આંતરરાષ્ટ્રીય ટ્રમ્પનો AIના જોખમો અંગે દાવો: ‘AI નહીં, તેના પર લગાવાયેલા નિયંત્રણો ચીનને ફાયદો કરાવશે’
વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ સાથે તેના સંભવિત જોખમો અને માનવજાતના ભવિષ્ય અંગે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે AIને લઈને વ્યક્ત થતી અનેક આશંકાઓને ફગાવી દીધી છે. ટ્રમ્પે AI પર કડક નિયંત્રણો અને નિયમો લાદવાના પ્રયાસોનો વિરોધ કરતાં તેને અમેરિકાની આર્થિક પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ ટેક્નોલોજી ગણાવી છે.
ટ્રમ્પે AI માનવતાને નષ્ટ કરી શકે છે અથવા રોબોટ્સ શહેરો પર કબજો કરી શકે છે તેવી આશંકાઓને પાયાવિહોણી ગણાવી છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર તેમણે AI અંગે ફેલાવવામાં આવતી આવી વાતોને ષડયંત્ર ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું કે કેટલાક લોકો AIને લઈને એવો ડર ફેલાવી રહ્યા છે, જે અગાઉ અન્ય વૈશ્વિક મુદ્દાઓ અંગે પણ જોવા મળ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો કે તેઓ આ ‘નવા ઢોંગ’નો પર્દાફાશ કરશે.
ટ્રમ્પના મતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર્સ આગામી સમયમાં માનવ ઇતિહાસના સૌથી મોટા આર્થિક ગ્રોથ એન્જિન બની શકે છે. તેમણે દાવો કર્યો કે AIનું વૈશ્વિક માર્કેટ ક્રૂડ ઓઇલ, સોનું, હીરા અને ઇન્ટરનેટ કરતાં પણ વિશાળ બની શકે છે. આ કારણે અમેરિકાએ AI ક્ષેત્રમાં વિકાસની ગતિ જાળવી રાખવી જરૂરી છે અને વધુ પડતા નિયમો કે મંજૂરીની પ્રક્રિયા ટેક્નોલોજીકલ સ્પર્ધાને નુકસાન પહોંચાડી શકે છે.
ટ્રમ્પે ખાસ કરીને ચીનનો ઉલ્લેખ કરીને કહ્યું કે ચીન AIના વિકાસમાં અવરોધો ઊભા કરવા માગતું નથી. તેમના જણાવ્યા મુજબ, જો અમેરિકા AI ક્ષેત્રમાં કડક કાયદા અને નિયમો લાગુ કરશે તો તેનો સીધો લાભ ચીનને મળી શકે છે. ટ્રમ્પે એવી પણ દલીલ કરી કે અમેરિકાની અગ્રણી ટેક કંપનીઓ માટે કડક નિયમો અને મંજૂરી પ્રક્રિયા મુશ્કેલી ઊભી કરી શકે છે, જ્યારે અન્ય દેશો વધુ ઝડપથી AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી શકે છે.
આ મુદ્દે ટ્રમ્પનો અભિગમ સ્પષ્ટ છે કે AIને રોકવા કરતાં તેના વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમના મતે AI અને ડેટા સેન્ટર્સમાં મોટા પાયે રોકાણથી નવી નોકરીઓ, ટેક્નોલોજી અને આર્થિક વિકાસને વેગ મળી શકે છે. જોકે AIની સુરક્ષા, ગોપનીયતા અને માનવ નિયંત્રણ અંગે વિશ્વભરમાં ચર્ચા યથાવત છે. હવે અમેરિકામાં AIના ઝડપી વિકાસ અને તેને નિયંત્રિત કરવાના પ્રયાસો વચ્ચે સંતુલન કેવી રીતે જળવાય છે તે આગામી સમયમાં મહત્વપૂર્ણ બનશે.