મારું શહેર નીલકંઠ મહાદેવથી રાધાકૃષ્ણ મંદિર માર્ગ પર ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, એક મહિનાથી ગંદકી અને દુર્ગંધનો ત્રાસ
નીલકંઠ મહાદેવ મંદિરથી રાધાકૃષ્ણ મંદિર સુધીના માર્ગ પર છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. રસ્તા પર સતત ગંદુ પાણી ભરાઈ રહેતાં મંદિરે દર્શન માટે આવતા ભક્તો, રાહદારીઓ તેમજ આસપાસના સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે.
વિસ્તારના રહેવાસીઓ અને મંદિરના ભક્તોના જણાવ્યા મુજબ, આ સમસ્યાનું મુખ્ય કારણ નીલકંઠ મહાદેવ મંદિરની પાછળ આવેલા સરકારી ન્હાવાના હોજમાંથી વારંવાર બહાર છોડવામાં આવતું પાણી હોવાનું માનવામાં આવે છે. તેમના જણાવ્યા અનુસાર હોજનું પાણી બહાર છોડવામાં આવતા ગટર ઓવરફ્લો થઈ જાય છે અને ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને સ્વચ્છતા પર ગંભીર અસર પડે છે.
ભક્તોએ જણાવ્યું કે મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ગંદા પાણી વચ્ચેથી પસાર થવું પડે છે, જેના કારણે ભારે અસુવિધા ઉભી થાય છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ચાલવામાં મુશ્કેલી પડે છે. વરસાદી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની જાય છે અને રસ્તો કાદવ તથા ગંદા પાણીથી ભરાઈ જતાં અકસ્માતનો ભય પણ રહે છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી આ સમસ્યા યથાવત છે, છતાં સંબંધિત વિભાગ દ્વારા કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે તંત્રને ગટર વ્યવસ્થાની તાત્કાલિક સફાઈ, હોજમાંથી છોડવામાં આવતા પાણીની યોગ્ય વ્યવસ્થા અને કાયમી ડ્રેનેજ ઉકેલ લાવવા માંગ કરી છે.
સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેઓ સંબંધિત અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરશે. લોકોની માંગ છે કે ધાર્મિક સ્થળ તરફ જતો આ માર્ગ સ્વચ્છ અને અવરજવર માટે સુરક્ષિત બને, જેથી ભક્તો અને સ્થાનિકોને ગંદકી તથા દુર્ગંધમાંથી મુક્તિ મળી શકે.