આંતરરાષ્ટ્રીય ‘લોકલથી ગ્લોબલ’ સુધી ગુજરાતની હસ્તકલાની ઉડાન.
હસ્તકલા સેતુ યોજનાથી ₹102 કરોડનું વેચાણ, 50 હજારથી વધુ રોજગારીનું સર્જન
21,690થી વધુ કારીગરોની નોંધણી, 82 ટકા મહિલાઓને મળ્યો લાભ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પરંપરાગત કલા-કારીગરીને મળ્યું નવું વૈશ્વિક પ્લેટફોર્મ
ગાંધીનગર:
ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા પરંપરા અને વારસાગત કલા-કારીગરીને વૈશ્વિક ઓળખ અપાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ‘હસ્તકલા સેતુ યોજના’ આજે હજારો કારીગરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે શરૂ કરેલી આ યોજના રાજ્યના કલા-કારીગરોને સ્થાનિક બજારથી વૈશ્વિક બજાર સુધી પહોંચાડવામાં સફળ રહી છે.
વર્ષ 2020માં શરૂ થયેલી આ યોજના રાજ્યના પરંપરાગત હસ્તકલા ક્ષેત્રને નવી દિશા અને ગતિ આપવાના હેતુથી અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં ત્રણ વર્ષ માટે રચાયેલી આ યોજના કોવિડ-19 મહામારીને કારણે વર્ષ 2025-26 સુધી વિસ્તૃત કરવામાં આવી હતી. યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી અંદાજે ₹58 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં સફળ અમલીકરણ

હસ્તકલા સેતુ યોજનાનું અમલીકરણ રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે. કુટિર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી દ્વારા યોજનાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન નોલેજ પાર્ટનર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 21,690થી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી છે. તેમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કુલ લાભાર્થીઓમાં 82 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે, જે મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
સામાજિક સમરસતાના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો લાભાર્થીઓમાં 21 ટકા અનુસૂચિત જાતિના, 20 ટકા અનુસૂચિત જનજાતિના અને 34 ટકા અન્ય પછાત વર્ગના કારીગરોનો સમાવેશ થાય છે.
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા પર વિશેષ ભાર
હસ્તકલા સેતુ યોજના માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ કારીગરોને આત્મનિર્ભર બનાવવા માટે વ્યાપક તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

યોજના હેઠળ અત્યાર સુધીમાં 15,586 કારીગરોને ઉદ્યોગસાહસિકતા વિકાસની તાલીમ આપવામાં આવી છે, જ્યારે 9,292 કારીગરોને તેમની વિશિષ્ટ કલા અને વ્યવસાય સંબંધિત કૌશલ્ય વિકાસ તાલીમ આપવામાં આવી છે.
કારીગરોને સતત માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્યભરમાં 70થી વધુ માસ્ટર ટ્રેનર્સ અને 150થી વધુ મેન્ટર્સનું મજબૂત નેટવર્ક પણ ઉભું કરવામાં આવ્યું છે.
ડિજિટલ માર્કેટિંગથી વૈશ્વિક બજાર સુધી પહોંચ
આજના ડિજિટલ યુગમાં બજાર સાથે સીધું જોડાણ સફળતાની ચાવી માનવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યોજના હેઠળ 9,300 જેટલા કારીગરોને B2B ઓર્ડર દ્વારા સીધા ખરીદદારો અને બજારો સાથે જોડવામાં આવ્યા છે.
તે ઉપરાંત 7 B2B મીટ અને 4 ફેશન શોનું આયોજન કરીને કારીગરો, ડિઝાઇનરો અને ઉદ્યોગજગત વચ્ચે મજબૂત જોડાણ ઊભું કરવામાં આવ્યું છે.

રાજ્યના 2,000થી વધુ કારીગરોને ડિજિટલ માર્કેટિંગની વિશેષ તાલીમ આપી તેમને Amazon, Flipkart, Meesho અને Etsy જેવા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યા છે.
₹102.08 કરોડનું વેચાણ અને 50 હજારથી વધુ રોજગારી
યોજનાની સૌથી મોટી સફળતા તેના આર્થિક પરિણામોમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં હસ્તકલા સેતુ યોજના હેઠળ કુલ ₹102.08 કરોડનું વેચાણ નોંધાયું છે.
આ ઉપરાંત 50,000થી વધુ રોજગારીના નવા અવસરોનું સર્જન થયું છે, જ્યારે 5,900થી વધુ કાર્યરત કારીગરોને વધારાની સહાય અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું છે.
કારીગરોની આવકમાં નોંધપાત્ર વધારો
યોજનાના અમલીકરણ પહેલાં માત્ર 9 ટકા કારીગરો જ માસિક ₹15,000થી વધુ આવક મેળવતા હતા. પરંતુ આજે આ આંકડો વધીને 50 ટકા સુધી પહોંચી ગયો છે.
તે જ રીતે હસ્તકલાને આવકના મુખ્ય સ્ત્રોત તરીકે અપનાવનારા કારીગરોની સંખ્યા 20 ટકાથી વધીને 45 ટકા થઈ છે. હાલમાં 73 ટકા કારીગરો પ્રદર્શનો, મેળાઓ અને વિવિધ બજાર પ્લેટફોર્મ દ્વારા સીધા ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે.
પડકારો છતાં સફળતાની ગાથા
યોજનાના અમલીકરણ દરમિયાન કેટલાક પડકારો પણ સામે આવ્યા હતા. જેમાં દસ્તાવેજોની અછત, નાણાકીય પ્રક્રિયામાં વિલંબ, આધુનિક ટેક્નોલોજી અપનાવવામાં સંકોચ તથા અસરકારક માર્કેટિંગ માળખાની ખામીનો સમાવેશ થાય છે.

પરંતુ રાજ્ય સરકારે ટેક્નોલોજી અપગ્રેડેશન, ડિઝાઇન ઇનોવેશન, બજાર વૈવિધ્યતા અને જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપી આ પડકારોને સફળતાપૂર્વક દૂર કર્યા છે.
સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ
હસ્તકલા સેતુ યોજના માત્ર સરકારી સહાય યોજના નથી, પરંતુ ગુજરાતના પરંપરાગત કલા વારસાને નવી ઓળખ આપતી એક પરિવર્તનકારી પહેલ બની છે. આ યોજનાએ હજારો પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવાની સાથે રાજ્યની સાંસ્કૃતિક ઓળખને પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરી છે.
‘લોકલથી ગ્લોબલ’ સુધીની આ સફળ યાત્રા ગુજરાતના કારીગરોની મહેનત, સરકારના દૃઢ સંકલ્પ અને આત્મનિર્ભર ભારતના વિઝનનું જીવંત ઉદાહરણ બની રહી છે. આજે હસ્તકલા સેતુ યોજના માત્ર રોજગારીનું સાધન નહીં, પરંતુ ગુજરાતની ગૌરવશાળી પરંપરા અને સર્જનાત્મકતાને વિશ્વના નકશા પર વધુ મજબૂત રીતે સ્થાપિત કરતું એક સશક્ત માધ્યમ બની છે.