મારું શહેર મહુન્દ્રાના પ્રાકૃતિક ખેતી ફાર્મે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: ‘ભવિષ્યની પેઢી અને જમીનના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ’
ગાંધીનગર જિલ્લાના મહુન્દ્રા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ યુવા ખેડૂત અલ્પેશ પટેલના મોડેલ ફાર્મની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘બેક ટુ બેઝિક’ના વિચારને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાના નવતર પ્રયાસરૂપે મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લેવાની પહેલ હાથ ધરી છે. મુલાકાત દરમિયાન તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌશાળાની કામગીરી અને ખેતીની વિવિધ પદ્ધતિઓની વિસ્તૃત માહિતી મેળવી હતી. સાથે જ ગામના ખેડૂતો અને ગ્રામજનો સાથે ખાટલે બેસીને સહજ સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને અનુભવો પણ સાંભળ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભવિષ્યની પેઢીને સ્વસ્થ જીવન આપવું હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવવી સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને માનવ આરોગ્ય પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી કરવાની પદ્ધતિ નથી, પરંતુ તે માનવજાત, જમીન અને પર્યાવરણના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો એક સેવા યજ્ઞ છે. તેમણે ખેડૂતોને વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.
જમીનમાં સતત ઘટી રહેલા કાર્બનના પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જમીનની ગુણવત્તા જાળવવા માટે કાર્બનનું પ્રમાણ વધારવું અત્યંત જરૂરી છે. જમીનનું સ્વાસ્થ્ય સુધરશે તો પાકની ગુણવત્તા પણ સુધરશે અને લોકો સુધી પૌષ્ટિક તથા રસાયણમુક્ત ખોરાક પહોંચશે. તેમણે જણાવ્યું કે રોગમુક્ત સમાજના નિર્માણ માટે પણ પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ સાધન બની શકે છે. સાથે જ દરેક નાગરિકને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે પોતાની જવાબદારી નિભાવવાની અપીલ પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પાણીની અછત અને અનિયમિત વરસાદ જેવી પડકારજનક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘અમૃત સરોવર’ અને ‘ખેત તલાવડી’ જેવી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ રહી છે. ગુજરાતમાં પણ ‘સુજલામ સુફલામ’ યોજના હેઠળ પાણીના સંગ્રહને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે અગાઉ તળાવો ભરવા માટે 3 કિલોમીટરની મર્યાદા હતી, જેને વધારીને હવે 7 કિલોમીટર કરવામાં આવી છે, જેથી વધુ વિસ્તારોમાં પાણીનો સંગ્રહ થઈ શકે અને ખેડૂતોને લાંબા ગાળે લાભ મળે.
પ્રાકૃતિક ખેતીની સાથે પર્યાવરણ સંરક્ષણના મુદ્દે પણ મુખ્યમંત્રીશ્રીએ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ભારત ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને વિશ્વ સાથે કદમ મિલાવી રહ્યું છે. તેમણે લોકોને રોજિંદા જીવનમાં પણ પર્યાવરણને અનુકૂળ ફેરફારો અપનાવવાની અપીલ કરતાં શાકભાજી અને અન્ય વસ્તુઓની ખરીદીમાં પ્લાસ્ટિકની કોથળીઓના બદલે કાગળની થેલીઓનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર ઉદ્યોગ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવીને વિકાસના માર્ગે આગળ વધી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.
સંવાદ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કરીને રસાયણમુક્ત ખેતીથી મળતા લાભોની માહિતી આપી હતી. ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા જાળવવામાં સહાય અને આરોગ્યપ્રદ પાકનું ઉત્પાદન જેવા અનેક લાભો મળતા હોવાની વિગતો રજૂ કરવામાં આવી હતી. તેમણે કૃષિ વિભાગ, કૃષિ વૈજ્ઞાનિકો અને સરકારી અધિકારીઓ દ્વારા મળતા માર્ગદર્શનની પણ પ્રશંસા કરી હતી, જેના કારણે પ્રાકૃતિક ખેતીનું ક્ષેત્ર સતત વિસ્તરી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહુન્દ્રા ગામ ઉપરાંત શિવપુરા કંપા ખાતે પ્રગતિશીલ ખેડૂત શાંતિલાલભાઈ પટેલના મોડેલ ફાર્મની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, ઇન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી હસરત જાસ્મિન, જિલ્લા ખેતીવાડી અધિકારી શશિકાંત પટેલ, જિલ્લા બાગાયત અધિકારી હેતલબેન, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર વરમોરા સહિત વિવિધ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીને રાજ્યના કૃષિ વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્રબિંદુ બનાવવા અને વધુમાં વધુ ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.