મારું શહેર અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું ભક્તિનગર સ્ટેશન, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય અનુભવ.
રાજકોટ: રાજકોટ શહેરના હૃદય સમાન ભક્તિનગર રેલવે સ્ટેશનનો હવે આધુનિક સુવિધાઓ સાથે ભવ્ય કાયાકલ્પ કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત ભક્તિનગર રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય પૂર્ણતાના આરે પહોંચ્યું છે. રૂ. 26.80 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આધુનિક સ્ટેશનમાં મુસાફરોને એરકન્ડિશન્ડ પ્રતીક્ષાલયથી લઈને આધુનિક ફૂટ ઓવર બ્રિજ, લિફ્ટ, પાર્કિંગ, ગાર્ડન સહિતની વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ભક્તિનગર રેલવે સ્ટેશન સૌરાષ્ટ્ર વિસ્તારનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વ્યાપારી રેલવે કેન્દ્ર છે. રાજકોટ શહેરની મધ્યમાં આવેલા આ સ્ટેશન પરથી દરરોજ આશરે 6,900 મુસાફરોની અવરજવર થાય છે. મુસાફરોની વધતી જતી સંખ્યા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટેશનનો આધુનિક ધોરણે વિકાસ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે કુલ રૂ. 26.80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેશન ભવનના વિકાસ માટે રૂ. 11.81 કરોડ અને નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે રૂ. 14.99 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સ્ટેશનનું ઉદ્ઘાટન આગામી દિવસોમાં પ્રસ્તાવિત છે, ત્યારબાદ મુસાફરો આ તમામ સુવિધાઓનો સંપૂર્ણ લાભ મેળવી શકશે.
પુનર્વિકસિત ભક્તિનગર સ્ટેશનમાં મુસાફરોની સુવિધા અને સુલભતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્લેટફોર્મ નંબર-1 પર કોટા સ્ટોન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે પ્લેટફોર્મ નંબર-2 અને 3 પર વધારાના કવર શેડ બનાવવામાં આવ્યા છે. સ્ટેશન ભવનને આધુનિક એસીપી ક્લેડિંગથી આકર્ષક દેખાવ આપવામાં આવ્યો છે. મુસાફરો માટે અલગ પ્રવેશ અને નિકાસ માર્ગ પણ વિકસાવવામાં આવ્યા છે.
સ્ટેશન ભવનના આશરે 8,600 ચોરસ ફૂટ વિસ્તારમાં આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે 2,760 ચોરસ ફૂટ વિસ્તારમાં વિશાળ કોનકોર્સ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોનકોર્સ હોલ મુસાફરોની સરળ અવરજવર અને રાહ જોવાની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
મુસાફરો માટે મહિલા અને પુરુષો માટે અલગ એરકન્ડિશન્ડ વેઇટિંગ રૂમ, આધુનિક વીઆઈપી રૂમ, અદ્યતન સ્વચ્છતા સુવિધાઓ, આધુનિક સાઈનેજ અને વે-ફાઈન્ડિંગ સિસ્ટમ, શ્રેષ્ઠ લાઇટિંગ તેમજ વેન્ટિલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધાઓના કારણે મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાયુક્ત અનુભવ મળશે.
સ્ટેશન પરિસરને વધુ આકર્ષક અને પર્યાવરણમિત્ર બનાવવા માટે આશરે 25,685 ચોરસ ફૂટ વિસ્તારમાં ગાર્ડન અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે. મુસાફરો માટે ટેન્સાઈલ રૂફ પોર્ચ, ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટે વ્યવસ્થિત પાર્કિંગ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે અલગ પાર્કિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર વિશેષ સુવિધાઓ ઉમેરવામાં આવી છે. જેમાં દિવ્યાંગજન અનુકૂળ રેમ્પ, ટેક્ટાઈલ ટાઈલ્સ, આધુનિક મોડ્યુલર શૌચાલય, 1 લાખ લીટર ક્ષમતાનો ભૂગર્ભ જળ સંપ અને 50 હજાર લીટર ક્ષમતાની ઓવરહેડ આર.સી.સી. પાણીની ટાંકીનો સમાવેશ થાય છે.
મુસાફરોની અવરજવર સરળ બનાવવા માટે 12 મીટર પહોળા મુખ્ય ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વેરાવળ દિશા તરફ 3.66 મીટર પહોળા વધારાના ફૂટ ઓવર બ્રિજની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. સ્ટેશન પર 20 મુસાફરોની ક્ષમતા ધરાવતી ચાર આધુનિક લિફ્ટ પણ સ્થાપિત કરવામાં આવી છે.
આ લિફ્ટની સુવિધાથી વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો, ગર્ભવતી મહિલાઓ તેમજ નાના બાળકો સાથે મુસાફરી કરતા મુસાફરોને ખાસ રાહત મળશે. મુસાફરોને પ્લેટફોર્મ બદલવા માટે હવે સીડી પર નિર્ભર રહેવું નહીં પડે.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ભક્તિનગર સ્ટેશનનો પુનર્વિકાસ રાજકોટ ડિવિઝનની આધુનિક, સુરક્ષિત અને મુસાફર કેન્દ્રિત રેલવે વ્યવસ્થા વિકસાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સ્ટેશન પર વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ માત્ર મુસાફરોની મુસાફરીને સરળ અને આરામદાયક બનાવશે નહીં, પરંતુ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ઔદ્યોગિક, વ્યાપારિક અને સામાજિક વિકાસને પણ નવી ગતિ આપશે.
ભક્તિનગર રેલવે સ્ટેશનના આ આધુનિક રૂપાંતરણથી રાજકોટ શહેરની રેલવે સુવિધામાં મહત્વપૂર્ણ વધારો થશે અને સૌરાષ્ટ્રના મુસાફરો માટે વધુ સુવિધાજનક તથા સુરક્ષિત મુસાફરીનો નવો અધ્યાય શરૂ થશે.