જાહેરાત
તાજા સમાચાર
દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી | નખત્રાણામાં ભયાનક બ્લાસ્ટઃ છોટા હાથીની ડીઝલ ટાંકીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત | ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2 મોતઃ મૃત્યુઆંક 11 થયો, 26 દર્દીઓને સારવાર બાદ રજા | અંબાજી મંદિરમાં રાજુલાના માઈભક્તની અનોખી ભક્તિઃ મા અંબાના ચરણોમાં ₹82,800ની ચાંદીની પાદુકા અર્પણ | ₹15 હજારની આવક અને ₹975 કરોડની ટેક્સ નોટિસ! અજમેરના દરજીને હચમચાવી દેનારો મામલો | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતીમાં મોટી રાહત! ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Jioની મોટી જાહેરાત! ₹300માં મળશે Prime મેમ્બરશિપ | Appleમાં મોટી છટણીઃ 200થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ, Siri અને Vision Pro ટીમો પર અસર | હવે દવાઓ પણ નકલી? ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓ પર તંત્રના દરોડા. | ગુજરાત પોલીસમાં મોટો બદલી નિર્ણય: પતિ-પત્નીના કેસમાં 415 કર્મચારીઓની એકસાથે બદલી |
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૫૭ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ઈન્ડિયા સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને મળશે નવી ઓળખ: IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ રિસર્ચ અને ટ્રેનિંગ હબ.

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને મળશે નવી ઓળખ: IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ રિસર્ચ અને ટ્રેનિંગ હબ.

5 વર્ષમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ અપાશે

ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવા અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના કેન્દ્ર સરકારના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને ભારત સરકારના સહયોગથી ટૂંક સમયમાં IIT ગાંધીનગર ખાતે સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ (SAMARTH) શરૂ કરવામાં આવશે. આ અત્યાધુનિક કેન્દ્ર ગુજરાતના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ, સંશોધકો તેમજ ઉદ્યોગોમાં કાર્યરત પ્રોફેશનલ્સ માટે આધુનિક તાલીમ, સંશોધન અને કૌશલ્ય વિકાસનું કેન્દ્ર બનશે. રાજ્યને માત્ર સેમિકન્ડક્ટર ઉત્પાદનનું જ નહીં પરંતુ કુશળ માનવબળ અને નવીનતાનું પણ હબ બનાવવાનો આ મહત્વાકાંક્ષી પ્રયાસ છે.

ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દીર્ઘદૃષ્ટિ રજૂ કરી છે, તેને સાકાર કરવા માટે ગુજરાતમાં ઝડપથી કામગીરી થઈ રહી છે. રાજ્યમાં મોટા ઔદ્યોગિક રોકાણો આકર્ષવાની સાથે સાથે આ ક્ષેત્ર માટે જરૂરી કુશળ માનવબળ તૈયાર કરવું પણ એટલું જ મહત્વનું માનવામાં આવ્યું છે. આ હેતુસર ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ તેમજ IIT ગાંધીનગરના સંયુક્ત સહયોગથી કુલ રૂ. 190 કરોડના ખર્ચે ‘સમર્થ’ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી રહી છે. કેન્દ્ર માટે જરૂરી અદ્યતન સાધનોની ખરીદી, લેબોરેટરીઓના વિકાસ અને બાંધકામ માટેની પ્રક્રિયા IIT ગાંધીનગર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

‘સમર્થ’નો મુખ્ય ઉદ્દેશ માત્ર તાલીમ આપવાનો નથી, પરંતુ ભારતમાં વિશ્વસ્તરીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે. અહીં એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને એવી તાલીમ આપવામાં આવશે કે તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીધા જ સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોમાં કાર્ય કરવા માટે ‘ફેબ-રેડી’ બની શકે. આ ઉપરાંત એન્જિનિયરિંગ કોલેજોના પ્રોફેસર્સને નવી ટેક્નોલોજી અને સંશોધન અંગે અપડેટ કરવામાં આવશે, જ્યારે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કાર્યરત પ્રોફેશનલ્સને અપસ્કિલિંગ માટે વિશેષ કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ભાગીદારી દ્વારા સંશોધન, નવીનતા અને ટેક્નોલોજી ટ્રાન્સફરને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

 

આ પ્રોજેક્ટને વધુ વ્યાપક બનાવવા માટે IIT ગાંધીનગર રાજ્યની વિવિધ એન્જિનિયરિંગ કોલેજો સાથે સમજૂતી કરાર (MoU) કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સહયોગથી ગુજરાતના વિદ્યાર્થીઓને નજીવા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાની તાલીમ મેળવવાની તક મળશે. કેન્દ્રમાં ટૂંકા ગાળાના સ્પેશિયલાઇઝ્ડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે, જ્યારે સમર સ્કૂલ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને શરૂઆતથી જ સેમિકન્ડક્ટર ક્ષેત્રની તકો વિશે માહિતગાર કરવામાં આવશે. પરિણામે વિદ્યાર્થીઓમાં આ ક્ષેત્ર પ્રત્યે રસ વધશે અને ભવિષ્ય માટે જરૂરી કૌશલ્ય વિકસશે.

આગામી પાંચ વર્ષમાં ‘સમર્થ’ દ્વારા આશરે 10 હજારથી વધુ લોકોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચ.ડી.ના 5,600 વિદ્યાર્થીઓ, વોકેશનલ અને ટેક્નિકલ અભ્યાસક્રમના 1,500 ટેક્નિશિયન, સર્ટિફિકેટ કોર્સ હેઠળ 1,000 ઉમેદવારો, ઉપરાંત 230 ફેકલ્ટી સભ્યો અને 230 ઉદ્યોગ નિષ્ણાતોને વિશેષ તાલીમ આપવામાં આવશે. સમર સ્કૂલ અને એક દિવસીય એક્સપોઝર કાર્યક્રમો દ્વારા વધુ 2,700થી વધુ વિદ્યાર્થીઓને આ ક્ષેત્ર અંગે માહિતગાર કરવામાં આવશે. આ રીતે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે મજબૂત અને કુશળ વર્કફોર્સ તૈયાર કરવાનો માર્ગ મોકળો બનશે.

‘સમર્થ’માં વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહીં નેનો ફેબ્રિકેશન, CMOS પ્રોસેસિંગ, ડિવાઇસ પ્રોસેસ કેરેક્ટરાઇઝેશન, સેમિકન્ડક્ટર પ્રોસેસ અને ડિવાઇસ ડિઝાઇન, ડિવાઇસ મોડેલિંગ લેબ, તેમજ IC ડિઝાઇન અને પ્રોટોટાઇપ લેબ જેવી અદ્યતન પ્રયોગશાળાઓ વિકસાવવામાં આવશે. આ સુવિધાઓના કારણે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન નહીં પરંતુ વાસ્તવિક ઉદ્યોગમાં ઉપયોગી પ્રાયોગિક અનુભવ પણ મળશે. ચિપ ડિઝાઇનથી લઈને ઉત્પાદન અને ગુણવત્તા પરીક્ષણ સુધીની સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ એક જ સ્થળે શક્ય બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારતનું લક્ષ્ય માત્ર સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ સ્થાપવાનું નથી, પરંતુ સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભી કરવાનું છે. તેમના જણાવ્યા અનુસાર, ભારત હવે ડિઝાઇન એન્જિનિયરિંગથી લઈને મશીન નિર્માણ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સુધીના દરેક ક્ષેત્રમાં મજબૂત હાજરી સ્થાપિત કરવા માટે કાર્ય કરી રહ્યું છે. 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. ઉત્પાદન ક્ષમતા વધવાની સાથે સ્થાનિક સ્તરે મટિરિયલ્સ, કોમ્પોનન્ટ્સ અને સહાયક ઉદ્યોગોની માંગમાં પણ વધારો થશે, જેના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશના ઉદ્યોગોને નવી તકો મળશે. IIT ગાંધીનગરમાં શરૂ થનાર ‘સમર્થ’ કેન્દ્ર આ મહત્ત્વાકાંક્ષી વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ગુજરાતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વૈશ્વિક નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ