ ચકાસણી કરવી અને કાયદેસર દસ્તાવેજોની ખાતરી કર્યા બાદ જ નિર્ણય લેવો.