ક્રાઇમ જામનગર-ધ્રોલ માર્ગે ખનીજ વિભાગનો સપાટો: ૬ ડમ્પર સહિત રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે.
જામનગર: જામનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને ખનીજ વહન કરતા તત્વો સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. જામનગર-ધ્રોલ માર્ગ પર હાથ ધરવામાં આવેલી ખાસ ચેકિંગ કામગીરી દરમિયાન ખનીજ વિભાગની ટીમે ૬ ડમ્પર વાહનો ઝડપી પાડ્યા હતા. જેમાં ઓવરલોડિંગ તેમજ ગેરકાયદે ખનીજ વહન સામે કાર્યવાહી કરી વાહનો અને ખનીજ સહિત કુલ રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, જામનગરના ભૂસ્તરશાસ્ત્રીશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા જામનગર-ધ્રોલ રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ખનીજ ભરેલા વાહનોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક ડમ્પરમાં બ્લેકટ્રેપ ખનીજનો જથ્થો રોયલ્ટી પાસમાં દર્શાવેલા પ્રમાણ કરતા વધુ હોવાનું એટલે કે ઓવરલોડિંગ હોવાનું સામે આવ્યું હતું.
આથી નિયમોના ભંગ બદલ સંબંધિત વાહન માલિક સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વધુ તપાસ દરમિયાન સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરતા અન્ય પાંચ ડમ્પર પણ ઝડપાયા હતા. ખનીજ વિભાગની ટીમે તમામ વાહનોને અટકાવી તેમાં ભરેલા ખનીજ જથ્થા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ખનીજ વિભાગ દ્વારા કુલ ૬ ડમ્પર વાહનો તથા તેમાં ભરેલા બ્લેકટ્રેપ અને સાદી રેતીના જથ્થાને કબજે કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા તમામ વાહનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પંચ બી પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
ખનીજ વિભાગના જણાવ્યા મુજબ, આ સમગ્ર કાર્યવાહીમાં વાહનો અને ખનીજ સહિત અંદાજે રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખનીજ ચોરી અને ગેરકાયદે વહન સામેની આ મોટી કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત તેમજ અલગ અલગ ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રેતી, બ્લેકટ્રેપ અને અન્ય ખનીજોના ગેરકાયદે પરિવહન સામે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
સત્તાવાર માહિતી મુજબ, તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬થી ૩૦ જૂન ૨૦૨૬ સુધીના છેલ્લા છ મહિનાના સમયગાળામાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા કુલ ૧૭૪ કેસ નોંધવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા આશરે રૂ. ૨૨૩ લાખ એટલે કે રૂ. ૨.૨૩ કરોડના દંડની વસુલાત કરવામાં આવી છે.
ખનીજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં કુદરતી સંપત્તિનું ગેરકાયદે ખનન અને વહન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોને જપ્ત કરી દંડાત્મક પગલાં લેવામાં આવશે.