એજ્યુકેશન ગુજરાતમાં ખાનગી સ્કૂલો માટે કડક કાયદો! મંજૂરી વિના સ્કૂલ બંધ કરશો તો રૂ.20 લાખનો દંડ, વિધાનસભામાં આવશે સુધારા બિલ.
ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાના હેતુથી મહત્વપૂર્ણ કાયદાકીય સુધારા કરવા જઈ રહી છે. વર્ષ 1972ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમમાં વ્યાપક ફેરફારો કરતું સુધારા બિલ રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. નવા સુધારા મુજબ મંજૂરી વિના સ્કૂલ ચલાવવી, બોર્ડને જાણ કર્યા વગર સ્કૂલ બંધ કરી દેવી અથવા ભરતીમાં નિયમોનો ભંગ કરવો જેવી ગંભીર બાબતો સામે હવે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. દંડની રકમમાં અનેકગણો વધારો કરવાની સાથે કેટલીક જોગવાઈઓમાં જેલની સજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સુધારા બિલનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બોર્ડમાં નોંધણી વગર સ્કૂલ ચલાવતી સંસ્થાઓ સામેની કાર્યવાહી છે. નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ સંચાલક ગુજરાત શિક્ષણ બોર્ડની મંજૂરી વગર સ્કૂલ ચલાવતો ઝડપાશે તો તેને રૂ.10 લાખથી રૂ.15 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. સાથે જ એકથી બે વર્ષની જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. અગાઉ આવા ગુના માટે માત્ર રૂ.1થી 2 લાખ સુધીના દંડની જ જોગવાઈ હતી અને જેલની સજા ન હતી. સરકારનું માનવું છે કે આ કડક નિયમો ગેરકાયદે ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ પર અંકુશ લાવવામાં મદદરૂપ થશે.
સ્કૂલ સંચાલકો માટે બીજી મહત્વની જોગવાઈ સ્કૂલ બંધ કરવાની પ્રક્રિયાને લઈને કરવામાં આવી છે. હાલના નિયમો મુજબ કોઈપણ સ્કૂલ બંધ કરતા પહેલાં બોર્ડને ઓછામાં ઓછા છ મહિના અગાઉ જાણ કરીને મંજૂરી લેવી ફરજિયાત છે. જો કોઈ સંચાલક પૂર્વ મંજૂરી લીધા વગર અથવા બોર્ડને જાણ કર્યા વગર સ્કૂલ બંધ કરશે તો હવે તેના પર રૂ.20 લાખ સુધીનો દંડ તેમજ જેલની સજાની જોગવાઈ રહેશે. અગાઉ આ પ્રકારના ગુના માટે માત્ર રૂ.1,000નો દંડ હતો, જેને હવે ખૂબ જ કડક બનાવવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે આ નિયમથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને શિક્ષકોના હિતોનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકશે.
નવા સુધારા બિલમાં શિક્ષકો અને કર્મચારીઓના અધિકારોને પણ વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. હવે કોઈપણ સંચાલક યોગ્ય કારણ વિના શિક્ષક અથવા આચાર્યને સસ્પેન્ડ કરી શકશે નહીં. જો આવી કોઈ કાર્યવાહી થશે તો તેનો નિર્ણય ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 45 દિવસની અંદર લેવો ફરજિયાત રહેશે. ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરીને આચાર્ય અથવા શિક્ષકોની ગેરકાયદે નિમણૂક કરનાર સંચાલકો સામે પણ કડક કાર્યવાહી થશે. આ પ્રકારના ઉલ્લંઘન માટેનો દંડ રૂ.10 હજારથી વધારીને સીધો રૂ.10 લાખ કરવામાં આવ્યો છે.
ગ્રાન્ટેડ સ્કૂલોમાં બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી અંગે પણ સરકાર મોટો ફેરફાર લાવી રહી છે. ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી અગાઉથી જ કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવે છે. હવે વર્ગ-3ના કર્મચારીઓ એટલે કે ક્લાર્ક તથા સ્પેશ્યલ એજ્યુકેટર્સની ભરતી માટેના નિયમો, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને કાર્યપદ્ધતિ નક્કી કરવાની સંપૂર્ણ સત્તા પણ સરકાર પાસે રહેશે. સરકારનું કહેવું છે કે રાજ્યભરમાં ખાલી પડેલી જગ્યાઓને પારદર્શક રીતે ભરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુધારા બિલમાં પ્રથમ વખત સ્પેશ્યલ એજ્યુકેટર્સને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. વર્ષ 1972ના મૂળ અધિનિયમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા ખાસ શિક્ષકોનો કોઈ ઉલ્લેખ નહોતો. હવે નવા બિલમાં તેમની ભરતી, લાયકાત, નિમણૂક અને ફરજો અંગે સ્પષ્ટ જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. ઉપરાંત, અત્યાર સુધી ગ્રાન્ટેડ સ્કૂલોને 'ખાનગી સ્કૂલો' તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હવે તેમને 'સરકાર સહાયિત સ્કૂલો' તરીકે કાયદેસર દરજ્જો આપવામાં આવશે, જેથી તેમની વહીવટી સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે.
આ સમગ્ર સુધારા બિલનો મુખ્ય હેતુ રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને વધુ જવાબદાર, પારદર્શક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાનો છે. મંજૂરી વિના સ્કૂલ ચલાવવી કે બંધ કરવી જેવી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ આવશે, શિક્ષકોના હકોનું રક્ષણ થશે અને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા આવશે. જો આ બિલ વિધાનસભામાં પસાર થશે તો ગુજરાતની શાળા શિક્ષણ વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ફેરફાર તરીકે તેની નોંધ લેવાશે.