જાહેરાત
તાજા સમાચાર
શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૧૬ | દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી | નખત્રાણામાં ભયાનક બ્લાસ્ટઃ છોટા હાથીની ડીઝલ ટાંકીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત | ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2 મોતઃ મૃત્યુઆંક 11 થયો, 26 દર્દીઓને સારવાર બાદ રજા | અંબાજી મંદિરમાં રાજુલાના માઈભક્તની અનોખી ભક્તિઃ મા અંબાના ચરણોમાં ₹82,800ની ચાંદીની પાદુકા અર્પણ | ₹15 હજારની આવક અને ₹975 કરોડની ટેક્સ નોટિસ! અજમેરના દરજીને હચમચાવી દેનારો મામલો | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતીમાં મોટી રાહત! ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Jioની મોટી જાહેરાત! ₹300માં મળશે Prime મેમ્બરશિપ | Appleમાં મોટી છટણીઃ 200થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ, Siri અને Vision Pro ટીમો પર અસર | હવે દવાઓ પણ નકલી? ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓ પર તંત્રના દરોડા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૮૩ વાર જોવાયેલ 2 મહિના પેહલા

મારું ગુજરાત રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકનો પ્રજાલક્ષી નિર્ણય: હવે પોલીસ કમિશનરથી PI સુધીના અધિકારીઓ દરરોજ બે કલાક નાગરિકોને સાંભળશે.

રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકનો પ્રજાલક્ષી નિર્ણય: હવે પોલીસ કમિશનરથી PI સુધીના અધિકારીઓ દરરોજ બે કલાક નાગરિકોને સાંભળશે.

રાજ્યના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા G. S. Malik દ્વારા મહત્વપૂર્ણ કચેરી હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ પોલીસ તંત્રને વધુ પ્રજાલક્ષી, જવાબદાર અને સુલભ બનાવવાનો છે, જેથી સામાન્ય નાગરિકોને પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગર સ્થિત ડીજીપી કચેરી કે સચિવાલય સુધી ધક્કા ખાવા ન પડે.

નવી વ્યવસ્થા અનુસાર હવે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટેશનના થાણા અમલદારો માટે દરરોજ બે કલાકનો સમય નાગરિકોની રજૂઆતો સાંભળવા માટે ફરજિયાત ફાળવવામાં આવ્યો છે. પોલીસ કમિશનરો, સંયુક્ત પોલીસ કમિશનરો, અધિક પોલીસ કમિશનરો, નાયબ પોલીસ કમિશનરો, મદદનીશ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષકો સહિતના અધિકારીઓએ દરરોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પોતાની કચેરીમાં હાજર રહી અરજદારોને રૂબરૂ મળવાનું રહેશે.

જો કોઈ અનિવાર્ય કારણસર મુખ્ય અધિકારી હાજર ન હોય તો કચેરીના સિનિયર અધિકારી અથવા રીડર દ્વારા અરજદારોની અરજી સ્વીકારી તેને તાત્કાલિક અધિકારીના ધ્યાન પર મૂકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આથી કોઈ અરજદારને નિરાશ થઈને પરત ફરવું નહીં પડે.

પોલીસ સ્ટેશન સ્તરે પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટરો સામાન્ય રીતે સવારે કોર્ટની કામગીરી, તપાસ અને અન્ય વહીવટી ફરજોમાં વ્યસ્ત રહેતા હોવાથી તેમના માટે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન દરેક પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહી નાગરિકોની ફરિયાદો સાંભળવાની અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની રહેશે.

રાજ્યના પોલીસ વડાએ અરજીઓના નિકાલ માટે સ્પષ્ટ સમયમર્યાદા પણ નક્કી કરી છે. આર્થિક ગુનાઓ, વૈવાહિક અને પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો નિકાલ મહત્તમ 6 અઠવાડિયામાં કરવાનો રહેશે. જ્યારે અન્ય તમામ સામાન્ય અરજીઓનો નિકાલ 15 દિવસની અંદર લાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

પારદર્શિતા અને જવાબદારી વધારવાના હેતુથી દરેક કચેરીમાં અરજદારોની વિગતો નોંધવા માટે અલગ રજિસ્ટર રાખવાનું પણ ફરજિયાત બનાવાયું છે. સાથે જ અરજીની તપાસ દરમિયાન જો કોઈ સંજ્ઞેય ગુનો (Cognizable Offence) બનતો હોવાનું જણાય તો તાત્કાલિક અસરથી FIR નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

તાજેતરમાં રાજ્ય જનસંપર્ક કેન્દ્ર અને પોલીસ ભવન ખાતેના જનસંપર્ક કાર્યાલયની મુલાકાત દરમિયાન પણ ડીજીપી જી.એસ. મલિકે સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગર સુધી આવવાની ફરજ ન પડે અને જિલ્લા કક્ષાએ જ ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી એ પોલીસ તંત્રની પ્રાથમિકતા છે.

આ નિર્ણયને પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસના સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્તરે ઝડપી ન્યાય, જવાબદાર પોલીસિંગ અને સમયબદ્ધ ફરિયાદ નિવારણ દ્વારા રાજ્યમાં વધુ લોકભોગ્ય અને લોકકેન્દ્રિત પોલીસ વ્યવસ્થા ઉભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ